• Home
  • News
  • સુરતના વેવાઈ નવસારીની વેવાણને લઈ ભાગી ગયા, વર-કન્યાના વેલેન્ટાઈન્સ ડેના લગ્ન ઘાંચમાં
post

પિતાના મિત્રોએ વરરાજા આગળ ભાંડો ફોડ્યો કે, બંને કતારગામની એક જ સોસાયટીમાં આજુ-બાજુમાં રહેતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 09:05:34

સુરતઃ એક યુવક અને યુવતી પ્રેમમાં પડ્યા, પરિવારને જાણ થઈ. એક સમાજના હોવાથી વેવિશાળ ગોઠવાયું. ધામ-ધૂમથી સગાઈ થઈ અને હવે લગ્ન આડે થોડાક દિવસ બાકી હતા ત્યાં મોટો ધડાકો થયો. વરરાજાના પિતા અને કન્યાની માતા એક દિવસના અંતરે પોતપોતાના ઘરેથી લાપતા થઈ ગયા. ખણખોદ કરતા ખબર પડી કે વેવિશાળ નક્કી કરવાની મિટિંગમાં એકબીજાને જોતાં વેવાઈ-વેવાણ વચ્ચેનો વર્ષો જૂનો પ્રેમ ફરી તાજો થયો એટલે બંને પોતાની પ્રીતને પાંગરવા દેવા થઈને ભાગી ગયા. બીજીતરફ ઘટનાને લઈને વર-કન્યાના લગ્ન મોકૂફ રાખવા પડ્યા છે.

સુરતના વેવાઈ અને નવસારીની વેવણ એકસાથે ગાયબ થઈ ગયા

વાત જાણે એમ છે કે સુરતના કતારગામમાં રહેતા કૃણાલના નવસારીની કૃતિકા સાથે લગ્ન નક્કી થયા હતા. લગ્ન માટે વેલેન્ટાઈન્સ ડેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. બંને ઘેર બરાબરની તૈયારી ચાલી રહી હતી તેવામાં કૃણાલના 48 વર્ષીય પિતા વ્યોમેશ એકાએક ગાયબ થઈ ગયા. બધે તપાસ કરી છતાં કોઈ પતો લાગતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. આવામાં નવસારીથી કૃતિકાનો કૃણાલ પર ફોન આવ્યો કે, 10 દિવસથી તેની 46 વર્ષીય માતા જયશ્રી પણ ગાયબ છે.

સગાઓએ કહ્યું, બંને પહેલાં કતારગામની એક સોસાયટીમાં રહેતાં હતાં

વ્યોમેશના મિત્રોને ખબર પડી કે તે ગાયબ થઈ ગયા છે તો તેમણે કૃણાલનો સંપર્ક કર્યો હતો. કૃણાલે તેના પિતાના મિત્રોને તેના થનારા સાસુ જયશ્રી ગાયબ થવાની પણ વાત કરી. જ્યાં તેણે પિતાના મિત્રોને જયશ્રીનો ફોટો દેખાડ્યો ત્યારે એક જણાએ કહ્યું, ".... ત્તારી.. તો પેલી જયશ્રી જે વ્યોમેશની સોસાયટીમાં રહેતી હતી. બંને એકબીજાને ખૂબ પસંદ પણ કરતા હતા અને નક્કી કાંઈ હતું. પણ જયશ્રીના નવસારીમાં લગ્ન થઈ ગયા એટલે તે સંબંધ ત્યાં પૂરો થયો હતો." સાંભળીને કૃણાલના પગતળેથી ધરતી સરકી ગઈ અને ઘરમાં વાત કરી તો તાળો મળ્યો કે તેના પિતા તેના થનારા સાસુ એટલે કે પોતાના વેવાણને લઈને ભાગી ગયા છે.

વ્યોમેશ કતારગામમાં ટેક્સટાઈલનો ધંધો અને પ્રોપર્ટી ડીલ કરતા

મૂળ અમરેલીના વ્યોમેશ વર્ષોથી સુરતના કતારગામમાં સ્થાયી થયા હતા. અહીં તેઓ ટેક્સટાઈલ અને પ્રોપર્ટીના ધંધામાં હતા અને સારું કમાતા હતા. સ્થાનિક વિસ્તારમાં તેમની સારી નામના પણ હતી અને એટલે એક રાજકીય પાર્ટીના સભ્ય પણ હતા. જ્યારે બીજીતરફ જયશ્રીના પતિ પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા અને પછી તેમણે જમીન-મકાનની દલાલીનું કામ શરૂ કર્યું હતું. જયશ્રી ગૃહિણી હતી.

સોશિયલ મીડિયામાં વેવાઈ-વેવાણ ભાગી ગયાના ફોટા-મેસેજ ફરતા થયા

કૃણાલ અને કૃતિકાના પરિવારના માથે એકતરફ આભ તૂટી પડ્યું છે ત્યારે બીજીતરફ સોશિયલ મીડિયામાં વેવાઈ અને વેવણ ભાગી ગયાના ફોટા અને મેસેજ ફરતા થયા છે. બંનેના સંબંધોને લઈને ખાસ્સી રમૂજ પણ ફેલાવવામાં આવી રહી છે. જો કે, બંને પરિવારના વડીલો અત્યારે અત્યંત શરમજનક સ્થિતિમાં મૂકાયા છે અને હજી સુધી તેમને ખોળી રહ્યા છે.
(
પાત્રોના નામ બદલવામાં આવ્યા છે)

adv

Related News

post
post
post
post
post
post
post