• Home
  • News
  • ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટરનું કબૂલનામું:મીરા નાયરની 'નેમસેક'માં કામ કરનાર કાલ પેન મોદી સમલૈંગિક છે, પાર્ટનર સાથે લગ્ન કરશે
post

કાલ પેનના પિતા વડોદરાના છે, એક્ટરને ગુજરાતી ફિલ્મ તથા 'તારક મહેતા..'માં કામ કરવાની ઈચ્છા

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-02 10:59:47

ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર કાલ પેન (કલ્પેન મોદી)એ સમલૈંગિક હોવાની વાત કબૂલી છે. તેના પાર્ટનરનું નામ જોશ છે અને તેઓ 11 વર્ષથી રિલેશનમાં છે. કાલ પેન તથા જોશની સગાઈ થઈ ગઈ છે. હવે બંને લગ્ન કરવાના છે. આ લગ્નને કાલ પેનના પરિવારે સપોર્ટ કર્યો છે. કાલ પેન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્ટાફમાં પણ રહી ચૂક્યો છે.

કાલ પેને પોતાની બુક 'યુ કાન્ટ બી સિરિયસ'માં પાર્ટનર જોશ અંગે વાત કરી છે. તે અને જોશ 11 વર્ષ પહેલાં બિયર બારમાં મળ્યા હતા. પોતાની બુક અંગે વાત કરતાં કાલ પેને કહ્યું હતું કે તેને પોતાની સમલૈંગિકતા અંગે બહુ મોડેથી જાણ થઈ હતી. જોકે આ અંગે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી હોતી નથી. તેને આનંદ છે કે તેને આ વાતની જાણ થઈ.

44 વર્ષીય કાલ પેને પોતાના સમલૈંગિક સંબંધો અંગેની જાણ સૌ પહેલા પેરન્ટ્સ તથા નિકટના મિત્રોને કરી હતી. એ પરંપરાગત ભારતીય લગ્ન કરશે અને પરિવાર હાજર રહેશે. જોશ બિગ ફેટ વેડિંગ ઈચ્છતો નથી.

કાલ પેને કહ્યું હતું કે પેરન્ટ્સ તથા પોતાના સાઉથ એશિયન સમુદાયને એક્ટર બનવાની વાત કહી હતી, ત્યાર બાદ તેના માટે અન્ય કોઈ વાત કહેવી મુશ્કેલ નથી. તેઓ માત્ર 'યા, ઓકે' એટલો જ રિસ્પોન્સ આપે છે. તે નસીબદાર છે કે તેને આ સપોર્ટ મળ્યો.

વ્હાઇટ હાઉસમાં કાલ પેને કામ કર્યું છે
કાલ પેને બરાક ઓબામાના ઇલેક્શન કેમ્પેનમાં ભાગ લીધો હતો. ઓબામા અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા તો કાલ પેને વ્હાઇટ હાઉસમાં એસોસિયેટ ડિરેક્ટર ઓફ પબ્લિક એન્ગેજમેન્ટ તરીકે બે વર્ષ કામ કર્યું હતું. કાલ પેન ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' પોલિસીના વિરોધી છે. તે એક એમિગ્રન્ટ પરિવારમાંથી આવે છે અને તેથી જ આ સમુદાયની તકલીફોને સારી રીતે સમજી શકે છે. કાલ પેને સિરિયન રેફ્યુજી માટે ફંડ પણ ભેગું કર્યું હતું.

મીરા નાયરની 'નેમસેક'થી સફળતા મળી
ભારતમાં કાલ પેનને મીરા નાયરની ફિલ્મ 'નેમસેક'થી મળી હતી. આ ફિલ્મમાં તબુ તથા ઈરફાન હતાં. આ ઉપરાંત 'હાઉસ', 'ડેઝિગ્નેટેડ સર્વાઇવર', 'ધ ગર્લ ઇન ધ ફોટોગ્રાફ', 'સ્પીચ', 'ડિબેટ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. 'ધ બિગ બેંગ થિયરી' તથા 'હાઉ આઇ મેટ યોર મધર' જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે. 'કુમાર પટેલ'માં ભારતીય પાત્ર ભજવ્યું હતું. 2018માં ફિલ્મ 'આશ્રમ' આવી હતી. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે હતી.

કાલ પેનનું ગુજરાત કનેક્શન
કાલ પેનના પિતા સુરેશ મોદી મૂળ ગુજરાતના વડોદરાના છે. તે એન્જિનિયર છે. માતા અસ્મિતા ભટ્ટ ગુજરાતનાં ખેડાનાં છે. નાનપણમાં કાલ પેન વેકેશનમાં ગુજરાત આવતો હતો. કાલ પેન ગુજરાતી બોલી શકે છે. ગુજરાતી સિનેમામાં કામ કરવાની ઈચ્છા છે. થોડા સમય પહેલાં કાલ પેને લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા..'માં કામ કરવા ઉત્સુક હોવાનું કહ્યું હતું.

બોલિવૂડમાં અપૂર્વ અસરાની-ઓનીરે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો છે
બોલિવૂડમાં સમલૈંગિક સંબંધો પર બનેલી ફિલ્મ 'અલીગઢ'ના રાઇટર અપૂર્વ અસરાનીએ ગયા વર્ષે પોતાના સમલૈંગિક સંબંધો અંગેની વાત જાહેર કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અપૂર્વે કહ્યું હતું કે મુંબઈમાં ભાડાનું મકાન લેવા માટે 13 વર્ષ પહેલાં પોતાના પાર્ટનર સિદ્ધાંતને કઝિન કહેતો હતો. પોતાના સંબંધો અંગે કોઈને જાણ ના થાય એ માટે ઘરમાં પડદા પાડીને રાખતો હતો. હવે તેણે પોતાનું ઘર લીધું છે અને બધાને પોતાના સંબંધો અંગે ખૂલીને કહી છે.

'માય બ્રધર નિખિલ', 'આઇ એમ' તથા 'બસ એક પલ' જેવી ફિલ્મના ડિરેક્ટર ઓનીરે પણ સમલૈંગિક સંબંધો અંગે વાત કરી છે અને સંબંધોનો સ્વીકાર કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post