• Home
  • News
  • સિંગતેલના ભાવમાં ભડકો:ડબાનો ભાવ 2500ને પાર, ચીનમાં 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતાં ડબાના ભાવમાં રૂ.350નો વધારો થયો
post

ભારે વરસાદથી પાકને અસર, મગફળીનું ઓછું ઉત્પાદન અને જંગી નિકાસને લીધે મોટા ભાગની બ્રાન્ડના ડબાનો ભાવ 2500ને પાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 10:54:53

દિવાળી પૂર્વે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. ચીનમાં 30થી 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતાં બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.300થી 350નો વધારો થયો છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.2500થી વધુ બોલાઈ રહ્યા છે. ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી ઉત્પાદન માત્ર 32-35 લાખ ટન આસપાસ રહેવાની ધારણા હોવાથી પણ ભાવ પર અસર થઈ છે.

સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો
ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા. પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે. આમ મગફળીના ભાવમાં માત્ર 10 ટકા વધારો થયો છે પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.

54 લાખ ટન મગફળીના પાકનો સરકારી અંદાજ ખોટો પડશે
ગુજરાતમાં 21 લાખ હેક્ટરમાં વાવેતર થતાં સરકારે ચાલુ વર્ષે મગફળીના પાકનો એડવાન્સ અંદાજ 54.65 લાખ ટન મુક્યો છે. પરંતુ નિષ્ણાતોના મતે ઉત્પાદન 35 લાખ ટનની અંદર જ રહેશે. જાણકારો દર્શાવે છે કે જો પાક 55 લાખ ટન હોય તો મગફળી-સિંગદાણા તથા સિંગતેલમાં આટલી તેજી શા માટે?

ચીનને સિંગતેલની નિકાસ 1 લાખ ટને પહોંચવાનો અંદાજ
સૌથી વધુ સિંગતેલનું ઉત્પાદન ગુજરાતમાં છતાં ભાવ સતત વધી રહ્યાં છે જેનું કારણ ચીનમાં મોટાપાયે નિકાસ છે. ગત વર્ષે ચીનમાં સિંગતેલની નિકાસ 50-55 હજાર ટનની રહી હતી જે આ વર્ષે વધીને એક લાખ ટને પહોંચવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં ફોરવર્ડમાં 30-35 હજાર ટનના વેપાર થયા છે.

મગફળીની આવક વધતાં ભાવ પણ કાબૂમાં આવશે
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોશિયેશનના પ્રમુખ કિશોર વિરડીયા જણાવ્યા અનુસાર મગફળીની આવક હવે વધશે જેના કારણે સિંગતેલની તેજીને બ્રેક લાગી શકે છે. આ ઉપરાંત તેજી માટે મોટા પાયે નિકાસ હોવાથી તેની અસર રહી છે. પરંતુ હવે સિંગતેલના ભાવ રૂ.2500 આસપાસ સ્થિર થશે.

ડુંગળી-કઠોળની જેમ સ્ટોક નિયંત્રણ લાદવાની માંગ
ડીએસએન ગ્રુપના નિરજ અઢિયાએ જણાવ્યું કે, ખાદ્યચીજવસ્તુઓમાં તેજી અટકાવવા માટે સરકાર સમયાંતરે નિયંત્રણ મૂકે છે કઠોળ, ડુંગળીની જેમ સિંગતેલની તેજીને ડામવા સ્ટોક નિયંત્રણ જરૂરી છે. જો સરકાર પગલા નહિં લે તો સિંગતેલનો ડબ્બો 3000 સુધી પહોંચી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post