• Home
  • News
  • ભૂકંપથી તુર્કીની અર્થવ્યવસ્થાને પણ આંચકો:કરન્સી લીરામાં રેકોર્ડ ઘટાડો, પહેલાથી વધેલી મોંઘવારીમાં ઘરનું ભાડું 19,700થી 1,31,000 પહોંચ્યું
post

ઓક્ટોબર 2022માં તુર્કીનો રિટેલ મોંઘવારી દર 85.5% પર પહોંચી ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:20:55

તુર્કી હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની કરન્સી લીરા સતત નબળી પડી રહી છે અને મોંઘવારીનો દર 57%ની નજીક આવી ગયો છે. મોંઘવારી વધવાથી લોકો પરેશાન છે. આ સ્થિતિમાં તુર્કી અને સીરિયામાં સોમવારે સવારે આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોનાં મોત થયાં છે.

આગળ વાંચતા પહેલા જુઓ આ તસવીરો જે ભૂકંપથી થયેલી તારાજી બતાવે છે....

હવે અર્થતંત્રની વાત...

ભૂકંપથી લગભગ 8 હજાર કરોડનું નુકસાન
US
જિઓલોજિકલ સર્વે અનુસાર, તુર્કી અને સીરિયાને હચમચાવી દેનારા ભયાનક ભૂકંપથી લગભગ 1 બિલિયન ડૉલર (લગભગ 8.2 હજાર કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. રિઇન્સ્યોરન્સ બ્રોકર ગૈલાઘેરના ચીફ સાયન્સ ઑફિસર સ્ટીવ બોવેને જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2020માં આ જ એરિયામાં 6.7ની તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ 600 મિલિયન ડૉલર (લગભગ 4.9 હજાર કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું.

જો કે તુર્કીમાં વીમા યોજના થકી લોકોને ફરજિયાત વીમો આપવામાં આવે છે. 2021 ઇન્સ્યોરન્સ રિન્યુઅલના આધારે આ યોજનાની કેપેસિટી 2.5 બિલિયન ક્લેમ પેમેન્ટની છે. બીજી તરફ સીરિયાની વાત કરીએ તો ત્યાં ગૃહયુદ્ધના કારણે હાલત પહેલાથી જ ખરાબ છે. ખાવા-પીવાથી લઈને અનેક પ્રકારની સમસ્યાઓ છે. ભૂકંપના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ભૂકંપની પાંચ આર્થિક અસરોઃ

·         બિલ્ડિંગ અને અન્ય માળખાને ભારે નુકસાન

·         ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટતાં માલની નિકાસમાં વિલંબ થશે

·         વીજ પુરવઠો ખોરવવાને કારણે લાઈફલાઈન સેવા ઓપરેટ કરવી મુશ્કેલ

·         મહેસૂલમાં ઘટાડો થશે અને જાહેર ક્ષેત્રના ખર્ચમાં વધારો થશે

·         સેંકડો મોત, ઈજાઓ તથા નોકરી જવાથી સ્થાનિક આવકમાં નુકસાન

ઘરનું ભાડું 19,700થી 1,31,000 રૂપિયા પહોંચ્યું
BBC
ના એક રિપોર્ટમાં તુર્કીની એક મહિલા કહ્યું છે કે, 'ગયા વર્ષે હું 4,500 લીરા (લગભગ 19,700 રૂપિયા) ભાડું ચૂકવતી હતી, પરંતુ મારા મકાન માલિકે કહ્યું કે ભાડું વધારવું પડશે. મે ભાડું બમણુ ચૂકવ્યું. તેમ છતાં ફ્લેટ છોડવો પડ્યો. તુર્કીમાં હવે લગભગ 30,000 લીરા (આશરે 1,31,000 રૂપિયા)માં મકાનો ભાડે મળે છે.

સ્થાનિક બજારમાં 600% મોંઘવારી
​​​​​​​
અન્ય એક નાગરિકે કહ્યું કે, 'અમે અચાનક ગરીબ થઈ ગયા છીએ. શેરીઓમાં મોંઘવારી 600% વધી ગઈ છે. પરંતુ પેન્શનમાં માત્ર 30%નો જ વધારો કરવામાં આવ્યો છે. ઈસ્તંબુલના એક રેસ્ટોરન્ટ મેનેજર એર્સિન ફુઆટ ઉલ્કુએ જણાવ્યું હતું કે, 'હવે ક્યાં તો વધુ અમીર લોકો છે ક્યાં તો વધુ ગરીબ લોકો છે. મધ્યમ વર્ગ નથી. સરકારી સહાય બાદ પણ મોંઘવારીનો સામનો કરવો મુશ્કેલ છે. અહીં ભવિષ્ય અંધકારમાં છે.

તુર્કીમાં ચૂંટણી, રેકોર્ડ જાહેર ખર્ચની જાહેરાત
આ વર્ષે તુર્કીમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં અર્થતંત્રને વેગ આપવા માટે રાષ્ટ્રપતિ એર્ડોગાને રેકોર્ડ જાહેર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. તેમની યોજનામાં ઊર્જા સબસિડી, લઘુત્તમ વેતન બમણુ કરવું અને પેન્શનમાં વધારો તેમજ 20 લાખથી વધુ લોકોને તાત્કાલિક નિવૃત્ત થવાની તક આપવાનો સમાવેશ થાય છે. નિષ્ણાતો રશિયા-યુક્રેન યુદ્ધની સાથે સાથે એર્ડોગાનની નીતિઓને અર્થતંત્રની ખરાબ હાલત માટે કારણ માની રહ્યા છે.

2018માં પણ તુર્કીમાં આર્થિક સંકટ આવ્યું હતું
2018
માં પણ તુર્કીમાં આર્થિક કટોકટી જોવા મળી હતી પરંતુ તેની પાછળનું કારણ US દ્વારા લદાયેલા પ્રતિબંધો હતા.વર્તમાન સ્થિતિ સાવ અલગ છે. આગામી દિવસોમાં તુર્કીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે કારણ કે એર્ડોગાન આર્થિક સમીકરણોની વિરુદ્ધ ચાલી રહ્યા છે. તેઓ વ્યાજદરમાં સતત ઘટાડો કરી રહ્યા છે. જ્યારે અન્ય દેશોની સેન્ટ્રલ બેન્કો ફુગાવાને નિયંત્રણમાં લાવવા વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.

ફુગાવો 85.5% થયો, કરન્સી 38% નબળી થઈ
ઓક્ટોબર 2022માં તુર્કીનો રિટેલ મોંઘવારી દર 85.5% પર પહોંચી ગયો હતો. આ દર 24 વર્ષની સર્વોચ્ચ સપાટી પર હતો. જો કે જાન્યુઆરીમાં ફુગાવો ઘટીને 57.7% થયો હતો. તેના એક મહિના પહેલા ડિસેમ્બરમાં 64.3% હતો. બીજી તરફ તુર્કીની કરન્સી લીરા એક ડૉલરની સરખામણીએ 18.83 લીરા પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા 6 ફેબ્રુઆરીએ એક ડૉલરનો ભાવ 13.56 લીરા હતો. મતલબ કે એક વર્ષમાં કરન્સી લગભગ 38% નબળી થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post