• Home
  • News
  • નાગાલેન્ડમાં પર્વત પરથી મસમોટો પથ્થર ગબડીને કાર પર પડ્યો:પળવારમાં જ કારનો કચ્ચરઘાણ; 2નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
post

નેફિયુ રિયોએ કહ્યું- દુર્ઘટનાનું સ્થળ ભૂસ્ખલન માટે જાણીતું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-05 19:24:41

નાગાલેન્ડના કોહિમા-દીમાપુર હાઈવે પર મંગળવારે સાંજે ભૂસ્ખલનની ઘટના બની હતી. હાઈવેની એક બાજુના ઊંચા પહાડો પરથી અચાનક મસમોટા પથ્થરો ગબડીને નીચે પડવા લાગ્યા હતા, જેમાંથી બે મસમોટા પથ્થરોએ હાઈવે પર ઊભી રહેલી ત્રણ કારને કચડી નાખી હતી. પથ્થરો એટલી ઝડપે કાર પર પડ્યા કે પળવારમાં જ કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

દીમાપુરના ચુમોકેદીમામાં થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટના પથ્થરોથી કચડાયેલી કારની પાછળ પાર્ક કરેલી કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માત્ર 5 સેકન્ડમાં એક પછી એક ત્રણ કાર પર બે મસમોટા પથ્થરો ગબડીને પડ્યા હતા.

એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું, એકનું હોસ્પિટલમાં મોત
દીમાપુરના પોલીસ કમિશનર કેવિથુતો સોફીએ જણાવ્યું કે આ અકસ્માત મંગળવારે સાંજે 5.30 વાગ્યે દીમાપુરમાં જૂના ચુમોકેદીમા પોલીસ ચેક ગેટની સામે થયો હતો. અકસ્માતમાં ચાર વાહનોને નુકસાન થયું હતું. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરીને દીમાપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.

પોલીસ કમિશનરે જણાવ્યું કે આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કેટલાક અધિકારીઓ મૃતકો અને ઘાયલોની માહિતી એકત્ર કરવા માટે હોસ્પિટલ ગયા હતા. જો કે હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી.

નેફિયુ રિયોએ કહ્યું- દુર્ઘટનાનું સ્થળ ભૂસ્ખલન માટે જાણીતું છે
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે જ્યાં આ દુર્ઘટના થઈ તે સ્થળ 'પાકાલા પહાડ' તરીકે ઓળખાય છે. આ સ્થળ ભૂસ્ખલન અને ખડકોનું નીચે પડવા માટે જાણીતું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ઈમર્જન્સી સેવાઓ પૂરી પાડવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઘાયલોને તમામ જરૂરી મોડિકલ સહાય આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post