• Home
  • News
  • અમદાવાદીઓમાં આનંદ:શહેરમાં કોરોના કાબૂમાં, દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી 17 ટકાથી વધી 23 ટકાએ પહોંચી, હવે ત્રીજો સર્વે શરૂ
post

40 ટકા લોકોમાં એન્ટિબોડી લુપ્ત થતાં તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 10:57:37

એક સમયે રાજ્યમાં સૌથી વધુ કોરોના કહેર અમદાવાદમાં વર્સી રહ્યો હતો, ત્યાં હવે દરરોજ 150ની આસપાસ કેસ તેમજ 2થી 3 લોકોનાં મોત નોંધાઈ રહ્યાં છે, એટલે કે હવે અમદાવાદીની હર્ડ ઈમ્યુનિટીનો પાવર પહેલાં કરતાં વધ્યો છે. એએમસીના પહેલા સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઈમ્યુનિટીનો પાવર 17 ટકા હતો, જ્યારે હવે એ વધીને 23 ટકાની આસપાસ પહોંચી ગયો છે, જેને કારણે રાજ્યનાં અન્ય મોટાં શહેરોની સરખામણીમાં અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા ઓછી થઈ રહી છે, સાથે જ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાયો છે. હવે AMC દ્વારા હર્ડ ઈમ્યુનિટીનો ત્રીજો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

છેલ્લા દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટીમાં 5 ટકાનો વધારો
ત્રીજો સર્વે શરૂ થતાં શહેરનાં તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર એન્ટિબોડી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. AMC દ્વારા પ્રથમ સર્વેમાં 25થી 30 હજાર સ્થાનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં 17 ટકાની આસપાસ હર્ડ ઈમ્યુનિટી નોંધાઈ હતી. ત્યાર બાદ 15 ઓગસ્ટથી બીજા સર્વેની શરૂઆત થઈ હતી, જેમાં 10 હજારથી વધુ લોકોના એન્ટિબોડી ટેસ્ટ થતાં હર્ડ ઈમ્યુનિટી 23 ટકાની આસપાસ નોંધાઈ હતી. ત્યારે હવે શહેરમાં ત્રીજા સર્વેની શરૂઆત થઈ છે. છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદીઓની હર્ડ ઈમ્યુનિટીમાં 5 ટકાની આસપાસનો વધારો થયો છે.

કોરોનાના કેસ ઘટવા પાછળ હર્ડ ઇમ્યુનિટી જવાબદાર: પદ્મશ્રી ડો. તેજસ પટેલ
ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડો.તેજસ પટેલે જુલાઈ મહિનામાં જણાવ્યું હતું કે કોટ વિસ્તારમાં 50 ટકાથી વધુ લોકો સંક્રમિત થયા હોવાનું હું માનું છું, જેથી લોકોમાં હર્ડ ઇમ્યુનિટી આવી જાય છે અને બાકીના એરિયામાં ધીરે ધીરે આવી જશે. કોરોનાના કેસ ઘટવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. કોવિડ વર્સીસ નોન-કોવિડનો તફાવત જાણીને સારવારથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

હર્ડ ઇમ્યુનિટી માટે 70થી 80 ટકા પોઝિટિવિટી જરૂરી
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા અને મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ હર્ડ ઇમ્યુનિટી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે 10,000 લોકો પર બીજો સર્વે કર્યો હતો, આ સર્વેમાં 23.24 ટકા પોઝિટિવિટી આવી છે, જે દોઢ મહિનામાં પાંચ ટકા વધી છે અને આ નજીવો વધારો છે તેમજ એન્ટિબોડી સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 40 ટકા લોકોમાં એન્ટિબોડી લુપ્ત થયેલી જણાઈ છે અને તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. તેમણે આ સર્વેનાં મુખ્ય ત્રણ તારણો તેમણે જણાવ્યાં હતાં કે હર્ડ ઇમ્યુનિટી ઓછી કરવા કોર્પોરેશન દ્વારા અસરકારક પગલાં લેવાયાં છે. 23.24 ટકા પોઝિટિવિટી આવી છે અને હર્ડ ઇમ્યુનિટી માટે 70થી 80 ટકા પોઝિટિવિટી જરૂરી છે. એકવાર કોરોનાગ્રસ્ત થયેલી વ્યક્તિમાં એન્ટિબોડી ટકતી નથી. આમાં 40 ટકા લોકોમાં એન્ટિબોડી લુપ્ત થયેલું એવું દર્શાવે છે કે તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે અને એનો વધુ સર્વે જરૂરી છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જાહેર સ્થળે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ અને સાબુથી હાથ સાફ કરવા જરૂરી છે.

હર્ડ ઇમ્યુનિટી શું છે?
મોટા ટોળાને હર્ડ કહે છે. બધા એકસાથે રહેતા હોવાથી પરસ્પર શ્વાસોશ્વાસથી ટચમાં આવે છે. 100 માણસનું એક ગ્રુપ હોય, એમાંથી 15ને ચેપ લાગે તો તેમાંથી વાઇરસના લોડ પ્રમાણે બીજા 15-20ને ચેપ લાગી શકે. આમ, 100ના હર્ડમાંથી 30 લોકો સંક્રમિત થાય અને તેમાંથી કેટલાક રિકવર થાય. બીજા સંક્રમિત લોકો આ 100 લોકોમાં આવે ત્યારે પહેલાં સંક્રમિત થયેલા લોકોને ઇન્ફેકશન લાગવાના ચાન્સ ઓછા થઇ જાય છે, જેથી 100માંથી 60 પોઝિટિવ થઇ જાય ત્યારે વાઇરસ સામે હર્ડ ઇમ્યુનિટી આવી કહેવાય.

અમદાવાદમાં અત્યારસુધીમાં કુલ 40,634 કેસમાંથી 35,392 દર્દી ડિસ્ચાર્જ
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઊથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા છે. ગઈકાલે 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 177 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીનાં મોત થયાં છે, જ્યારે કુલ 181 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 40,634 થયો છે, જ્યારે 35,392 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,879 થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post