• Home
  • News
  • સુરતમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં
post

સવારના છથી આઠ વાગ્યાના ગાળામાં વરસાદ ખાબક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 10:47:15

સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથેની સવારી આવી પહોંચી હતી. સવારે 6થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

રસ્તાઓ પાણીમાં ગરક
ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો ઊઠી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

બે ફૂટ પાણી ભરાયાં
ઉધના વિસ્તારમાં રોડ નંબર નવ અને છ તરફ તેમજ નવસારી તરફ જવાના રસ્તા ઉપર બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. ધોધમાર વરસાદને કારણે જનજીવન પર એની સ્પષ્ટ અસર દેખાઇ હતી. વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષની સરખામણીએ આ વખતે સુરત શહેરમાં વરસાદ ઓછો નોંધાયો છે. હજી પણ વાદળછાયું વાતાવરણ જોતાં શહેરમાં દિવસ દરમિયાન વરસાદ આવી શકે છે. વરસાદ બંધ થતાં એકાદ કલાક જેટલા સમય બાદ રસ્તાઓ પરથી પાણી નીકળી ગયાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post