• Home
  • News
  • ગુજરાતમાં સિઝનમાં પ્રથમવાર પારો 13 ડિગ્રીથી નીચે
post

દર શિયાળે શીત નગરમાં ફેરવાતા નલિયામાં ન્યૂનત્તમ તાપમાન એકાએક 3.4 ડિગ્રી જેટલું ગગડીને 12.6 ડિગ્રી રહેવાની સાથે કચ્છનું આ મથક રાજ્યભરમાં ઠંડીમાં મોખરે રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-29 12:18:04

ભુજ: દર શિયાળે શીત નગરમાં ફેરવાતા નલિયામાં ન્યૂનત્તમ તાપમાન એકાએક 3.4 ડિગ્રી જેટલું ગગડીને 12.6 ડિગ્રી રહેવાની સાથે કચ્છનું આ મથક રાજ્યભરમાં ઠંડીમાં મોખરે રહ્યું હતું. ચાલુ શિયાળે પારો પ્રથમવાર 13 ડિગ્રી નીચે જતાં લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા. રાજ્યમાં બીજા ક્રમના ઠંડા કંડલા એરપોર્ટ પર 16.1 અને ત્રીજા નંબરે ભુજમાં નીચું ઉષ્ણતામાન 16.6 ડિગ્રી રહ્યું હતું.

હિમાચલમાં થયેલી હિમ વર્ષાના પગલે ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફુંકાતાં નલિયામાં મધરાત્રે મોસમની સૌથી વધુ ઠંડી બુધવારની રાત્રે અનુભવાઇ હતી. 27.9 ડિગ્રીએ અટકેલાં મહત્તમ તાપમાને આકરા શિયાળાના એંધાણ આપ્યાં હતાં. દિવસભર 3 કિલો મીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાયો હતો. રાત્રે અનેક સ્થળે નલિયાના નગરજનોએ તાપણા કરીને ઠંડી ભગાડી હતી.

ગાંધીધામ-ગળપાદર વિસ્તારમાં આવેલા કંડલા એરપોર્ટના હવામાન મથકે ન્યૂનત્તમ તાપમાન 16.1 ડિગ્રી રહ્યું હતું. ઉત્તર દિશાએથી કલાકના 9 કિલો મીટરની ઝડપે ફુંકાયેલા પવનને પગલે વધુમા વધુ તાપમાન 28.5 ડિગ્રીએ સીમિત રહ્યું હતું. ગાંધીધામ વિસ્તારમાં પ્રથમવાર ઠંડી અનુભવાતાં શહેરીજનો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. જિલ્લા મથક ભુજમાં નીચું તાપમાન 16.6 ડિગ્રી જેટલું રહેવાની સાથે ઠંડીની દ્રષ્ટિએ રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. કંડલા પોર્ટ પર 29.7 અને 19.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post