• Home
  • News
  • આઝાદી બાદ પહેલીવાર તાપી જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો
post

તાપી જિલ્લાની 7 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. જ્યારે બે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 11:58:42

તાપી :સમગ્ર રાજ્યની માફક તાપી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. તાપી (tapi) જિલ્લા પંચાયત પર પ્રથમ વાર ભાજપનો ભગવો લહેરાયો છે. તાપી જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ (congress) પાસેથી આઝાદી બાદ પ્રથમવાર આંચકી લીધી છે. તાપી જિલ્લા પંચાયત ની 26 બેઠક પૈકી 17 બેઠક પર ભાજપ (bjp) અને 9 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

ભાજપે કોંગ્રેસનો ગઢ આંચકી લીધો 
તાપી જિલ્લાની 7 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. જ્યારે કે, બે તાલુકા પંચાયત પર કોંગ્રેસ (gujarat congress) નો વિજય થયો છે. જેમાં વાલોડ, ડોળવન, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત પર ભાજપનો વિજય થયો છે. જ્યારે વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો છે. બીજી તરફ વ્યારા નગર પાલિકા પર પણ ભાજપે ફરી ભગવો લહેરાવતા તાપી જિલ્લાના કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપે સફળતા મેળવી છે તેવું તાપી જિલ્લાના ઉપાધ્યક્ષ જનક બગદાણાએ જણાવ્યું. આમ, વ્યારા નગર પાલિકા પર પણ ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે.

તાપી જિલ્લાના પરિણામે કોંગ્રેસને ચોંકાવ્યુ 
તાપી જિલ્લા પરિણામે કોંગ્રેસને ચોંકાવી દીધું છે. તાપી જિલ્લો ભારતના નક્શા પર અસ્તિત્વમાં આવ્યા બાદ ત્યાં કોંગ્રેસનું જ શાસન રહ્યું હતું. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા તાપીમાં પણ કોંગ્રેસના વળતા પાણી થયા છે. તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર કોંગ્રેસ માટે આઘાતજનક પરિણામો આવ્યા હતા. 2015 માં 21 બેઠકો પર વિજય મેળવનાર કોંગ્રેસને ફાળે માત્ર 9 બેઠક આવી છે. ભાજપે 17 બેઠક કબ્જે કરી ભવ્ય વિજય મેળવ્યો છે. તાપીમાં હવે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉભા થયા છે. જેના અનેક કારણો ચર્ચાઈ રહ્યાં છે. કોંગ્રેસની ટિકિટ વહેંચણીમાં ગરબડી પણ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. તો સાથે જ આદિવાસી વિસ્તારોમાં પણ ભાજપ માટેના રિસામણા દૂર થયા હોય તેવુ આંકડા પરથી સ્પષ્ટ દેખાય છે. આદિવાસીઓ પણ હવે ભાજપ તરફી બન્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપે કરેલા વિકાસને કારણે આદિવાસીઓએ ભાજપનો સાથ નિભાવ્યો છે.

તાપીમાં ભવ્ય જીત બાદ બજેટમાં ભેટ
ગઈકાલે ગુજરાતનું બજેટ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના 93 ગામોના 21,750 હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે 711 કરોડની તાપી કરજણ લીંક પાઈપલાઈન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે. જેના માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈ છે. તેમજ ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે 10 હજાર તથા બીજા વર્ષે 6 હજાર નાણાકીય સહાયની યોજના માટે 32 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂત દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલચર માર્કેટ યોજના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post