• Home
  • News
  • ગાંગુલીના નામ અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો, નહીં બને ICC અધ્યક્ષ: BCCI
post

મનોહરનો કાર્યકાળ આ મહિને પૂર્ણ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 09:19:52

રાયપુર: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ICC અધ્યક્ષ બનવા અંગે અટકળો થઈ રહી હતી. સૂત્રોથી મળેલી માહિતી અનુસાર, આ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગાંગુલી હવે ICC અધ્યક્ષ નહીં બને. ICCના વર્તમાન અધ્યક્ષ શશાંક મનોહરનો કાર્યકાળ આ મહિને પૂર્ણ થશે. તે 2018માં 2 વર્ષ માટે ફરી ચૂંટાયા હતા. તેમણે ત્રીજીવાર અધ્યક્ષ બનવાનો ઈન્કાર કર્યો હતો. ગાંગુલીના નામની અટકળોનો અંત આવ્યા બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ચેરમેન કોલિન ગ્રેવ્સના અધ્યક્ષ બનવાની શક્યતા વધી ગઈ છે. 


ગ્રીમ સ્મિથે ICC ચેરમેનના પદ માટે ગાંગુલીના નામનું સમર્થન કર્યું
તાજેતરમાં ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ગ્રીમ સ્મિથે ICC ચેરમેનના પદ માટે સૌરવ ગાંગુલીના નામનું સમર્થન કર્યું હતું. તેમણે ગાંગુલીને આ પદ માટે યોગ્ય વ્યક્તિ ગણાવ્યો હતો. સ્મિથે કહ્યું હતું કે- પૂર્વ ભારતીય કેપ્ટન પાસે આધુનિક રમત અને આવનાર પડકારો અંગે સારી સમજ છે, તેમના અધ્યક્ષ બનવાથી રમતને લાભ થશે. જોકે સ્મિથની વાતનું તેમના બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી જેક ફૉલે સમર્થન નહોતું કર્યું. 


2019
માં BCCIના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો
ઉલ્લેખનીય છે કે, 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ગાંગુલી 2015માં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ બન્યા હતા. તે પછી ઓક્ટોબર 2019માં તેમણે BCCIના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો. BCCI અધ્યક્ષ બનતા પહેલા તેઓ આઈપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સના મેન્ટર પણ હતા.

adv

Related News

post
post
post
post
post
post
post