• Home
  • News
  • જાણો કોણ છે નૂપુર, જેના નિવેદનથી કાનપુરમાં હિંસા ભડકી:કેજરીવાલ સામે ચૂંટણી લડી હતી, ટીવી ડિબેટમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ
post

નૂપુર દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-04 18:30:42

કાનપુર: કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ હિંસા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસા ભાજપ-પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનથી થઈ છે. આરોપ છે કે નૂપુરે ટીવી ડિબેટમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેનાથી મુસ્લિમ સમુદાયના લોકો નારાજ થયા હતા. કાનપુરમાં યતીમખાનાની સદભાવના ચોકી પાસે મુસ્લિમ સમુદાયના લોકો બજાર બંધ કરાવી રહ્યા હતા. આ દરમિયાન બે કોમના લોકો આમને-સામને આવ્યા, ત્યાર પછી સ્થિતિ વણસી ગઈ. લગભગ 4-5 કલાક સુધી ચાલેલી અથડામણ બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

કેજરીવાલ સામે ચૂંટણી લડી હતી
નૂપુર શર્મા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે. તે 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેને AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતારી હતી. નૂપુર બીજેપી દિલ્હીની પ્રદેશ કાર્યકારી સમિતિની સભ્ય છે. તે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂકી છે. 2008માં ABVP તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નૂપુર એકમાત્ર ઉમેદવાર હતી.

2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નૂપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલી નૂપુર વ્યવસાયે વકીલ પણ છે. આ સિવાય તેણે બર્લિનથી પણ અભ્યાસ કર્યો છે.

ડિબેટમાં કહ્યું- હું અન્ય ધર્મોની મજાક ઉડાવી શકું છું
શુક્રવારે 27 મેના રોજ નૂપુર ન્યૂઝ ચેનલની ડિબેટમાં પહોંચી હતી. ચર્ચા દરમિયાન તેણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો સતત હિંદુ ધર્મની મજાક કરી રહ્યા છે. જો આવું જ હોય તો તે પણ અન્ય ધર્મોની પણ મજાક ઉડાવી શકે છે. નૂપુરે વધુમાં ઇસ્લામિક માન્યતાઓનો ઉલ્લેખ કર્યો. આ વાત મોહમ્મદ ઝુબૈર નામના યુવકે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી હતી અને નૂપુર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

નિવેદન બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
નૂપુરના કહેવા પ્રમાણે, વીડિયો ક્લિપ શેર થતાં જ તેને રેપ, માથું કાપી નાખવાની ધમકીઓ મળવા લાગી. આ માટે તેણે ઝુબેરને જવાબદાર ગણાવ્યા હતા. તેણે કહ્યું, 'મેં પોલીસ કમિશનર અને દિલ્હી પોલીસને જાણ કરી છે. મને શંકા છે કે હું અને મારા પરિવારના સભ્યોને તકલીફ પડી શકે છે. જો મને કે મારા પરિવારના સભ્યોને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મોહમ્મદ ઝુબેરની રહેશે.

મુસ્લિમ સંગઠનોએ કેસ દાખલ કર્યા
જ્યારે, સુન્ની બરેલવી સંગઠન રઝા એકેડમીએ પણ મહારાષ્ટ્રમાં નૂપુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નૂપુર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપ લગાવ્યા છે. સોમવારે થાણેના મુંબ્રા પોલીસ સ્ટેશનમાં બીજો કેસ નોંધવામાં આવ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post