• Home
  • News
  • મંકીપોક્સ પર ICMRની ચેતવણી:નાનાં બાળકોમાં મંકીપોક્સનું વધુ જોખમ, 20 દિવસમાં 22 દેશમાં 226 કેસ
post

અત્યારસુધીમાં 21 દેશમાં મંકીપોક્સના 226 કેસની પુષ્ટિ થઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-28 17:27:20

નવી દિલ્લી: મંકીપોક્સનું સંક્ર્મણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ચેતવણી આપી છે. હેલ્થ એજન્સીએ જણાવ્યું છે કે નાનાં બાળકોને આ બીમારીનું જોખમ વધારે છે, જેને કારણે લક્ષણો પર ધ્યાન આપવું પડશે. રાહતની વાત એ છે કે ભારતમાં મંકીપોક્સના એકપણ કેસની પૃષ્ટિ થઇ નથી, પરંતુ સરકાર આ સંક્રમણને લઈને હાઇ એલર્ટ પર છે. ભારતીય પ્રાઇવેટ હેલ્થ ડિવાઇસ કંપની ટ્રિવી ટ્રોન હેલ્થકેર દ્વારા મંકીપોક્સની તપાસ માટે RT-PCR ટેસ્ટ કિટ તૈયાર કરવામાં આવી છે. આ કિટથી એક કલાકની અંદર પરિણામ જાણી શકાશે.

21 દેશમાં 226થી વધુ કેસ
આર્જેન્ટીનામાં શુક્રવારે મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. દર્દી હાલમાં સ્પેનથી પરત ફર્યો હતો. દેશમાં વાઇરસનો એક શંકાસ્પદ દર્દી પણ મળી આવ્યો છે. અગાઉ મંગળવારે પશ્ચિમ આફ્રિકાથી યુએઈ પરત ફરેલી એક મહિલામાં પણ મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી.

જણાવી દઈએ કે અત્યારસુધીમાં 21 દેશમાં મંકીપોક્સના 226 કેસની પુષ્ટિ થઈ છે. WHOએ શુક્રવારે જણાવ્યું હતું કે લગભગ 100 શંકાસ્પદ દર્દી એવા દેશોમાંથી નોંધાયા છે, જ્યાં સામાન્ય રીતે મંકીપોક્સના કેસ જોવા મળ્યા નથી. બ્રિટનમાં 7 મેના રોજ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો.

જોકે રાહતની વાત એ છે કે મંકીપોક્સ વાઇરસમાં અત્યારસુધી કોઈ આનુવંશિક ફેરફારો જોવા મળ્યા નથી, એટલે કે વાઇરસ હજુ સુધી મનુષ્યમાં પરિવર્તિત થયો નથી. વૈજ્ઞાનિકો આ રોગ આફ્રિકાની બહાર કેવી રીતે ફેલાયો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સ્પેન મંકીપોક્સનું કેન્દ્ર બની ગયું છે
આ મહિનામાં મંકીપોક્સના કેસ જોતાં સ્પેનને એપીસેન્ટર માનવામાં આવી રહ્યું છે. શુક્રવાર સુધી અહીં 98 કેસની પુષ્ટિ થઈ છે તો બ્રિટનમાં 106 અને પોર્ટુગલમાં 74 દર્દી મંકીપોક્સના છે. આ સિવાય મંકીપોક્સ કેનેડા, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, ઈટાલી અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સલાહકાર ડૉ. ડેવિડ હેમને ન્યૂઝ એજન્સી એપી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમલૈંગિક પુરુષોમાં મંકીપોક્સ ચેપ ફેલાવવાનું કારણ સ્પેન અને બેલ્જિયમમાં બે સમલૈંગિક સેક્સ પાર્ટીઓ હોઈ શકે છે. મંકીપોક્સ એ સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) નથી. જોકે સેક્સ દરમિયાન ચેપગ્રસ્ત વ્યક્તિની નજીક આવવાથી રોગ ફેલાય છે.

સમલૈંગિક પુરુષોમાં ઝડપથી ફેલાતા સંક્રમણને જોતાં WHOએ પણ એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય એજન્સી કહે છે કે જો કોઈ વ્યક્તિમાં મંકીપોક્સનાં લક્ષણો જોવા મળે છે, તો તેની સાથે સ્કિન ટુ સ્કિન, ફેસ ટુ ફેસ અને જાતીય સંપર્ક ન કરો. જ્યારે પણ તમે દર્દીની નજીક આવો ત્યારે માસ્ક પહેરો અને તમારા હાથ ધોવા.

મંકીપોક્સનાં લક્ષણોમાં આખા શરીરમાં પરુથી ભરેલા ફોલ્લીઓ, તાવ, લસિકા ગાંઠોમાં સોજો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post