• Home
  • News
  • હાડ થીજવતી ઠંડીથી અમદાવાદમાં હાર્ટ એટેકના કેસ 31 ટકા વધ્યા, રોજ 60ને બદલે 85 કેસ આવે છે
post

ઠંડીને લીધે હૃદયની ધમની સંકોચાવાથી બીપી-ધબકારા વધતાં હાર્ટ ફેલ્યોરનું જોખમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 08:41:15

અમદાવાદ: હાડ થીજાવતી ઠંડીને લીધે અમદાવાદમાં હૃદયરોગના રોજના 60 કેસને બદલે 80થી 85 કેસ નોંધાય છે. શિયાળામાં હાર્ટના કેસમાં 31 ટકાનો વધારો થયો છે. હાર્ટ એટેકના સૌથી વધુ 50 ટકા, હાર્ટ ફેલ્યોરના 40 ટકા ઉપરાંત યુવાનોને છાતીમાં દુખાવાના કેસમાં 10 ટકાનો વધારો નોંધાયો છે.


એક ખાનગી હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડો. સુનીલ થાનવી જણાવે છે કે, ઠંડીને લીધે હૃદયની ધમની સંકોચાય છે, જેથી ધમનીમાં બ્લોકેજ હોય તો તે વધી જાય છે, 60-65થી વધુ વયના વૃદ્ધોમાં હાર્ટ એટેક- હાર્ટ ફેલ્યોર જયારે યુવાનોમાં શ્વાસની તકલીફથી અચાનક છાતીમાં દુખાવાની તકલીફ હોય છે.


તેમણે કહ્યું કે, હાર્ટ ફેલ્યોર એટલે જેમનું હૃદય બરાબર પમ્પિંગ કરતું હોય તેવા લોકોના હૃદય પર ઠંડીમાં બોજો વધે છે, તેમજ હૃદયનાં ધબકારા અને બ્લડપ્રેશર વધવા સાથે હૃદયની નળી સંકોચાતા લોહીનો પુરવઠો ઘટી જાય છે.


અન્ય એક કાર્ડિયો થોરાસિક સર્જન ડો. અતુલ આનંદ મસ્લેકર જણાવે છે કે, અમદાવાદીઓમાં હવે 30-40 વર્ષની ઉંમરે હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. ઠંડીની સિઝનમાં હૃદયરોગનું જોખમ વધે છે. હોસ્પિટલમાં તાજેતરમાં અગાઉ એન્જિયોપ્લાસ્ટી કરાવી ચૂકેલા બે દર્દીની ધમનીમાં ગંભીર બ્લોકેજ હોવાથી ઇમરજન્સીમાં એન્ડાર્ટક્ટોમી કરવી પડી હતી.

બેઠાડું જીવનશૈલી હોય તો વસાણા ખાવા
સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડો. સુનીલ થાનવીએ જણાવ્યુ હતું કે, ઠંડીમાં ગરમી મેળવવા વર્ષોથી વિવિધ વસાણા અને પાક ખાવાનું ચલણ છે, જેનાથી હૃદયરોગ વકરી શકે છે. પહેલાના સમયમાં લોકો ખેતરમાં કે અન્ય કામથી ચાલતા જતાં જેથી વસાણાનું પાચન થતું હતું. આજે લોકોમાં કસરતનું પ્રમાણ ઘટ્યું છે, જેથી ઘીથી તરબતર વસાણાનું પાચન થતાં કોલેસ્ટ્રોલ વધતાં બ્લડપ્રેશર વધે છે, જેથી વસાણા ખાવામાં દર્દીએ સાવચેત રહેવું જોઇએ.

છાતીમાં દુખાવાને હળવાશથી લો
હૃદયરોગનાં દર્દીએ મોર્નિગ વોકમાં નીકળતા સમયે ગરમ કપડા પહેરવા, ગરમ અને તાજો ખોરાક લેવો, ઠંડા પીણા અને ચરબીયુક્ત ખોરાક લેવો, શ્વાસની તકલીફ કે છાતીમાં સામાન્ય દુખાવામાં બેદરકાર રહીને તરત ડોકટરનો સંપર્ક કરવો જોઇએ. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગના દર્દીએ ડોકટરની સલાહથી દવામાં ફેરફાર કરવો.- ડો. પ્રવીણ ગર્ગ, એમ.ડી. ફિઝિશિયન


15
કિમીની ઝડપે પવનથી ઠંડી વધી
છેલ્લાં બે દિવસથી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતુ, સોમવારે લઘુતમ તાપમાનમાં મોટો કોઇ ફેરફાર થયો હોવા છતાં વહેલી સવારે ફૂંકાયેલાં 10થી 15 કિલોમીટરની ગતિનાં ઠંડા પવનોથી લોકોએ શહેરમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. બેથી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીથી રાહત રહ્યા બાદ ઠંડીમાં વધારો થવાની વકી છે. સોમવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post