• Home
  • News
  • જંગલો કહે છે, ‘કોરોનાથી અમને બચાવો’:કોરોનાથી માણસો સહિત જંગલો પણ મર્યાં! રાજ્યમાં રોજ સરેરાશ 600ના અંતિમસંસ્કાર, 15 દિવસમાં જ 14 લાખ કિલો લાકડાંનો વપરાશ
post

પહેલાં રોજ 150ની અંતિમવિધિ થતી, બીજી લહેરમાં 400%નો વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-15 11:56:55

કોરોનાની બીજી લહેરમાં સતત થઈ રહેલાં મૃત્યુના કારણે પર્યાવરણ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. શબોના અંતિમ સંસ્કાર માટે લાકડાંની ખપત અચાનક વધી ગઈ છે. તેનો પુરવઠો પૂરો પાડવા લીલાં વૃક્ષો પણ કાપવા પડી રહ્યાં છે. ગુજરાતનાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવાં મોટાં શહેરોમાં જ રોજના 600 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે, જેમાં આશરે 96 હજાર કિલો લાકડું વપરાઈ જાય છે. કોરોના સંક્રમણમાં એક તરફ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે, જ્યારે વૃક્ષો કપાવાના કારણે વાતાવરણનો ઓક્સિજન પણ ઘટી રહ્યો છે.

સુરતમાં 2 લાખ કિલોથી વધુ લાકડાં વપરાયાં
દક્ષિણ ગુજરાતનાં અનેક જંગલોમાં અનેક એકર જમીન પર લહેરાતાં વૃક્ષો કપાઈ રહ્યાં છે. લાકડાંનો વેપાર આઠથી દસ ગણો વધી ગયો છે. એકલા સુરતમાં જ રોજ દસેક ટ્રક ભરીને નજીકના ગ્રામીણ વિસ્તારોમાંથી લાકડાં લવાઈ રહ્યાં છે. એક અનુમાન પ્રમાણે, છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં શબોના અંતિમ સંસ્કારમાં 14.40 લાખ કિલો લાકડાં ઉપયોગમાં લેવાયાં. એકલા સુરતમાં જ 2.88 લાખ કિલો લાકડાં વપરાઈ ગયાં. સ્મશાનોના કર્મચારીઓના કહેવા પ્રમાણે, એક મૃતદેહની અંતિમવિધિમાં આશરે 160 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે. હાલ મૃતદેહો બાળવા માટે દેશી બાવળ, આંબો અને કુલમૂલ જેવાં વૃક્ષોનાં લાકડાંનો ઉપયોગ કરાય છે.

એક જ સ્થળે 20-25 શબના અંતિમસંસ્કાર થઈ રહ્યા છે
સુરતના ઉમરામાં શબોની સંખ્યા વધવાના કારણે સ્મશાનગૃહો નજીકના ખાલી મેદાનોમાં એકસાથે 20-25 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાય છે. હાલમાં જ આ વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ સિવાય બીજાં સ્મશાનગૃહોની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. એક મૃતદેહ બાળવા વિવિધ સ્મશાનમાં લાકડાનો ભાવ પણ જુદો જુદો વસૂલાઈ રહ્યો છે. ઉમરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે રૂ. 2100 વસૂલાય છે. સ્મશાનના કર્મચારીઓ જણાવે છે કે, એક મૃતદેહ બાળવા આશરે 160 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે. આ દરમિયાન વધુ લાકડાંની જરૂર પડે, તો નિ:શુલ્ક આપી દેવાય છે.

15 દિવસમાં અમદાવાદમાં જ 3000 શબના અંતિમ સંસ્કાર

શહેર

રોજ મૃત્યુ

લાકડાંથી અંતિમવિધિ

અમદાવાદ

400

200

સુરત

200

120

વડોદરા

200

100

રાજકોટ

120

80

એકલા સુરતમાં લાકડાંનો વપરાશ 6 ગણો વધી ગયો
સામાન્ય દિવસોમાં સુરતમાં રોજ 20-30 મૃતદેહના અંતિમ સંસ્કાર થાય છે. તેમાં 70% શબોના અંતિમ સંસ્કાર વિદ્યુત ભઠ્ઠીથી, લાકડાંથી કે પછી દફનવિધિથી કરાય છે. જોકે, સંક્રમણ વધતા હવે રોજના આશરે 150-200 મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે.

રાજ્યમાં અંતિમસંસ્કાર લાકડાંથી વધુ થાય છે
એક અનુમાન પ્રમાણે, અમદાવાદમાં રોજ 300, વડોદરામાં 100 અને રાજકોટમાં 80 મૃતદેહના અંતિમસંસ્કાર લાકડાંથી થાય છે. આ ત્રણ શહેરમાં રોજ આશરે 77 ટન લાકડું ઉપયોગમાં લેવાય છે. લાકડાંથી અંતિમસંસ્કારની મુશ્કેલી એટલે વધી ગઈ છે કે વિદ્યુત ભઠ્ઠીની સંખ્યા હજુ ઓછી છે અને મૃતદેહો વધારે. વિદ્યુત ભઠ્ઠીમાં ત્રણ કે ચાર મૃતદેહના અંતિમ સંસ્કાર પછી મશીનનું મેન્ટેનન્સ કરવું પડે છે. વિદ્યુત ભઠ્ઠીને 24 કલાકમાં એક વાર બેઝિક રિપેરિંગ માટે થોડા કલાક બંધ રાખવી પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post