• Home
  • News
  • હું 12મા ધોરણમાં એક ડોક્ટર સાથે કામ કરવા લાગ્યો, કમ્પાઉન્ડર પિતાને જોઈને મને ઈન્જેક્શન લગાવતા, ગ્લુકોઝ ચઢાવવાનું બાળપણથી આવડે છે
post

ઈકબાલ કહે છે, ‘આ ઝેર ઉતારવાની પ્રોસેસ ખતરનાક તો છે પણ હવે મને તેનો અનુભવ થઈ ગયો છે.’

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 12:07:30

જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલી રસીના ખાતૂનની આપવીતી બિહારના સમગ્ર ગ્રામીણ સમાજની જ વાત છે. તેમના પરિવારના તમામ પુરૂષ રોજગારી માટે પલાયન કરવા મજબૂર છે. ગામમાં તેમની સાથે રહેનારા લોકોમાં માત્ર તેમની આધેડ સાસુ અને અપરિણીત નણંદ જ છે.

સુપૌલ જિલ્લાની સોહટા પંચાયતમાં રહેનારી 19 વર્ષની રસીના ત્રણ મહિના પહેલા જ માતા બની છે. આ સમયે તેમના પતિ મોહમ્મદ ઈજહાર પણ ગામમાં પરત આવ્યા જે દિલ્હીની એક ફર્નીચર માર્કેટમાં મજૂરી કરે છે. ઘરે આવ્યાને ઘણો સમય વીતી ચૂક્યો હતો તેથી ઈજહારને હવે કામ પર પરત જવાનું હતું. રસીના ઈચ્છતી હતી કે ઈજહાર તેને પણ પોતાની સાથે દિલ્હી લઈ જાય. પરંતુ દિલ્હીમાં દસ બાય દસના રૂમમાં ત્રણ અન્ય મજૂરો સાથે રહેનારા ઈજહાર માટે આમ કરવું શક્ય નહોતું. તેથી તે એ માટે તૈયાર ન થયો.

ઈજહારને ગત રવિવારે પરત જવાનું હતું તો તેના એક દિવસ અગાઉ તે થોડા જરૂરી કામ પતાવવા બ્લોક મુખ્યાલયે ગયો હતો. ઘરે પરત આવીને જોયું તે તેનો ત્રણ મહિનાનો પુત્ર સતત રડી રહ્યો છે અને રસીના ન તો દરવાજો ખોલી રહી છે કે ન તો કોઈ જવાબ આપી રહી છે. દરવાજો તોડવામાં આવ્યો તો ઈજહારના પગ તળેથી જમીન ખસી ગઈ. રસીના જમીન પર બેહોશ પડી હતી, તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યા હતા અને રૂમમાં વિખરાયેલી બારૂદનામના જંતુનાશકની તીવ્ર વાસ જણાવતી હતી કે રસીનાએ એ જ પીને આત્મહત્યાની કોશિશ કરી છે.

મોહમ્મદ ઈજહાર કહે છે, ‘તેને ઝેર પીધાને લગભગ બે કલાક વીતી ચૂક્યા હતા. તેની આંખની કીકીઓ પણ સ્થિર થઈ ગઈ હતી. સરકારી હોસ્પિટલે જવાનો કોઈ ફાયદો નહોતો. કેમકે ત્યાં આ પ્રકારના કેસ જોનાર કોઈ નથી. જિલ્લા હોસ્પિટલે જતા તો ત્યાં સુધી પહોંચવામાં જ તેણે દમ તોડી દીધો હોત. આથી અમે સીધા જ તેને લઈને ઈકબાલ ભાઈને ત્યાં આવ્યા. ભાઈએ જ ઝેર ઉતાર્યુ છે.

ઈકબાલ આલમ સુપૌલ જિલ્લાની રામપુર પંચાયતમાં રહે છે. આ સમગ્ર વિસ્તારમાં તેઓ ડોક્ટર ઈકબાલના નામથી જાણીતા છે. જો કે ઈકબાલ પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી નથી. પરંતુ તેઓ માત્ર ધોરણ-12 સુધી જ ભણેલા છે અને અસલમાં ઝોળીછાપ ડોક્ટરોની એ જ જમાતમાં સામેલ છે જેમના ખભા પર બિહારની સમગ્ર સ્વાસ્થ્ય વ્યવસ્થા ટકેલી છે.

ઈકબાલ આલમ કહે છે, ‘હું છેલ્લા 15 વર્ષથી લગભગ આઠસો ઝેરના કેસ જોઈ ચૂક્યો છું જેમાંથી માત્ર ત્રણ-ચાર કેસોમાં જ દર્દીના મોત થયા છે. બાકી તમામ કેસ સ્વસ્થ થઈ ગયા છે. મારી પાસે 50-60 કિમી દૂરથી પણ આ પ્રકારના કેસ આવે છે.ખુદના ડોક્ટર બનવા અંગે તેઓ કહે છે કે તેમના પહેલા તેમના પિતા આ કામ કર્યા કરતા હતા. એટલે કે પિતા પણ ઝોળીછાપ ડોક્ટર હતા જેમણે થોડા વર્ષ કોઈ એમબીબીએસ સાથે કમ્પાઉન્ડર તરીકે કામ કર્યા પછી પોતાની જ ડોક્ટરની દુકાન શરૂ કરી દીધી હતી.

ઈકબાલ કહે છે, ‘હું જ્યારે ધો.12માં ભણતો હતો ત્યારથી જ એક ડોક્ટર સાથે કામ કરવા લાગ્યો હતો. પિતાને જોઈને મને ઈન્જેક્શન લગાવવાનું અને ગ્લુકોઝ ચઢાવવાનું નાનપણથી જ આવડતું હતું. મેં લગભગ પાંચ વર્ષ એમબીબીએસ ડોક્ટરની સાથે કામ કર્યુ અને પછી ગામમાં આવીને પોતાનું કામ કરવા લાગ્યો. અનેકવાર તો સરકારી હોસ્પિટલવાળા પણ મને મદદ માટે પોતાને ત્યાં બોલાવે છે.ઝેરના કેસોમાં તેઓ દર્દીનો ઈલાજ કેવી રીતે કરે છે? એવા સવાલ પર તેઓ કહે છે, ‘દર્દીને જોઈને જ અંદાજ આવી જાય છે કે તે કઈ સ્થિતિમાં છે. સૌપ્રથમ તેનું ઝેર કાઢવા માટે તેના આંતરડાની સફાઈ કરીએ છીએ. તેના માટે અમે સક્શન કરીએ છીએ. એટલે કે એક પાઈપ દર્દીના આંતરડા સુધી નાખીએ છીએ, તેમાં પાણી ભરીએ છીએ અને તેની સાથે આંતરડામાં રહેલ ઝેર બહાર ખેંચી લઈએ છીએ. તેના પછી દર્દીની સ્થિતિના હિસાબે ગ્લુકોઝ લગાવીએ છીએ પછી દવા કે ઈન્જેક્શન આપીએ છીએ. જે પ્રોસેસ ઈકબાલ જણાવે છે તે કાયદાકીય રીતે કોઈ ડોક્ટર કે નિષ્ણાતની ગેરહાજરીમાં ન કરી શકાય. આમ કરવું ગુનો પણ છે અને દર્દીના જીવ સાથે રમત પણ. તેમાં થોડી પણ ચૂક થવાથી દર્દીનું મોત થઈ શકે છે. ઈકબાલ ખુદ પણ એ વાત સમજે છે. તે કહે છે, ‘આ પ્રોસેસ ખતરનાક તો છે પણ હવે મને તેનો ઘણો અનુભવ થઈ ગયો છે. જે કેસોમાં મને લાગે કે મારાથી શક્ય નહીં બને તો તેમને હું પહેલા જ ના પાડી દઉં છું. બાકી ભૂલ તો એમબીબીએસ ડોક્ટરથી પણ થઈ શકે છે.

ઈકબાલ આલમ એવા એકલા વ્યક્તિ નથી કે જેઓ કોઈ ડિગ્રી વિના કે અભ્યાસ વિના ડોક્ટરબની ગયા છે. બિહારના ગ્રામીણ વિસ્તારોમાં એવા લાખો ડોક્ટરછે અને ગામોમાં આરોગ્ય વ્યવસ્થા સમગ્રપણે આવા જ લોકોનાં ભરોસે ચાલી રહી છે.

બિહાર ઝોળીછાપ ડોક્ટરો પર કઈ હદ સુધી નિર્ભર છે તેનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે કોરોનાના વધતા કેસો વચ્ચે સિવાન જિલ્લાના સિવિલ સર્જને પણ જન આરોગ્ય કેન્દ્રોને સરકારી આદેશ જારી કરીને ઝોળીછાપ ડોક્ટરોની મદદ લેવા માટે લખ્યું હતું. આ આદેશમાં કાયદેસર ઝોળીછાપ ચિકિત્સકશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ઝોળીછાપ ડોક્ટરોમાં અનેક પ્રકારના લોકો સામેલ છે. એક એ લોકો છે જેમણે થોડો સમય કોઈ એમબીબીએસ સાથે કમ્પાઉન્ડર સાથે કામ કર્યુ અને પછી પોતાની જ દુકાન ખોલી નાખી, કેટલાક એવા છે જે બીજી પેઢીના ઝોળીછાપ છે અને કેટલાક તો એવા પણ છે જેઓ કોઈ ઝોળીછાપના કમ્પાઉન્ડર રહ્યા પછી ખુદ ઝોળીછાપ ડોક્ટર બની ગયા છે.

માત્ર ડોક્ટર જ નહીં પણ ગામોમાં હવે સમગ્ર આરોગ્ય વ્યવસ્થા જ ઝોળીછાપ બની ગઈ છે. તેમાં કેમિસ્ટથી લઈને પેથોલોજી અને રેડિયોલોજી સુધી તમામ કામ સામેલ છે. ઝોળીછાપ ડોક્ટર દવાઓ લખીને ખુદ તો ગેરકાયદે કામ કરી રહ્યા જ છે તેની સાથે હવે તેમણે પોતાની કેમિસ્ટની દુકાનો, પેથોલોજી લેબ અને રેડિયોલોજી કેન્દ્ર પણ ખોલી નાખ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post