• Home
  • News
  • રાજપૂતોના શૌર્યરાસનો ડ્રોન નજારો:જામનગરની ઐતિહાસિક શહીદ ભૂમિ ભૂચરમોરીમાં વિશ્વરેકોર્ડ, 5 હજાર રાજપૂત યુવાને 11 મિનિટ સુધી તલવારથી કરતબ કર્યા
post

30 વર્ષથી ભૂચરમોરીમાં શીતળા સાતમે બલિદાન આપનારા શહીદોને વિશેષ શ્રદ્ધાંજલિ અપાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 17:56:31

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી ઐતિહાસિક શહીદભૂમિ ભૂચરમોરી ખાતે 31મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં એકસાથે 5 હજાર રાજપૂત યુવાનોએ 11 મિનિટ સુધી શૌર્યરાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. યુવાનોએ તલવારથી કરતબ બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન"માં સ્થાન
ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતા, જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. એના ભાગરૂપે છેલ્લાં 30 વર્ષથી ભૂચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે 31માં ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂત યુવાઓએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી કરી "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન"માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નિરીક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર
આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ભૂચરમોરીની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતાં ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે 5000 યુવાઓએ તલવારબાજીથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે. સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભૂચરમોરીની ધરા, ભગવાન કૃષ્ણની દ્વારિકા નગરી, સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં ચાર યુગનું વર્ણન કરી દેશના વીર યોદ્ધાઓનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં ઝુલાવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે.

ભૂચરમોરીની ધરા પર બલિદાન આપ્યું છે તે શહીદોને નમન
ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પોતાના પ્રાણોની પરવાહ કર્યા વગર ભૂચરમોરીની ધરા પર બલિદાન આપ્યું છે તે શહીદોને નમન. છેલ્લાં 30 વર્ષથી આ જગ્યા પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સમારોહના આયોજનમાં હજારો રાજપૂત યુવાઓ ઉપસ્થિત રહે છે અને 31મા શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 યુવાઓના તલવારરાસથી નવો રેકોર્ડ સર્જાયો છે. એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

400 વર્ષ પહેલાં ખેલાયું હતું ભૂચરમોરી મહાયુદ્ધ
જામનગરના ધ્રોલ પાસે આવેલા ભૂચરમોરીના મેદાનમાં આશરે 400 વર્ષ પહેલાં લોહિયાળ જંગ ખેલાયો હતો. જામનગરના રાજવી જામસતાજી અને અકબરની સેના વચ્ચે ખેલાયેલું આ યુદ્ધ દેશના સર્વકાલિન મહાન યુદ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે. ભૂચરમોરીનું યુદ્ધ નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે લડાયું હતું. રાજ ધર્મ અને આસરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ રણસંગ્રામમાં જામનગરના કુંવર અજાજીએ પ્રાણોની આહુતિ આપી હતી. મુઘલોનાં માથાં વાઢતાં-વાઢતાં કુંવર શહીદ થયા. કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુદ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા. એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનારા એ મહાન યુદ્ધનો એ દિવસે અંત આવ્યો. દર વર્ષે દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચરમોરી મેદાનમાં એ મહાન શહીદોને ભવ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post