• Home
  • News
  • દબંગ MLAની ફરી ગોળી મારવાની ધમકી:'હું એ જ 1995નો બાહુબલી છું, તમે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે'
post

અગાઉ મીડિયાકર્મીઓને ધમકી આપી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 19:26:56

વડોદરા પાસે આવેલા જરોદ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમયે વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.

દબંગ નેતા શાયરાના અંદાજમાં...
મધુ શ્રીવાસ્તવે શાયરાના અંદાજ કહ્યું હતું કે મૈં વો ઇન્સાન હૂં જીસસે સમંદર કી લહરે ભી દૂર ભાગતી હૈ, મૈં વો ઇન્સાન હૂં જીસસે મોત ભી દૂર ભાગતી હૈ, મોત કી પુરજોશ આંધી ફિર જમીન સે ટકરાયેગી, તૂટ કે વો ઇમારત ખાક મેં મીલ જાયેગી.

તેમને મદિરા પિવડાવવાના ધંધા કર્યા
મઘુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કોઈએ કોઈ કામ કર્યું નથી. તમે મને ટીવી પર અને રૂબરૂ જોયા હશે. ઘરે આવીને પણ જોયા હશે. પણ આ 6 ઉમેદવારમાં કોઈનું ઘર ભાગ્યે જ જોયું હશે. તેમને પેટ્રોલ પંપ બતાવ્યો હશે, ફાર્મ હાઉસ બતાવ્યું હશે. તેમને મદિરા પિવડાવવાના ધંધા કર્યા, બીજું કશું કર્યું નથી. તેમને સબક શિખવાડવો જોઇએ કે લોકોનાં કામ કરો. વિકાસના કાર્ય કરો, લોકોને રોજી રોટી મળે એ કામ કરો. પાણી પહોંચાડવાના પ્રયાસ કરો. નાત-જાત ભેદભાવ વિના લોકોના નિઃસ્વાર્થ કામ કરો. 25 વર્ષના ઈતિહાસમાં વાઘોડિયા અને નંદેસરીના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કોઈ દિવસ કંપનીના માલિક કે મેનેજર પાસે ચૂંટણી ફંડ માગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી.

પાટીલે કહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ નોન કરપ્ટ છે
પાટીલે પણ નિવેદન કર્યું હતું કે મધુ શ્રીવાસ્તવ દબંગ છે, પણ નોન કરપ્ટ છે. મેં વચન આપ્યું છે કે જીવીશ ત્યાં સુધી કામ કરીશ. મારું વચન પાળીશ. ગોચરમાં ઘર હોય, ઝૂંપડું બનાવ્યું હોય, ગેરકાયદે મકાનોને કાયદેસર કરી આપવાના પ્રયાસ કરીશ.

અડધી રાત્રે મધુ શ્રીવાસ્તવ કામ આવશે
5 તારીખે 7 નંબરનું બટન દબાવીને વિજયી બનાવશો તેની મને ખાતરી છે. અડધી રાત્રે મધુ શ્રીવાસ્તવ કામ આવશે. બીજું કોઈ કામ નહીં આવે. બે ઉમેદવારોએ તો ડિપોઝિટ બચાવી લેવી પડશે. વેપારીઓને વિનંતી કરું છું, તમારા ગ્રાહકોને પણ મને મત આપવા કહેજો. 2002માં આખું ગુજરાત ભળકે બળતું હતું, પણ મારા વાઘોડિયાને ભળકે બળવા દીધું નથી અને જાનહાનિ થવા દીધી નથી અને આગળ વધ્યો છું.

અગાઉ પણ ગોળી મારવાની ધમકી આપી હતી
ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધવવા ગયા, એ સમયે મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે તમે કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું હું તો મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, એ કરીશ તો હું છું, તમારે ડરવાની જરૂર નથી.

અગાઉ મીડિયાકર્મીઓને ધમકી આપી ચૂક્યા છે
મધુ શ્રીવાસ્તવ મીડિયાકર્મીઓ અને અધિકારીઓને ધમકી આપવાને લઈને સતત વિવાદમાં રહ્યા છે. તેઓ અધિકારીઓને ચૌદમું રતન બતાવીશ એવી ધમકીઓ આપવા માટે જાણીતા છે. તેમણે 4 વર્ષ પહેલાં મીડિયાકર્મીઓને ધમકી આપી હતી કે હું મધુ શ્રીવાસ્તવ છું, તમે જ્યાં નોકરી કરો છો ત્યાંથી તમારે છોડવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post