• Home
  • News
  • જીવનમાં મુશ્કેલીઓથી નિરાશ થવાને બદલે ઘનશ્યામ નાયકે આ રીતે આપી હતી હિંમત
post

કોરોનાકાળમાં હતાશ થઈ ગયેલા ચાહકોને ઘનશ્યામ નાયકે પોતાના સંઘર્ષ વાત કહીને હિંમત આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 10:55:32

77 વર્ષીય ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ સૂચક હોસ્પિટલમાં સાંજે સાડા પાંચે અવસાન થયું હતું. થોડાં મહિનાઓ પહેલાં ઘનશ્યામ નાયકે સો.મીડિયામાં એક ઓપન લેટર લખ્યો હતો. કોરોનાકાળમાં જ્યારે એક બાજુ લોકો હતાશ થઈ ગયા હતા, નાસીપાસ થઈ ગયા હતા ત્યારે ઘનશ્યામ નાયકે પોતાના જીવનનો સંઘર્ષ ચાહકો સમક્ષ રજૂ કર્યો હતો અને તેમણે લોકોને હિંમત આપી હતી.

ઘનશ્યામ નાયકનો પત્ર તેમના જ શબ્દોમાં.....

સાંપ્રત સમયમાં અનેક લોકો હતાશ થઇ રહ્યા છે.. આવતીકાલે શું થશે તેની ચિંતા માં આજ પસાર કરી રહ્યા છે..સમય ખુબ જ ખરાબ ચાલી રહ્યો છે.. ત્યારે ભવાઇ, રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મો ના ખુબજ સીનીયર કલાકાર શ્રી ઘનશ્યામ નાયક ( તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નટુકાકા ) પોતાની જીવનયાત્રા વિષે રોચક વાત કરે છે..અને જીવનમાં હતાશ ક્યારેય ન થવું તેવો સંદેશ આપે છે... વાંચો તેમના પોતાના શબ્દો માં... મારું નામ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા.

હા, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં મારા કૅરૅક્ટરનું આ જ નામ છે અને આ નામ એવું તો પોપ્યુલર થયું છે કે આજે અડધું જગત મને નટુકાકાના નામે જ ઓળખે છે. પાત્રનું આ નામકરણ મેં કર્યું હતું. ભલુ થજો પ્રોડ્યુસર આસિત મોદીનું અને મારા હરહંમેશના સહાયક દિલીપ જોષીનું. મારા પાત્રને તેમણે મારી મુળ રિધમમાં ભજવવાની પૂરતી મોકળાશ આપી. બધું ક્ષેમકુશળ ચાલતું હતું ત્યાં વચ્ચે કૅન્સર આવ્યું. કાનમાં ૧૧ ટ્યુમર હતી. વર્ષનો બ્રેક લીધો અને એ જ પિરિયડમાં આ આપણો કોરોના પણ આવ્યો. સિરિયલમાંથી નટુકાકાને કોરોનાને કારણે તેમના વતન ઊંઢાઈ રહેવા મોકલી દીધા. અત્યારે શૂટિંગ બંધ છે અને ઘરે રહીને પરિવાર સાથે મજા કરીએ છીએ. માતાજીની કૃપા કે મારી ગાડી બરાબર ચલાવી છે અને ખૂબ નામના અપાવી.

ખોટું નહીં કહું, પણ મને માણસાઈનાં દર્શન સમયાંતરે થતાં આવ્યાં છે અને એ જ માણસાઈથી આપણી આ સૃષ્ટિ ટકેલી છે. મારી આ સાત પેઢી છે જે કલાક્ષેત્રે કાર્યરત છે. દાદા કેશવલાલ નાયક, પિતાજી પ્રભાશંકર (રંગલાલ) નાયકને આજે પણ કલા અને સંગીતક્ષેત્રે તેમણે કરેલા યોગદાન બદલ યાદ કરવામાં આવે છે. મારા વડદાદા પંડિત શિવરામ જાણીતા સંગીતકાર જય-કિશનના ગુરુ હતા. કલાક્ષેત્રે રસ હોય ત્યાં લક્ષ્મી ઝડપથી આવતી નથી, સંઘર્ષ લાંબો ચાલતો હોય છે. ૮ વર્ષની ઉંમરે મેં પહેલી વાર શોભાસણ નામના ગામના મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્ત્રીનાં કપડાંમાં ભવાઈ કરવાનું શરૂ કર્યું હતું અને એ પછી કામ ચાલતું રહ્યું. ૧૯૬૦માં આવેલી માસૂમમાં નાની તેરી મોરની...ગીતમાં ઘણા ચાઇલ્ડ આર્ટિસ્ટ હતા, એમાં હું પણ એક હતો. ભણવામાં તો સાવ ડબ્બો. નક્કી જ હતું કે મારે કલાકાર બનવું છે એટલે એ જ દિશામાં ધ્યાન આપ્યું. નાટકોની બાજુએ જોયું અને અરુણા ઈરાનીના પિતાની લક્ષ્મી કલા કેન્દ્ર નાટક કંપનીના નાટક પાનેતરમાં કામ કર્યું. અગિયાર રૂપિયા મહેનતાણું હતું મારું. ૧૯૬૮માં ગુજરાતી પિક્ચર હસ્તમેળાપમાં રમેશ મહેતાએ સાથે કામ કર્યું અને આમ કામ ચાલતું રહ્યું. ઘણી નૃત્યનાટિકામાં કામ કર્યું. મને યાદ છે કે મારું પહેલું કોમર્શિયલ નાટક પારસમણિહતું જેમાં મારા પિતા મારા મોટા ભાઈનો રોલ કરતા. વેલીને આવ્યાં ફુલનામની ગુજરાતી ફિલ્મના એક ગીતમાં ડોશીમાનો અવાજ જોઈતો હતો,

એમાં મારો અવાજ લેવામાં આવ્યો. સંગીત મારા લોહીમાં. રાજદરબારમાં મારા પૂર્વજો સંગીતાચાર્યનો હોદ્દો સંભાળતા.

૧૯૭૨ની બીજી ઑક્ટોબરે મુંબઈમાં ટીવી ચાલુ થયું ત્યારે પહેલો પ્રોગ્રામ આવો મારી સાથેહતો, એમાં હું હતો. દૂરદર્શન પર ૧૧ વર્ષ ભવાઈના કાર્યક્રમો કર્યા. ભવાઈને જીવતી રાખવા માટે આજે પણ પ્રયત્ન ચાલુ છે. ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ પુષ્કળ કામ કર્યું. એક ફિલ્મમાં ચાર પાત્ર હોય તો ચારેયનો અવાજ હું બદલીને બોલતો. આજે હું પોતે જોઉં તો ખબર ન પડે કે આ મારો અવાજ છે. ૪૦૦થી વધારે ફિલ્મોમાં ડબિંગ કર્યું. અશોકકુમારથી લઈ અમિતાભ બચ્ચન સુધીના ચાર પેઢીના સુપરસ્ટાર અને મોટા ભાગની હિરોઇનો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. આ ૧૨ મેએ મને ૭૬મું વર્ષ પૂરું થશે અને એ પછી આજે પણ ઑફર આવે છે. આ બધું કહેવાનો ભાવાર્થ એટલો જ કે સંઘર્ષનું જ બીજું નામ જીવન છે. એનાથી થાકવાનું કે હારવાનું નહીં.

જીવનનો સંઘર્ષ ચાલતો હતો ત્યાં હમણાં ગયા ઑગસ્ટમાં હેલ્થ ફ્રન્ટનો સંઘર્ષ આવ્યો. કાન પાસે પાક થયો. ઑપરેશન કરાવ્યું તો ખબર પડી કે કૅન્સરની ટ્યુમર છે અને એ બેચાર નહીં, ૯ ટ્યુમર. ક્ષેમકુશળ રીતે સર્જરી થઈ ગઈ, પણ સર્જરી પછી હોઠ સહેજ ત્રાંસા રહેતા. આર્ટિસ્ટ માટે દેખાવ મહત્ત્વનો હોય. ૯ મહિના આરામ કર્યો અને અત્યારે માતાજીની કૃપાથી એકદમ ઑલરાઇટ છું. હકારાત્મકતાને મેં ક્યારેય ત્યજી નથી અને તમે પણ ક્યારેય છોડતા નહીં. હકારાત્મકતાથી ભલભલી તકલીફો, પીડા અને મુશ્કેલીઓ હળવી થઈ જાય છે. જીવનમાં જે સમયે હકારાત્મકતા છોડશો એ સમયે લાગશે કે તકલીફોનો પાર નથી, પણ જો મનમાં પૉઝિટિવિટી હશે તો પહાડ જેવું દુઃખ પણ અસર નહીં કરે, પણ જરૂરી છે હકારાત્મકતા.

મને એક વાત યાદ આવે છે અત્યારે...
રંગલો તરીકે જ્યારે મારું નામ ફેમસ થઈ ચૂક્યું હતું એ પછીયે આર્થિક રીતે ઘણો સંઘર્ષ વેઠવો પડતો હતો. ખિલૌનાફિલ્મનું શૂટિંગ ચાલે. ફિલ્મમાં હું પણ હતો અને એને માટે મારે દરરોજ મલાડથી ચેમ્બુર આર. કે. સ્ટુડિયો જવાનું. માત્ર બે કૉમેડી સીન અને એને માટે દિવસના ખાલી ૩૦ રૂપિયા મળે. બે દિવસનું જે મહેનતાણું હતું એના કરતાં તો વધારે મારું ગાડીભાડું ખર્ચાયું હતું, પણ કામ છે, કરવાનું છે અને પૂરા ખંતથી કરવાનું છે. આ હકારાત્મકતા મને કામ લાગી હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ શરાફતમાં ત્રણ દિવસ કામ કરવાના ફક્ત ૭૦ રૂપિયા મળ્યા અને મારો ખર્ચ થયો હતો ૧૦૦ રૂપિયા. દેવ આનંદની ચાર્જશીટફિલ્મ માટે મને તેમણે વકીલના રોલ માટે બોલાવેલો, પરંતુ ડાયલૉગ એક પણ નહીં. હું કલાકાર છું, નાનો પણ ડાયલૉગ હોવો જોઈએ એવી દલીલ મેં કરી. પેમેન્ટ તગડું ઑફર કર્યું, પણ ડાયલૉગ વધારવાની ના પાડી દીધી એટલે વટથી મેં ફિલ્મ છોડી દીધી.

સદ્નસીબ કે નિર્મળાદેવી જેવી પત્ની મળી. જેણે ઓછી આવકમાં પણ ઘરસંસાર ચલાવ્યો અને મનમાં કોઈ જાતની નકારાત્મકતા આવવા દીધી નહીં. મારી પાસે બાળકોને સ્કૂલમા ભણાવવાના પૈસા નહીં. મોટાં થયા પછી તેમની કૉલેજની ફીના પણ પૈસા નહીં. જેમતેમ એડ્જસ્ટ કરીને તેમને ભણાવ્યાં. ઉધારીમાં માંડ-માંડ ફી ભરી. મહેનત સ્વરૂપે માતાજીએ કૃપા કરી. આજે દીકરો મોટી કંપનીમાં મેનેજર છે. સારો લેખક પણ બની ગયો. બીજાના ઊતરેલાં કપડાં પહેરીને મોટાં થયાં છીએ, પણ ખબર હતી કે સારું જ થવાનું છે. ખોટું ક્યારેય થવાનું નથી.

હમ દિલ દે ચૂકે સનમની વાત કરું તમને. સંજય ભણસાલીનો ફોન આવ્યો. તેમને ફિલ્મમાં રંગલાનું પાત્ર ઉમેરવું હતું, પરંતુ એ મેળ નહોતું ખાતું. વિઠ્ઠલકાકાનું કેરેક્ટર તેમણે આપ્યું અને પછી અમે એ કૅરૅક્ટરમાં ભવાઈ ઉમેરી. ઐશ્વર્યા નવી-નવી હતી. તેને ભવાઈ કરતાં શીખવી ત્યારે તે પગે લાગી હતી. બીજો એક કિસ્સો યાદ આવે છે. રાજ કપૂરના ગુરુ કેદાર શર્માની ફિલ્મમાં મેં કામ કર્યું છે. કેદાર શર્માનો એક નિયમ કે જે ઍક્ટર સારું કરે તેને ચાર આના આપે. ફિલ્મનું નામ હતું સહેમે હુએ સિતારે’. રોલ પત્યા પછી બધાને ચાર આના તેમણે આપ્યા અને બધા ખુશ થઈ ગયા. મારો નંબર આવ્યો ત્યાં તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા. હું મૂંઝાયો. મને અંદરખાને ડર હતો કે ખરેખર મેં સારું પર્ફોર્મ નથી કર્યું, પણ તેમણે બે રૂપિયાની નોટ આપી. એ નોટ જે દિવસે મળી એ દિવસે ખિસ્સામાં એક પૈસો પણ નહોતો. ચૌદેક કિલોમીટર ચાલીને આવ્યો, પણ બે રૂપિયા વટાવ્યા નહીં, એ બે રૂપિયાની નોટ આજે પણ મારી પાસે છે. ખિસ્સામાં પડેલા બે રૂપિયા એ મનમાં તાકાત ભરી દીધી હતી. હિંમત હાર્યો નથી અને એ જ તમને કહું છું, હિંમત હારતા નહીં. જંગ ગમે એવડી મોટી હોય, એનું પરિણામ નક્કી છે. પાછા બધાના સુખના દિવસો આવવાના છે.

ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ, હોસલોં પે કાયનાત બુલંદ હૈ....

દુનિયા ધમધમતી થઈ જશે. સેટ ફરીથી ધમધમવા માંડશે. લોકલ ટ્રેનમાં માણસો ફરીથી ઊભરાતા હશે અને રંગમંચ પણ ફરીથી ધબકતો હશે. હિંમત, બસ આપણે હિંમત રાખવાની છે. ઉપરવાળો તકલીફ લાવ્યો છે, એ જ આ તકલીફને પાછી લેવાનું કામ કરશે. કોરોના પણ લઈ જશે અને કોરોનાથી આવેલાં દુઃખો પણ હરી જશે. હિંમત ન હારતા, ક્યારેય નહીં અને જરાય નહીં. આ કાળમાં શીખેલા લોકડાઉન, રેમડેસિવિર અને હાઇડ્રોક્સિક્લોરિક્વિનાઇન જેવા બધા શબ્દો ભૂતકાળ બનવાના છે, પણ એને ભૂતકાળ બનાવવા માટે વર્તમાનમાં હિંમત ભરી રાખવાની છે...

 

adv

Related News

post
post
post
post
post
post
post