• Home
  • News
  • ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 5 વિકેટે હરાવ્યું, તેની સામે બીજીવાર 200+નો ટાર્ગેટ ચેઝ કર્યો
post

ઇંગ્લેન્ડ માટે કેપ્ટન ઓઇન મોર્ગને 21 અને જોસ બટલરે 23 બોલમાં ફિફટી મારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 11:29:32

ઇંગ્લેન્ડે 3 T-20ની સીરિઝની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. દક્ષિણ આફ્રિકા પહેલી મેચ 1 રને જીત્યું હતું. જ્યારે બીજી મેચ ઇંગ્લેન્ડ 2 રને જીત્યું હતું. રવિવારે સેન્ચુરિયન ખાતેની મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 222 રન કર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડે 19.1 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કપ્તાન ઓઇન મોર્ગને 22 બોલમાં અણનમ 57 રન કર્યા હતા.

ઇંગ્લેન્ડે પોતાના T-20 ઇતિહાસમાં બીજીવાર 200+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. બંને વખત દક્ષિણ આફ્રિકા જ વિરોધી ટીમ રહી. આ પહેલા ઇંગ્લેન્ડે 2016માં મુંબઈમાં 230 રન કર્યા હતા. T-20માં આ ચોથો સૌથી મોટો રનચેઝ છે. આ પહેલા 2018માં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 244 રન, વેસ્ટ ઈન્ડિઝે 2015માં દક્ષિણ આફ્રિકા સામે 232 રન અને ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 2016માં 230 રન બનાવ્યા હતા.

બટલર-બેરસ્ટોએ 91 રનની ભાગીદારી કરી

223 રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. જેસન રોય 7 રને બીજી ઓવરમાં આઉટ થયો હતો. તે પછી જોની બેરસ્ટો અને જોસ બટલરે બીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. બટલરે 23 બોલમાં ફિફટી મારી હતી. તે 29 બોલમાં 57 રન કરીને આઉટ થયો હતો. તેણે 9 ફોર અને 2 સિક્સ મારી હતી. જ્યારે બેરસ્ટોએ 34 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 64 રન કર્યા હતા.

મોર્ગને બીજીવાર 21 બોલમાં ફિફટી મારી
બેરસ્ટોના આઉટ થયા પછી ડેવિડ મલાન 11 રને આઉટ થયો હતો. તે પછી મોર્ગન અને બેન સ્ટોક્સે આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ 27 બોલમાં 61 રનની ભાગીદારી કરી હતી. સ્ટોક્સ 12 બોલમાં 22 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. મોર્ગને બીજીવાર 21 બોલમાં ફિફટી મારી હતી. તેણે આ પહેલા કિવિઝ સામે આટલા બોલમાં ફિફટી ફટકારી હતી. તે ઇંગ્લેન્ડ માટે T-20માં સૌથી ઝડપી ફિફટી મારનાર બેટ્સમેન છે. આ જીત સાથે ઇંગ્લેન્ડનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સમાપ્ત થયો. તેણે ટેસ્ટ સીરિઝ 3-1થી જીતી, જ્યારે વનડે સીરિઝ 1-1થી ડ્રો રહી.

હેનરિચ ક્લાસેને 33 બોલમાં 66 રન કર્યા
આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. કપ્તાન કવિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમાએ પહેલી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. ડી કોકે 24 બોલમાં 35 અને બાવુમાએ 24 બોલમાં 49 રન કર્યા હતા. હેનરિચ ક્લાસેને 33 બોલમાં 66 અને ડેવિડ મિલર 20 બોલમાં 35 રન કરીને આઉટ થયો હતો. ડવેન પ્રિટોરિયસ 7 બોલમાં 11 રને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ માટે ટોમ કરને અને બેન સ્ટોક્સે 2-2 વિકેટ લીધી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post