• Home
  • News
  • ગાંધીનગરમાં 11-12 વિ.પ્રનાં વિદ્યાર્થીઓને આપવાનાં 42 લાખનાં પુસ્તકોની ચોરી
post

શહેરનાં સેક્ટરનાં 25માં પાઠ્યપુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી 42 લાખનાં પુસ્તકોની ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-11 11:28:43

ગાંધીનગર : શહેરનાં સેક્ટરનાં 25માં પાઠ્યપુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી 42 લાખનાં પુસ્તકોની ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ મામલામાં હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. ગત 8મી નવેમ્બરનાં રોજ 42 લાખ રૂપિયાનાં પુસ્તકોની ચોરી થઇ હતી જેની ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. આ અંગે કર્મચારીએ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાગનાં અગ્ર સચિવ, શિક્ષણ સચિવ, નિયામક અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં પાઠ્ય પુસ્તક મંડળનાં અધિકારીઓ અને શિક્ષણ વિભાગનાં અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

આ અંગે પાઠ્યપુસ્તક મંડળનાં ગોડાઉનનાં સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે, 'આ બિલ્ડિંગમાં કોઇપણ સીસીટીવી કેમેરા કે લાઇટ પણ નથી. આ અંગેની અનેકવાર રજૂવાતો કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઇ જ નિર્ણય લેવામાં આવતો નથી. આ બિલ્ડીંગની સિક્યોરિટી માટે સવારે બે ગાર્ડ અને રાતે બે ગાર્ડ રાખવામાં આવ્યાં છે.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'ચોરી થયેલી 42 લાખ રૂપિયાની પુસ્તકોને અહીંથી લઇ જવામાં એકથી વધારે ટ્રકની જરૂર પડે. અને આવા કોઇ ટ્રક અહીં આવ્યાં હોય તેવું અમારા ધ્યાનમાં નથી આવ્યું. આટલા પુસ્તકો એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવા માટે દોઢ દિવસ લાગે છે અને તેને લઇ જવા માટે 6થી 7 ટ્રકની જરૂર પડે છે. '

જૂના ગોડાઉનમાંથી નવા ગોડાઉનમાં જ્યારે પુસ્તકો લઇ જવામાં આવતા હતાં ત્યારે આ મસમોટી ચોરી થઇ છે. આ ચોરીને એક મહિના ઉપર થઇ ગયો તે છતાં આ અંગેની પોલીસને માત્ર અરજી જ મળી છે. આ અંગે કોઇપણ પોલીસ ફરિયાદ હાલ થઇ નથી.

આ ચોરીની પાછળ અનેક ચર્ચાઓએ માથુ ઉંચક્યું છે. જેમાં સૌથી મોટી ચર્ચા થઇ રહી છે કે આટલા લાખોનાં પુસ્તકોની ચોરીમાં અધિકારીઓની પણ સંડોવણી હોય શકે છે. ત્યારે આ મામલામાં એક પ્રશ્ન પણ થાય કે, વિદ્યાર્થીઓની અડધી ટર્મ પુરી થવા આવી તો પણ આ પુસ્તકો તેમના સુધી પહોંચ્યાં કેમ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post