• Home
  • News
  • ક્રિકેટરમાંથી રાજ્યસભા સાંસદ બનેલા હરભજન સિંહની ઉમદા પહેલ, પોતાના પગારનો કરશે આવો ઉપયોગ
post

હું ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને સામાજિક કાર્યો માટે રાજ્યસભાના સભ્ય તરીકે મારો પગાર આપવા માંગુ છું : હરભજન સિંહ

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-16 16:33:06

નવી દિલ્હી: ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ઓફ સ્પિનર હરભજન સિંહે એક ઉમદા પહેલ કરી છે. તાજેતરમાં જ તેઓ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) તરફથી રાજ્યસભા સાંસદની બેઠક જીત્યા છે. ત્યારે હવે તે ખેડૂતોની તરફેણમાં ઉતરી આવ્યા છે. તેમણે ખેડૂતો માટે એક નવી પહેલ શરૂ કરી છે. તેમણે પોતે આ અંગેની માહિતી શેર કરી છે.

41 વર્ષીય હરભજન સિંહે શનિવારે (16 એપ્રિલ) ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'રાજ્યસભાના સભ્ય તરીકે હું ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને સામાજિક કાર્યો માટે મારો રાજ્યસભાનો પગાર આપવા માગુ છું. હું મારા દેશને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે યોગદાન આપવા માગુ છું અને હું મારાથી બનતું બધું કરીશ.

હરભજન સિંહે ગયા વર્ષે 24મી ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તે અનેક પ્રસંગો પર પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે જોવા મળ્યા હતા. ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે, ભજ્જી ટૂંક સમયમાં કોંગ્રેસ અથવા ભાજપમાં જોડાઈ શકે છે. જોકે એવું ન થયું અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભજ્જી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નજીકના હોવાનું કહેવાય છે.

હરભજનની ક્રિકેટ કારકિર્દી 23 વર્ષની છે. હાલમાં તે IPL 2022 સીઝનમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ પોતાની કારકિર્દીમાં 2011નો વર્લ્ડ કપ અને 2007ની T-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય પણ હતા. તેમણે 2011માં વર્લ્ડ કપમાં 9 વિકેટ લીધી હતી અને 2007માં T-20 વર્લ્ડ કપમાં 7 વિકેટ લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી.

- હરભજન IPLમાં પણ 163 મેચ રમ્યા

પંજાબના જલંધર ખાતે જન્મેલા હરભજને પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન 103 ટેસ્ટમાં 417 વિકેટ અને 236 વનડેમાં 269 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેમની પાસે 28 T-20 ઈન્ટરનેશનલ મેચમાં 25 વિકેટ પણ છે. ભજ્જીએ IPLમાં પણ 163 મેચ રમીને 150 વિકેટ લીધી હતી. તેઓ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્રિકેટ રમ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post