• Home
  • News
  • ગુજરાતમાં 5 દિવસમાં 43% કેસ ઘટ્યા; રાજ્યમાં સોમવારે 13,850 કેસ, અમદાવાદમાં નવા કેસની સંખ્યા અડધી થઈ
post

રાજ્યમાં એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડાનો ટ્રેન્ડ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 11:03:30

ગાંધીનગર: સોમવારે સપ્તાહના પહેલે દિવસે રાહતના સંકેત મળ્યા છે. રાજ્યમાં કુલ 13,850 નવા કેસ નોંધાયા છે, જે આગલા દિવસ કરતાં 2,767 ઓછા કેસ છે. છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં 43% કેસ ઘટ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જે કોરોનાની પીક પસાર થઈ ચૂકી હોવાનો સંકેત દર્શાવે છે. જો આગામી દિવસોમાં પણ કેસમાં ઘટાડો યથાવત્ રહેશે તો પીક પસાર થઈ રહી હોવાનું માની શકાશે, જેનો સીધો અર્થ એ થશે કે રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો ઓસરી રહ્યો છે, જોકે મૃત્યુની સંખ્યા હજુ પણ ચિંતાનું કારણ છે.

રાજ્યમાં સોમવારે 25 દર્દીનાં મોત થયાં હતાં, જે ગત મહિનાઓમાં એક દિવસમાં નોંધાયેલાં મોતનો સૌથી મોટો આંકડો છે. સોમવારે રાજ્યમાં 13,469 દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ રાજ્યમાં 1,35,148 એક્ટિવ કેસ છે, જ્યારે 284 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સોમવારે અમદાવાદમાં 4,441 કેસ નોંધાયા હતા તથા 6 દર્દીનાં મોત થયાં હતાં, જ્યારે વડોદરામાં 3,355, સુરતમાં 1,374 અને રાજકોટમાં 889 નવા કેસ નોંધાયા હતા. વડોદરા અને સુરતમાં 4-4 દર્દીનું મોત થયું હતું. જામનગરમાં 3 તથા રાજકોટ-ભાવનગરમાં 2-2 દર્દીનાં મોત થયાં હતાં. કચ્છ, મહેસાણા, વલસાડ અને પંચમહાલમાં 1-1 દર્દીનું મોત થયું હતું.

પીકની અસર: 6 દિવસમાં 100નાં મોત
રાજ્યમાં સોમવારે સૌથી વધુ 25 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 100 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં સતત વધારો થયો એ સાથે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા પણ વધી હતી. અત્યારસુધીમાં 20 તારીખે રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા, એ જોતાં હવે પછી જો કેસ ઘટતા રહેશે તો 20 તારીખે કોરોનાની પીક આવી ગઈ હોવાનું મનાશે. સૌથી વધુ કેસ આ દિવસોમાં આવ્યા હોવાથી વધુ ગંભીર દર્દીઓ પણ ત્યારે જ આવ્યા હતા.

વડોદરામાં દોઢ મહિનાના શિશુને કોરોના, માતા પીપીઇ કિટ પહેરીને સાથે રહે છે
વડોદરામાં દોઢ મહિનાના અને 40 દિવસનાં 2 શિશુને કોરોના થતાં સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના કોવિડ વોર્ડમાં સારવાર અપાઇ રહી છે. બંને શિશુની માતાને પીપીઇ કિટ પહેરી છે અને કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે બાળકને ફીડિંગ કરાવવા સાથે રહેવું પડે છે.

ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નહીં હોય: WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના વડા ટેડ્રોસ ગ્રેબેયેસસે સોમવારે જણાવ્યું હતું કે હાલ વિશ્વમાં જે સ્થિતિ સર્જાઈ છે એ જોતાં કોરોનાના નવા વેરિયન્ટ પેદા થવાની આશંકા વધી ગઈ છે, તેથી હજુ પણ કોવિડ-19ના નવા વેરિયન્ટ આવી શકે છે. તેમણે કહ્યું હતું કે ઓમિક્રોનના કેસમાં વધારો થયા બાદ વિશ્વમાં 8 કરોડથી વધુ કેસ સામે આવ્યા છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં નવા કેસમાં 150 ટકાનો વધારો થયો છે. હાલ 171 દેશમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે.

મુંબઈમાં 280 સેમ્પલમાંથી 248માં ઓમિક્રોન
મુંબઈમાં કોરોના ટેસ્ટિંગમાં લેવામાં આવેલાં 280 સેમ્પલમાંથી 248 સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 21માં ડેલ્ટા અને 11માં કોરોનાના અન્ય વેરિયન્ટ મળી આવ્યા હતા. 280 સંક્રમિતોમાંથી 174ને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post