• Home
  • News
  • નીતીશના પોતાના જિલ્લામાં પણ એન્ટી-ઇન્કમ્બન્સી, બિનકુર્મી અને લોજપાવાળા બગાડી રહ્યા છે સમીકરણ
post

આ વખતે જેડીયુએ જિલ્લાની 7 બેઠકમાંથી 6 પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, એક બેઠક પર ભાજપ ચૂંટણી લડી રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 09:42:42

બિહારનો નાલંદા જિલ્લો. બિહારના હાલના મુખ્યમંત્રી નીતીશ કુમારનું ઘર. રાજકીય રીતે કહીએ તો નીતીશ કુમારનો ચૂંટણીલક્ષી કિલ્લો. વિપક્ષી પાર્ટીઓના પ્રમાણે, છેલ્લાં 15 વર્ષમાં સૌથી વધુ વિકાસ આ જ જિલ્લામાં થયો. બિહારનો એકમાત્ર જિલ્લો પણ, જ્યાં નીતીશ કુમારના સ્વજાતિય કુર્મીઓનો દબદબો છે.

આ જ કારણથી નાલંદાને બિહારમાં કુર્મીસ્તાનપણ કહેવામાં આવે છે. અહીં વિધાનસભાની 7 બેઠક છે. હાલમાં 5 બેઠક પર જેડીયુનો કબજો છે. એક બેઠક ભાજપ પાસે છે અને એક રાષ્ટ્રીય જનતાદળ પાસે છે. નાલંદાની તમામ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે, પરંતુ સમગ્ર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ અત્યારથી ખૂબ ચાલી રહી છે.

દરેક જગ્યાએ એ વાતની ચર્ચા છે કે આ વખતે નાલંદામાં શું થશે? શું 15 વર્ષ બિહાર પર શાસન કરનારા નીતીશ કુમાર આ ચૂંટણીમાં પોતાનો ચૂંટણીનો ગઢ સુરક્ષિત રાખી શકશે? શું તેમની પાર્ટી નાલંદા જિલ્લામાં પોતાના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે કે આ વખતે તેઓ અગાઉથી ઉત્તમ કરશે?

આ સવાલોના જવાબ જાણતાં પહેલાં એ જરૂરી છે કે આ વખતે થયેલી રાજકીય મોરચાબંધીને જાણી લઈએ. સમજી લો કે ગત વિધાનસભા ચૂંટણી એટલે કે 2015ની ચૂંટણીમાં જે સાથે લડ્યા હતા તેઓ આ વખતે ક્યાં છે અને કોની સાથે લડી રહ્યા છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2015માં નીતીશ કુમારની જેડીયુ અને ભાજપે અલગ અલગ ચૂંટણી લડી હતી. નીતીશ કુમાર મહાગઠબંધનનો હિસ્સો હતા. નીતીશ લાલુની આરજેડી અને કોંગ્રેસની સાથે ચૂંટણીમાં ઊતર્યા હતા. બીજી તરફ, એનડીએમાં ભાજપની સાથે લોકજન શક્તિ પાર્ટી (લોજપા) હતી. હવે એનડીએમાં ભાજપ, જેડીયુ અને લોજપાની સાથે જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચો પણ છે.

આ વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાંથી 6 પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. એક બેઠક પર ભાજપ ચૂંટણી લડી રહ્યો છે. મહાગઠબંધનની તરફથી 4 બેઠક પર આરજેડી ચૂંટણી લડી રહી છે. 3 બેઠક પર કોંગ્રેસ મેદાનમાં છે.

હવે આવીએ એ સવાલો પર, જેમનો ઉલ્લેખ શરૂઆતમાં જ થયો છે. પટનાથી નાલંદાની તરફ જતાં સૌપ્રથમ હિલસા વિધાનસભા આવે છે. વિનોદ રવિદાસ હિલસા બજારના ખાખી ચોક પર લારી લગાવીને કપડાં વેચે છે. તેઓ રાજકીય દાવપેચ તો નથી જાણતા, પણ એ વાત અંગે સ્પષ્ટ છે કે આ વખતે પરિવર્તન થવું જોઈએ.

કહે છે, ‘ગરીબો માટે કંઈ નથી થયું. સડક, વીજળીથી પેટ ભરાતું નથી. રાશન બંધ થઈ ગયું છે. કામ-ધંધા નથી. પાની, વીજળી પણ ગરીબની ઝોળીમાં સૌથી છેલ્લે આવે છે. નીતીશ કુમાર નાલંદાના છે પણ, આ વખતે તો અમે તેમને વોટ નહીં આપીએ.વિનોદ બિહારના એ લાખો વોટર્સનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ કેમેરા પર આવ્યા વિના, શોર મચાવ્યા વિના પોતાની વાત કહે છે. હજાર કારણોને કારણે તેઓ આજે પણ પોતાની મનની વાતખૂલીને કહી શકતા નથી.

આ ચોક પર લગભગ અડધો કલાક વિતાવ્યા પછી સ્પષ્ટ અંદાજ આવે છે કે આ વખતે રાજ્યના મુખ્યમંત્રીને તેમના ઘરમાં જ મોટો પડકાર મળવાનો છે. પ્રોફેસર અવધેશ કુમાર, ઈસ્લામપુર વિધાનસભાના વોટર છે અને તેમની સાથે અમારી મુલાકાત હિલસા કોર્ટમાં થાય છે. અવધેશ કુમારના અનુસાર, આ વખતે ચૂંટણીમાં જેડીયુને નાલંદાથી મોટો આંચકો લાગવાનો છે.

તેમના પ્રમાણે, પાર્ટી જીતેલી 5 બેઠકમાંથી 3 ગુમાવવાની છે. પોતાના આ અંદાજનું કારણ જણાવતાં તેઓ કહે છે, ‘જુઓ, નીતીશ કુમારના શાસનમાં નાલંદા જિલ્લાનો વિકાસ થયો નથી. કેવળ એક જાતિ વિશેષનો વિકાસ થયો છે. તેમની જાતિના લોકોને નોકરીઓ મળી છે. આ કારણથી નાલંદાની બાકીની જાતિઓના મતદારોમાં ગુસ્સો છે. એ ગુસ્સો આ વખતે તમને વોટિંગમાં જોવા મળશે.

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીના સમય સુધી નાલંદા જિલ્લામાં કુર્મી મતદારોની સંખ્યા ચાર લાખ 12 હજાર હતી. યાદવોના વોટ લગભગ ત્રણ લાખ, જ્યારે મુસલમાન વોટરોની સંખ્યા એક લાખ 60 હજારની આસપાસ હતા. જિલ્લામાં કુશવાહા અને અતિ પછાત સમુદાયની મોટી વસતિ છે. વિસ્તારના જાણકાર કહે છે કે આ ચૂંટણીમાં નીતીશની લહેર નથી, વોટિંગ તો કાસ્ટ લાઈન પર જ થશે. આ બધા પછી નીતીશ સરકાર માટે બિનકુર્મી મતદારોમાં ગુસ્સો છે અને તેની અસર ચૂંટણીનાં પરિણામો પર ચોક્કસ પડશે.

કલ્યાણ બીઘા નીતીશ કુમારનું પૈતૃક ગામ છે, જે હરનૌત વિધાનસભામાં આવે છે. આ વખતે નીતીશ કુમારને પોતાના ગામ માટે વરદાન માનનારા લોકો પણ ડરેલા છે. નામ ન બતાવવાની શરતે કલ્યાણ બીઘાના એક ગ્રામીણ કહે છે, ‘ખૂબ અસર પડશે, જોજો ને. આ વખતે સાહેબની વિરુદ્ધ મોરચાબાજી છે. તેમના નેતાઓ તેમને લઈને ડૂબશે. એ બધા સાચો રિપોર્ટ આપતા નથી. આ વખતે નાલંદા પણ હચમચી જશે.

રાજ્યની બાકી વિધાનસભા બેઠકોની જેમ જ નાલંદાની દરેક વિધાનસભા બેઠકનું સમીકરણ પણ અલગ છે. હાલના ધારાસભ્ય માટે નારાજગી, જાતિય સમીકરણ અને લોજપા ઉમેદવારો દ્વારા કપાનારા વોટને કારણે પણ દરેક બેઠક પર જેડીયુ માટે મુશ્કેલીઓ વધી રહી છે. આ વખતે નાલંદામાં નીતીશ કુમારનો એ ચહેરો નથી, જે પોતાના દમ પર ચૂંટણી જિતાડી શકે. એક વાત કે જે નીતીશના પક્ષમાં જઈ રહી છે, એ છે લાલુ-રાબડીનો શાસનકાળ.

બિહારશરીફ વિધાનસભા બેઠકમાં એક કુશવાહાની બહુમતી ધરાવતું ગામ છે સોહઢી. આ ગામનું સમગ્ર દેશમાં ઓર્ગેનિક ખેતી માટે નામ છે. ગામના સામુદાયિક ભવન પર કેટલાક લોકો બેઠેલા છે. જ્યારે અમે ચૂંટણીનો ઉલ્લેખ કરીએ છીએ તો તાશ રમી રહેલા એક વૃદ્ધ કહે છે, ‘જીતશે તો નીતીશ જ. લાલુ-રાબડીના પક્ષમાં એ જ બોલે છે જેઓ ખાઓ-પકાઓમાં માને છે. બજારમાં કોરોના પછી પણ ખાવાનું મળી રહ્યું છે એટલે કહું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post