• Home
  • News
  • ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ વિવાદમાં સરકારે હાથ ખંખેર્યા, Dy. CM કહે છે આમાં સરકારનો સીધો કોઈ રોલ નથી
post

દિલ્હીમાં વિદેશ મંત્રાલયે અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમની યજમાનીમાંથી હાથ અદ્ધર કર્યા ને છેલ્લી ઘડીએ કહ્યું કે આ તો ખાનગી કાર્યક્રમ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 08:42:41

અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ વિશે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નવો ધડાકો કર્યો છે કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' નામની કોઈ સંસ્થા યોજી રહી છે. હવે આ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' કોણ છે, તેના સભ્યોમાં કોનો સમાવેશ થાય છે અને આ કાર્યક્રમ પાછળ થનારા આશરે રૂ. 100 કરોડથી પણ વધુનો ખર્ચ કોણ ભોગવશે તે બાબતે ઘેરું રહસ્ય પ્રવર્તી રહ્યું છે. 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ'માં કોણ કોણ છે તે અંગે જાણવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આમાં સરકારનો સીધો કોઈ રોલ નથી, આપણે તો વ્યવસ્થા અને બીજું હોય છે, આ તો શહેરના નાગરિકોની સમિતિ હોય એવું મારુ અંગત માનવું છે.

મેયર અને પ્રદેશ પ્રવક્તા ફોન સ્વીચ ઓફ

જ્યારે અમદાવાદના મેયર બિજલ પટેલનો પાંચવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ફોન બપોરથી રાતના સાડા આઠ વાગ્યા સુધી સ્વીચ ઓફ આવી રહ્યો હતો. તેમજ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રશાંત વાળાનો સંપર્ક કરતા બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવ્યા હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી, મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને ટ્વિટ કરી આ અંગે જાણવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો કોઈ જવાબ આવ્યો નહોતો.
બની શકે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમદાવાદના મેયરે આમંત્રણ આપ્યું હોય: ભરત પંડ્યા

નાગરિક અભિવાદન સમિતિમાં ભાજપના રોલ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં અમેરિકાના પ્રેસિડેન્ટ આવતા હોય તો એમાં ભાજપની સહયોગીની ભૂમિકા છે. તેમણે જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા કાર્યક્રમમાં ગયા હતા જેમાં ત્યાંના મેયરે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. તો બની શકે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમદાવાદના મેયરે આમંત્રણ આપ્યું હોય.


અત્યારસુધી CM રૂપાણી, મેયર કાર્યક્રમની વાતો કરતા હતા, પણ હવે બધા ચૂપ

રસપ્રદ છે કે સૌથી પહેલાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વેળાએ જાહેરસભાને સંબોધિત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ટ્રમ્પ અમદાવાદ આવશે. ત્યારબાદ અમદાવાદના મેયર બિજલ પટેલે પણ ટ્રમ્પને વધાવવા આખું અમદાવાદ આતુર હોવાની જાહેરાત કરી હતી. બંનેએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર વખતોવખત આ અંગેની વિગતો આપી હતી. પરંતુ હવે જેવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ'ની વાત કરી છે ત્યારથી બધા ચૂપ થઈ ગયા છે.

કાર્યક્રમને ખાનગી રાખવા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન છેલ્લી ઘડીએ પડતું મૂકાયું?

છેલ્લા એક પખવાડિયાથી મોટેરા સ્ટેડિયમ જાણે લગ્નનો માંડવો હોય તે રીતે સજી-ધજી રહ્યું છે. અત્યારસુધી અનેકોવખત એવી જાહેરાત પણ થઈ છે કે, ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમ વેળાએ જ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવામાં આવશે. જો કે, આજે સવારે જ જીસીએ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમનું ઉદઘાટન થવાનું નથી. ફક્ત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ હેઠળ બંને વિશ્વનેતાઓનું સંબોધન જ થશે. ટૂંકમાં જીસીએ તરફથી આ કાર્યક્રમ માટે ફક્ત મેદાન આપવામાં આવી રહ્યું છે, આ કાર્યક્રમમાં સહભાગીપણાની તમામ શક્યતાઓ પરથી જીસીએ દ્વારા હાથ ખંખેરી દેવાયા છે.

પોલીસ કમિશનર કહી ચૂક્યા છે કે, મોટેરા કાર્યક્રમના નિમંત્રક AMC અને કલેક્ટર

મોટેરા સ્ટેડિયમના ટ્રમ્પના કાર્યક્રમના ખરા આયોજક કોણ તે અંગે અત્યારે ગૂંગૂંચીચી થઈ રહ્યું છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદના શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા બે દિવસ અગાઉ કહી ચૂક્યા છે કે, આ કાર્યક્રમના નિમંત્રક AMC અને કલેક્ટર છે, માટે પાસ ત્યાંથી જ મળશે. હવે આ કાર્યક્રમની આયોજક અને નિમંત્રક એકાએક 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' થઈ ચૂકી છે તો સાચું કોણ એ પણ એક સવાલ છે.

'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ'ની નથી કોઈ વેબસાઈટ કે સરનામું

અમદાવાદ શહેરની એક લટાર મારો તો ઓછામાં ઓછા 10 હજાર જેટલા પોસ્ટરો, ડેંગ્લર્સ, બેનર્સ, હોર્ડિંગ્સ લાગેલા દેખાશે જેમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની જાહેરાત તથા મોદી અને ટ્રમ્પના ફોટા જોવા મળશે. પરંતુ અત્યારસુધી એક પણ બેનર કે પોસ્ટર પર 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ'નો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ સંસ્થા કોની છે, તેના સભ્યો કોણ છે, તેની વેબસાઈટ કઈ છે, તેનું સરનામું શું છે તે કોઈ જાણતું નથી. એટલું જ નહીં, ટ્રમ્પનો અમદાવાદનો કાર્યક્રમ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' યોજી રહ્યું છે તેની માહિતી આપનારા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પણ આના વિશે કોઈ ફોડ પાડ્યો નથી.

'હાઉડી મોદી'માં તો વિપક્ષી ડેમોક્રેટ્સ હતા, 'નમસ્તે ટ્રમ્પ'માં વિપક્ષ હશે?

ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં ગત સપ્ટેમ્બરમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ યોજાયો ત્યારે વિપક્ષી ડેમોક્રેટ્સને સત્તાવાર આમંત્રણ અપાયું હતું. ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક અગ્રણી નેતાઓ ત્યાં હાજર પણ રહ્યા હતા. જો કે, અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ'માં વિપક્ષને આમંત્રણ અપાશે કે કેમ તે કોઈ નથી જાણતું. આ અંગે રવિશ કુમારે દિલ્હીમાં એટલું જ કહ્યું હતું કે, "આ કાર્યક્રમનું આયોજન 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' કરી રહી છે. કોને આમંત્રણ આપવું એ તેમણે નક્કી કરવાનું છે તો આ સવાલ તમે તેમને જ પૂછો." રવિશ કુમારે એ તો કહ્યું કે 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' અમદાવાદનો કાર્યક્રમ યોજી રહી છે પણ તેને શોધવી ક્યાં તે એક મોટો પ્રશ્ન છે.

કોંગ્રેસે પણ PMને પૂછ્યું, 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' છે કોણ!

કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી હતી કે, ‘ડિયર PM, વિદેશ મંત્રાલય તો કુલડીમાં ગોળ ભાંગે છે! પણ મહેરબાની કરીને તમે તો કહો - 1. 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' છે કોણ? 2. યુએસ પ્રેસિડેન્ટને આ સમિતિએ ક્યારે આમંત્રણ આપ્યું અને તેણે ક્યારે સ્વીકાર્યું? 3. શા માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે તમે તેમને વચન આપ્યું છે કે અમદાવાદમાં 70 લાખ લોકો તેમનું સ્વાગત કરવા આતુર છે?’

સરકારી કાર્યક્રમ નથી તો એરપોર્ટ પર ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાશે?

હવે જ્યારે ખુદ વિદેશ મંત્રાલય એવી ચોખવટ કરી ચૂક્યું છે ટ્રમ્પ અમદાવાદમાં કોઈ સરકારી કાર્યક્રમમાં નહીં પણ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ'ના કાર્યક્રમમાં આવવાના છે તો સવાલ એ છે કે શું એરપોર્ટ પર ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાશે? એક રીતે જોઈએ તો વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચોખ્ખું કહી દીધું છે કે અમદાવાદમાં ટ્રમ્પ સરકારી મહેમાન નથી તો પછી તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે તો તે પ્રોટોકોલ મુજબનું હશે કે નહીં તેની પણ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

adv

Related News

post
post
post
post
post
post
post