• Home
  • News
  • દેશનાં 12 રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
post

સોમવારે 1 જૂનથી 24 જૂન દરમિયાન હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશનાં 22 રાજ્યોમાંથી જ્યાં ચોમાસું પહોંચી ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-06-25 16:45:15

નવી દિલ્લી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશના અમુક ભાગોમાં અને સમગ્ર છત્તીસગઢમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં દેશનાં 22 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે જ્યારે ઉત્તર ભારતનાં 6 રાજ્યો ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. જેમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવાં મોટાં રાજ્યો સામેલ છે. ચોમાસું આગાહી કરતાં મોડું છે. સામાન્ય રીતે 25 જૂન સુધીમાં ચોમાસું અડધા ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં પ્રવેશે છે. ચોમાસાની પૂર્વ ધાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ સુધી પહોંચે છે, જે ઉત્તરપ્રદેશના અડધા ભાગને આવરી લે છે. સોમવારે 1 જૂનથી 24 જૂન દરમિયાન હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશનાં 22 રાજ્યોમાંથી જ્યાં ચોમાસું પહોંચી ગયું છે તેમાંથી અડધાં એટલે કે 11 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો અથવા ઘણો ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 6 રાજ્યોમાં જ્યાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યાં પ્રી-મોન્સૂન વરસાદ પણ દર વર્ષની સરખામણીએ ઓછો રહ્યો છે.

ઉત્તરાખંડઃ 30 જૂન સુધી એલર્ટ, આદિ કૈલાશયાત્રા સ્થગિત
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં 30 જૂન સુધી વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે ચારધામ યાત્રા માટે આવતા યાત્રિકોને વરસાદી માહોલ જોઈને યાત્રા કરવા અપીલ કરી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રા 25 જૂનથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. આ યાત્રા 13 મેના રોજ શરૂ થઈ હતી, જેમાં લગભગ 600 શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા હતા.

મહારાષ્ટ્ર: પિંપરી ચિંચવડમાં એક કલાકમાં 4.5 ઈંચ જેટલો વરસાદ
મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના પિંપરી ચિંચવડ શહેરમાં રવિવારે એક કલાકમાં લગભગ 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બપોરે 3.30થી 4.30 વાગ્યાની વચ્ચે 115 મીમી વરસાદને કારણે પિંપરી, ચિંચવાડ, આકુર્ડી અને ચીખલીના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અચાનક પડેલા વરસાદને કારણે સ્પાઈન રોડ અને લિન્ક રોડ વિસ્તારના રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાયાં હતાં. પૂણે માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post