• Home
  • News
  • કર્ણાટકમાં લઘુમતી સ્કૂલોમાં પણ હિજાબ પર પ્રતિબંધ : બોમ્મઈ સરકારનો આદેશ
post

રાજ્ય સરકારના નિર્દેશોમાં હાઈકોર્ટના વચગાળાના ચૂકાદાનો ઉલ્લેખ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 15:24:15

બેંગ્લુરુ:  
કર્ણાટકમાં સ્કૂલ-કોલેજમાં હિજાબ વિવાદ મુદ્દે ભારે તંગદિલી ફેલાયેલી છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકારે લઘુમતી સ્કૂલોમાં પણ હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બોમ્બઈ સરકારે આ અંગે આદેશ પણ જાહેર કરી દીધા છે. બીજીબાજુ હિજાબ વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીમાં રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવો ઈસ્લામની ધાર્મિક માન્યતાઓ માટે જરૂરી નથી એ બાબતને ધ્યાનમાં રાખીને સ્કૂલ-કોલેજોમાં હિજાબ અંગે આદેશ અપાયો હતો.


રાજ્યની મૌલાના આઝાદ મોડેલ અંગ્રેજી માધ્યમની સ્કૂલો સહિત લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા ચલાવાતી સ્કૂલોમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરતા અટકાવાઈ છે. લઘુમતી કલ્યાણ વિભાગ, હજ અને વકફ વિભાગના સચિવ મેજર મણિવન્નન પીએ આ સંબંધિત આદેશ આપ્યો છે. વિભાગે તેના આદેશમાં કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશનો ઉલ્લેખ કર્યો છે, જેમાં વિદ્યાર્થિનીઓને ક્લાસની અંદર ભગવા શાલ, સ્કાર્ફ અને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.


રાજ્ય સરકારના આદેશમાં કહેવાયું છે કે, હાઈકોર્ટનો વચગાળાનો આદેશ લઘુમતી કલ્યાણ વિભાગ હેઠળની આવાસીય સ્કૂલો, યુનિવર્સિટીઓ, મૌલાના આઝાદ આદર્શ અંગ્રેજી માધ્યમ સ્કૂલો પર પણ લાગુ પડે છે. મૌલાના આઝાદ મોડેલ અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને લઘુમતી કલ્યાણ વિભાગ હેઠળ આવતી સ્કૂલ-કોલેજોના ક્લાસમાં ધાર્મિક ચિહ્નો પહેરવા પ્રતિબંધિત છે.


દરમિયાન કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર ચાલતી સુનાવણીમાં શુક્રવારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, હિજાબ પહેરવો ઈસ્લામની ધાર્મિક માન્યતાઓ માટે જરૂરી નથી. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ પ્રભુલિંગ નાવાદગીએ કહ્યું કે સરકારનું માનવું છે કે હિજાબ પહેરવાનો અધિકાર બંધારણની કલમ ૧૯(૧) હેઠળ નથી આવતો. હકીકતમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સરકારને સવાલ કર્યો હતો કે અંતે કયા તર્કના આધારે ૫મી ફેબુ્રઆરીએ સાંપ્રદાયિક સદ્ભાવ ભંગ કરનારા કોઈપણ ડ્રેસને શૈક્ષણિક સંસ્થાઓમાં મંજૂરી નહીં આપવાનો આદેશ અપાયો હતો.


મુખ્ય ન્યાયાધીશના સવાલના સંદર્ભમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ઉડુપીની સરકારી પીયુ કોલેજમાં વર્ષ ૨૦૧૩થી જ યુનિફોર્મ લાગુ છે, પરંતુ તે અંગે આજ સુધી કોઈ વિવાદ થયો નથી. પહેલી વખત ડિસેમ્બર ૨૦૨૧માં જ આ અંગે વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે, આ કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલ સાથે વાત કરી અને તેમને હિજાબ પહેરવાની મંજૂરી મળવી જોઈએ તેવી દલીલ કરી હતી. ત્યાર પછી કોલેજ ડેવલપમેન્ટ સમિતિમાં આ મુદ્દો ઉઠયો હતો. આ મીટિંગમાં જણાવાયું હતું કે ૧૯૮૫ પછીથી વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરે છે. આ સાથે સમિતિએ સ્કૂલ-કોલેજોમાં જૂના ચાલતા નિયમો નહીં બદલવાનો નિર્ણય કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post