• Home
  • News
  • કેન્દ્રીય કર્મચારીઓનું DA 4% વધ્યું:દિવાળી પહેલાં સરકારની કર્મચારીઓને ગિફ્ટ, 1 કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનર્સને લાભ
post

કેબિનેટે PM ગરીબ કલ્યાણ યોજનામાં 3 મહિનાનો વધારો કરવાનો નિર્ણય કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:04:59

કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ બેઠકમાં સરકારે કેન્દ્ર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ગઈ વખતે સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થું વધાર્યું હતું, 1 જાન્યુઆરી 2022થી લાગુ થયું હતું. માર્ચમાં સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, એટલે કે એને 31 ટકાથી વધારીને 34 ટકા કર્યું હતું. હવે 4 ટકા મોંઘવારી ભથ્થું વધારતાં એ 38 ટકા થઈ ગયું છે. સરકારે મોંઘવારી ભથ્થું વધારતાં દેશના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનધારકોને લાભ થશે.

એ સિવાય કેબિનેટે PM ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના વધારવાનો નિર્ણય કર્યો છે.

મોંઘવારી ભથ્થું (DA) શું છે?

મોંઘવારી ભથ્થું એ કર્મચારીની બેસિક સેલરીનો એક ચોક્કસ ભાગ હોય છે. દેશમાં મોંઘવારીની અસર ઓછી કરવા માટે સરકાર તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. એને સમય પ્રમાણે વધારવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ મળે છે.

DA બાદ સેલરી કેવી રીતે વધશે

એ માટે નીચે લખેલી ફોર્મ્યુલામાં પોતાની સેલરી ગણો (બેસિક સેલરી+ ગ્રેડ પે) × DA % = DA રકમ સરળ ભાષામાં સમજીએ તો બેસિક સેલરીમાં ગ્રેડ સેલરી ઉમેર્યા પછી જે રકમ મળે છે એમાં મોંઘવારી ભથ્થાના દર સાથે ગુણાકાર કરવામાં આવે છે. એના પરિણામને ડિયરનેસ એલાઉન્સ (DA) કહેવાય છે. હવે આને એક ઉદાહરણથી સમજીએ, ધારો કે તમારી બેસિક સેલરી 10 હજાર રૂપિયા અને ગ્રેડ પે 1000 રૂપિયા છે.

બંનેને ઉમેરવાથી કુલ 11 હજાર રૂપિયા થઈ ગયા, એટલે કે મોંઘવારી ભથ્થામાં 38% વધારો થતાં 4,180 રૂપિયા થયા છે. હવે તમારી કુલ સેલરી વધીને 15,180 રૂપિયા થઈ ગઈ. અગાઉ 34% DA તરીકે તમને 14,740 રૂપિયા સેલરી મળતી હતી. હવે દર મહિને 440 રૂપિયાનો લાભ થશે.

PM ગરીબ કલ્યાણ યોજનામાં 3 મહિનાનો વધારો કરાયો
કેબિનેટે PM ગરીબ કલ્યાણ યોજનામાં 3 મહિનાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ ડિસેમ્બર 2022 સુધી મળશે. પહેલા સપ્ટેમ્બર 2022એ યોજના પૂરી થનારી હતી. કેન્દ્રના આ નિર્ણયથી દેશના 81 કરોડથી વધુ લોકોને રાહત મળશે. હવે દેશના જરૂરિયાતમંદોને ડિસેમ્બર 2022 સુધી મફત રાશન મળતું રહેશે.

શું છે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના?
કોરોના રોગચાળાને કારણે દેશમાં લોકડાઉનમાં PM ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2020માં શરૂ કરવામાં આવી હતી.
આ યોજના એપ્રિલથી જૂન 2020 સુધીની હતી. ત્યારબાદ તેને નવેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી હતી.
ગરીબ કલ્યાણ યોજના હેઠળ, 81 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખાની સાથે એક કિલો ચણા આપવામાં આવે છે.

આ લોકોને મળે છે યોજનાનો લાભ
આ યોજના હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા લોકોને મફત રાશન આપે છે. NFSA80 કરોડ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ મળવાની સૂચિમાં ઉમેર્યા છે. આ યોજના હેઠળ મળતું મફત રાશન કાર્ડધારકોને રાશનની દુકાનો દ્વારા મળતા સબસિડીવાળા અનાજ સિવાય અને તેનાથી વધુ હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post