• Home
  • News
  • દીપક ચહર અને ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયાને અપાવી શાનદાર જીત, સિરીઝ કરી કબજે
post

શિખર ધવનની આગેવાનીમાં ભારતે સતત બીજી વનડે મેચમાં શ્રીલંકાને પરાજય આપી સિરીઝ કબજે કરી લીધી છે. દીપક ચહર આ જીતનો હીરો રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-21 12:19:23

કોલંબોઃ દીપક ચાહર (69) અને ભુવનેશ્વર કુમાર (19) એ આઠમી વિકેટ માટે અણનમ 84 રનની ભાગીદારી કરી ભારતને શ્રીલંકા સામે રમાયેલી બીજી વનડેમાં 3 વિકેટે શાનદાર વિજય અપાવ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચોની સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ હાસિલ કરી લીધી છે. એક સમયે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી, પરંતુ દીપક ચાહરે દમદાર બેટિંગ કરતા ભારતને શ્રેણી કબજે કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 49.1 ઓવરમાં 7 વિકેટે 277 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

ભારતની ઈનિંગનો રોમાંચ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો પૃથ્વી શોના રૂપમાં લાગ્યો હતો. શો 13 રન બનાવી વનિંદુ હસારંગાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઇશાન કિશન માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન શિખર ધવન 29 રન બનાવી હસારંગાની ઓવરમાં lbw આઉટ થયો હતો. 

ભારતને ચોથો ઝટકો મનીષ પાંડેના રૂપમાં લાગ્યો, જે રનઆઉટ થયો હતો. તેણે 31 બોલમાં 37 રન બનાવ્યા હદતા. પાંચમો ઝટકો ટીમને હાર્દિક પંડ્યાના રૂપમાં લાગ્યો હતો. તે શૂન્ય રન પર શનાકાનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવે બીજી વનડેમાં પોતાના કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. 

પોતાની અડધી સદી બાદ સૂર્યકુમાર 53 રન બનાવી આઉટ થયો હતો. ભારતને સાતમો ઝટકો કૃણાલ પંડ્યાના રૂપમાં લાગ્યો, તે 35 રન બનાવી આઉટ થયો હતો. 

ત્યારબાદ દીપક ચાહરે 82 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 69 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર 19 રન બનાવી અમનમ રહ્યો હતો. 

શ્રીલંકાની ઈનિંગનો રોમાંચ
યજમાન શ્રીલંકાને અવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકાએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ 12 ઓવરમાં ટીમનો સ્કોર 70 રન પર પહોંચાડી દીધો હતો. પરંતુ 77 રનના સ્કોર પર ટીમને પ્રથમ ઝટકો મિનોદ ભાવુકાના રૂપમાં લાગ્યો. યુજવેન્દ્ર ચહલે મિનોદને 36 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ ચહલે ભાનુકા રાજપક્ષેને શૂન્ય પર આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. 

અવિષ્કા ફર્નાન્ડોએ 70 બોલ પર પોતાના વનડે કરિયરની પાંચમી અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તે ભુવનેશ્વરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. શ્રીલંકાના ચોથો ઝટકો ધનંજય ડિ સિલ્વાના રૂપમાં લાગ્યો, જે દીપક ચાહરના ધીમા બોલ પર 32 રન બનાવી આઉટ થયો હતો. 

કેપ્ટન દસુન શનાકાના રૂપમાં શ્રીલંકાને પાંચમો ઝટકો લાગ્યો હતો. તેને ચહલે બોલ્ડ કરી મેચમાં પોતાની ત્રીજી વિકેટ ઝડપી હતી. દીપક ચાહરે ભારતને છઠ્ઠી સફળતા અપાવતા હસરંગાને 8 રને આઉટ કર્યો હતો. ચરિત અસલંકાએ પોતાના વનડે કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અસલંકા 65 રન બનાવી ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. 

દુશમાંથા ચમીરા બે રન બનાવી ભુવીની ઓવરમાં આઉટ થયો હતો. લક્ષન સંદાકન રન આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી કરૂણારત્નેએ અણનમ 44 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય દીપક ચહરને બે સફળતા મળી હતી.