• Home
  • News
  • સૌરાષ્ટ્રમાં મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે સભા કરશે, સ્મૃતિ ઈરાની 23 ઓક્ટોબરે લીંબડી અને ધારીમાં પ્રચાર કરશે
post

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા 24-25 ઓક્ટોબર અને 30-31 ઓક્ટોબરે સભાઓ ગજવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 13:48:14

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકો પર આગામી 3 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રચારમાં બંને પક્ષોએ કમરકસી છે. ગુરુવારથી ભાજપ દ્વારા આઠેય બેઠકો પર સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર શરુ કરવામાં આવશે. તે ઉપરાંત એવી પણ ચર્ચાઓ છે કે રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીને મુલતવી રાખી હોવાથી રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જ ચૂંટણીનો પ્રચાર કરશે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે 8 બેઠક પર 53 અપક્ષ ઉમેદવાર સહિત કુલ 81 ઉમેદવારો ચૂંટણી લડશે.

ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં લાગી જશે
ગુરૂવારથી ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણીના પ્રચારમાં લાગી જશે. જેમાં ખાસ કરીને જોઈએ તો 28 અને 29 ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સૌરાષ્ટ્રમાં 4 બેઠકો પર સંયુક્ત સભા કરવાના છે. તે ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી આઠેય બેઠકો પર જોરશોરથી પ્રચાર કરશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મનસુખ માંડવીયા પણ સભાઓ ગજવશે
આઠેય બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ દ્વારા 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મનસુખ માંડવીયા સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય સીટો પર જઈને પ્રચાર કામગીરી હાથ ધરશે અને સભાઓ પણ ગજવશે. સ્મૃતિ ઈરાની 23 ઓક્ટોબરે લીંબડી અને ધારીમાં પ્રચાર કરશે. તો મનસુખ માંડવીયા 24 અને 25 ઓક્ટોબર તેમજ છેલ્લે 30 -31 ઓક્ટોબર સુધી આઠેય બેઠકો પર સભાઓ કરશે. તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ તમામ દિવસ ચૂંટણી પ્રચારમાં જોડાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ 29 અને 30 ઓક્ટોબરે સભા કરશે.

8 બેઠક પર 53 અપક્ષ અને 81 ઉમેદવારો ચૂંટણી લડશે
વિધાનસભાની 8 બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં ઉમેદવારો હવે ફાઈનલ થઈ ગયાં છે. 8 બેઠક પર હવે કુલ 53 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 81 ઉમેદવારો ચૂંટણી લડશે. અબડાસા બેઠક પર છેલ્લે 14માંથી 9 અપક્ષોએ ફોર્મ પરત ખેંચ્યા અને હવે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસને આ બેઠક પર મત તૂટવાનો ભય હતો. પરંતુ 9 અપક્ષોએ ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસને અહીં રાહત થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post