• Home
  • News
  • અરુણાચલ સાથે જોડાયેલી સીમા પર સૈન્ય ક્ષમતા ધરાવતું ગામ વસાવી રહ્યું છે ડ્રેગન, ભારત સંપૂર્ણ રીતે તૈયાર
post

તવાંગ સેક્ટરમાં ગત મહિને જ ભારતીય જવાનોની ચીનની સાથે અથડામણ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-20 10:48:48

ચીને અરુણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC) પર મોટા પ્રમાણમાં સૈનિકોને ખડક્યા છે. બોર્ડરની નજીક ચીન એવું ગામ બનાવી રહ્યું છે, જેનો સૈનિકની ગતિવિધિઓ પર પણ ઉપયોગ કરી શકાય. ભારત પણ ચીનની આ બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે. આ માહિતી ઈસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ મનોજ પાંડેએ આપી છે.

જનરલ પાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં ચીનની મિલિટરી એક્સર્સાઈઝની ગતિ અને સમયમાં પણ વધારો થયો છે. એવામાં ભારતીય સેના કોઈપણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે અને એના માટે ખૂબ જ ઉચ્ચ સ્તરની તૈયારી પણ કરી છે.

ચીન સાથે જોડાયેલી 1300 કિમી સીમા પર ભારતીય સેનાની તૈયારીઓ પર દેખરેખ રાખતાં જનરલ પાંડેએ જણાવ્યું હતું કે સેનાની માઉન્ટેઇન સ્ટ્રાઈક કોરે સંપૂર્ણ રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ કોરે ઈન્ટિગ્રેટેડ ટ્રેનિંગ પણ કરી છે અને તેના તમામ યુનિટ સંપૂર્ણ રીતે તૈયાર છે.

ચીન-પાકિસ્તાન બોર્ડર પર મજબૂત થશે ભારતીય સેના
તેમણે માહિતી આપી કે સેનાના આધુનિકીકકરણ માટે ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ(IBGs)ની મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રુપ ઝડપથી અને વધુ અસરકારક રીતે આગળ વધવા સક્ષમ છે. એમાં સૈનિક, તોપ, એર ડિફેન્સ, ટેન્ક અને લોજિસ્ટિક યુનિટ્સ સામેલ છે. એનાથી ચીન અને પાકિસ્તાન સીમા પર ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતાઓમાં વધારો થશે.

જનરલ પાંડેએ કહ્યું હતું કે પૂર્વી વિસ્તારમાં ચીનની બરાબરી માટે ઉપકરણો વધારવામાં આવી રહ્યાં છે. એની સાથે જ કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજી ખરીદવા પર પણ વિચાર ચાલી રહ્યો છે. જ્યારે ફોરવર્ડ વિસ્તારમાં સેનાની ક્ષમતા વધારવા માટે નવો લોજિસ્ટિક સ્ટોર બનાવવા પર પણ ભાર અપાઈ રહ્યો છે.

અરુણાચલ પ્રદેશમાં ગત મહિને જ થઈ હતી અથડામણ
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ગત મહિને ભારતીય જવાનોની ચીનની સાથે અથડામણ થઈ હતી. મીડિયા અહેવાલો મુજબ, અરુણાચલપ્રદેશમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC) પર ચીનના 200 સૈનિક તિબેટની તરફથી ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા, આ સૈનિકોને ભારતીય જવાનોએ ભગાડ્યા હતા.

અરુણાચલમાં ઘૂસણખોરી કરતુું આવ્યું છે ચીન
લગભગ 9 મહિના પહેલાં એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અરુણાચલમાં ભારતની સીમાથી સાડાચાર કિલોમીટર અંદર એક ગામ વસાવી લીધું છે. એમાં 100થી વધુ ઘર બનાવ્યાં છે. આ ગામ સુબનસિરી જિલ્લામાં સારી ચુ નદીના કિનારે વસાવવામાં આવ્યા છે. આ લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલની પાસેનો વિસ્તાર છે. US સ્થિત ઈમેજિંગ કંપની પ્લેનેટ લેબ્સે એની તસવીર બહાર પાડી હતી.

ઓગસ્ટમાં ઉત્તરાખંડમાં ઘૂસી આવ્યા હતા ચીનના 100 સૈનિક
થોડા દિવસો અગાઉ સમાચાર આવ્યા હતા કે ચીનના 100 સૈનિકોએ 30 ઓગસ્ટે ઉત્તરાખંડના બારાહોતી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી અને 3 કલાક ત્યાં રહ્યા પછી તે પરત ફર્યા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, ઘોડા પર આવેલા ચીનના સૈનિકોએ ભારતીય સીમમાં ઘૂસીને તોડફોડ કરી અને પરત ફરતા પહેલાં એક પુલ પણ તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે બારાહોતી એ તે વિસ્તાર છે, જેમાં ચીને 1962ના યુદ્ધ પહેલાં પણ ઘૂસણખોરી કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post