• Home
  • News
  • રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ:મૃતકની બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી, કહ્યું- 4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તો પણ ભાઈની ખોટ કેમ પુરાય, મૃતકના પુત્રએ કહ્યું, અમને શું ખબર કે પપ્પા સવારે ઊઠશે નહિ
post

મૃતકના પુત્રએ જણાવ્યું, પપ્પા સાથે રાતે નવ વાગ્યે વિડિયો કોલથી વાત થઈ હતી અને કહ્યું હતું કે અત્યારે બધા સૂઈ જાઓ, સવારે વાત કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 10:25:38

રાજકોટ સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં રાત્રે આગ લાગતાં પાંચ દર્દી ભડથું થઈ ગયા છે. જ્યારે એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ દર્દીના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે, જેમાં સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને જણાવ્યું હતું કે 4 લાખની સહાય શું, 400 કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય. બીજી તરફ, મૂળ મોરબીના નીતિનભાઈ મણિલાલ બદાણીના પુત્ર અંકિતભાઈએ જણાવ્યું હતું કે અમને શું ખબર પપ્પા સવારે ઊઠશે જ નહીં.

સાંકડા દરવાજામાંથી દર્દીઓને બહાર કેવી રીતે કાઢી શકાય એવો પરિવારજનોનો આક્ષેપ
સંધ્યાબહેને રડતાં રડતાં વધુમાં જણાવ્યું હતું કે અમે રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહીએ છીએ. 24 નવેમ્બરના રોજ મારા ભાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાતે જ ભાઈ સાથે વાત થઈ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે લસણ-ડુંગળીવાળું શાક ભાવતું નથી, ઠંડું મોકલજે. રાત્રે ICUનો દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો અને સાવ ત્રણ ફૂટનો દરવાજો હતો. એમાં આગ લાગી ત્યારે દર્દીઓને બહાર કેવી રીતે કાઢી શકાય એવો આક્ષેપ કર્યો હતો.

હોસ્પિટલનો સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંએ અમારા સ્વજનોને મોતને ઘાટ ઉતાર્યાં
મૂળ મોરબીના નીતિન મણિલાલ બદાણી પણ આ અગ્નિકાંડમાં ભડથું થઈ ગયા છે. નીતિનભાઈના પુત્ર અંકિતભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે પપ્પા સાથે રાતે નવ વાગ્યે વિડિયો કોલમાં વાત થઈ હતી અને તેમણે કહ્યુ હતું કે હવે બધા સૂઈ જાઓ, સવારે વાત કરીશું, પરંતુ અમને શું ખબર કે પપ્પા રાત્રે સૂઈ ગયા સવારે ઊઠશે જ નહીં. મૃતક દર્દીનાં સગાંઓએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે આવી પહોંચ્યા હતા અને પોતાનાં સગાંઓનો અંતિમ ચહેરો જોવા માટે રાહ જોઈ રહ્યા છે. દર્દીનાં સગાંઓએ આક્ષેપ કર્યો છે કે કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારી છે, પૂરા પૈસા લઈ લે છે, પરંતુ દર્દીઓને સગવડ આપતા નથી. સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંને કારણે અમારાં સગાં મોતને ભેટ્યા છે.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોત થયાં એ દર્દીનાં નામની યાદી
1.કેશુભાઇ લાલજી અકબરી-રાજકોટ.

2.સંજય અમૃતલાલ રાઠોડ-રાજકોટ.

3.રામશી મોતી લોહ-જસદણ.

4.નીતિન મણિલાલ બદાણી-મોરબી.

5.રસિક શાંતિલાલ અગ્રાવત-ગોંડલ.

 

adv

Related News

post
post
post
post
post
post
post