• Home
  • News
  • ધોનીનો ધમાકો, દિલ્હીને 4 વિકેટે હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ ફાઇનલમાં
post

ચેન્નઈએ આઈપીએલમાં પોતાનો દબદબો જાળવી રાખતા ફરી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ધોનીની ટીમ રેકોર્ડ 9મી વખત ફાઇનલમાં પહોંચી છે. હવે દિલ્હીને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 09:58:05

દુબઈઃ  અનુભવી ચેન્નઈ સુપર કિંગ્સે ધમાકેદાર પ્રદર્શન કરતા ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. ક્વોલિફાઇવ-1માં ચેન્નઈએ દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈએ 19.4 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત ફાઇનલમાં પહોંચી છે. ધોનીએ 6 બોલમાં અણનમ 18 રન બનાવી ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. 

ખરાબ શરૂઆત બાદ ચેન્નઈની વાપસી
દિલ્હીએ આપેલા 173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. ફાફ ડુ પ્લેસિસ 1 રન બનાવી નોર્ત્જેની ઓવરમાં બોલ્ડ થયો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં 1 વિકેટે 59 રન બનાવ્યા હતા.

ઉથપ્પા અને ગાયકવાડ વચ્ચે 110 રનની ભાગીદારી
ત્રણ રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ચેન્નઈએ શાનદાર વાપસી કરી હતી. રુતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાએ બીજી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. ઉથપ્પાએ પોતાના આઈપીએલ કરિયરની 25મી અને આ સીઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી. ઉથપ્પા 44 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 63 રન બનાવી ટોમ કરનનો શિકાર બન્યો હતો. રુતુરાજ ગાયકવાડ 50 બોલમાં 5 ચોગ્ગા અને બે સિક્સ સાથે 70 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં આઉટ થયો હતો. 

ચેન્નઈએ ચોથા ક્રમે બેટિંગ માટે શાર્દુલ ઠાકુરને મોકલ્યો હતો. પરંતુ ચેન્નઈનો આ દાવ ફેલ થયો અને ઠાકુર એક બોલનો સામનો કરી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ અંબાતી રાયડૂ (1) શ્રેયસ અય્યરના શાનદાર થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. મોઇન અલી 16 રન બનાવી ટોમ કરનની ઓવરમાં આઉટ થયો હતો. ધોની 6 બોલમાં 18 રન બનાવી અણનમ રહ્યો હતો. 

પૃથ્વી શોની ધમાકેદાર શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને પૃથ્વી શોએ આક્રમક શરૂઆત અપાવી હતી. શો અને ધવન વચ્ચે પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી થઈ હતી. શિખર ધવન 7 રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર માત્ર 1 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 51 રન બનાવ્યા હતા. 

પૃથ્વી શોએ એક છેડો સાચવી રાખતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. પૃથ્વી શો 34 બોલમાં આક્રમક 60 રન બનાવી આઉટ થયો હતો. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શો રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલ અક્ષર પટેલ 10 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. 

રિષભ પંત-હેટમાયરે દિલ્હીનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો
સારી શરૂઆત બાદ દિલ્હીની ટીમે 80 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શિમરોન હેટમાયર અને રિષભ પંતે પાંચમી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. શિમરોન હેટમાયર 37 રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો હતો. હેટમાયરે 24 બોલમાં 3 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. રિષભ પંત 35 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે 51 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી જોશ હેઝલવુડે 4 ઓવરમાં 29 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજા, મોઇન અલી અને બ્રાવોને એક-એક સફળતા મળી હતી.