• Home
  • News
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:આજે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યનાં અનેક શહેરોમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ, વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતાં લોકો થથર્યા
post

હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-02 13:23:54

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ગઈકાલે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. આખો દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે, જેને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો.

તે ઉપરાંત અમદાવાદ. ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જોવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં વરસાદ થયો છે. ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.

આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી હતી. તે છતાંય માછીમારો દરિયામાં ગયાં હતાં. સોરાષ્ટ્રનો દરિયા કિનારો તોફાની બનતાં ગીર સોમનાથના દરિયામાં આજે 15 બોટ સહિત 15થી વધુ માછીમારો લાપતા થયાં હતાં. તેમાંથી ચાર માછીમારોનો બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, દ્વારકા, વેરાવળ, દિવ, જાફરાબાદ, પિપાવાવ, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, અલંગ, મગદલ્લા અને દમણના દરિયામાં નહીં જવા માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ ખાબક્યો

તાલુકો

વરસાદ( મિમી)

ઉમરપાડા

154

વલસાડ

91

પારડી

90

ખેરગામ

90

કપરાડા

82

ઉમરગામ

82

મહુવા

81

પલસાણા

75

વાપી

74

નવસારી

74

ચીખલી

74

વઘઈ

65

જલાલપોર

61

ડાંગ

61

ધરમપુર

60

 

સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાતાં ઠંડીનો ચમકારો વધ્યો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું છે. રાજકોટ મહાનગરમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહેતાં વાદળિયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતાં છેલ્લા 24 કલાકથી લોકોને સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ભરબપોરે ઠંડકથી રાજકોટ મહાનગરમાં હિલ સ્ટેશન સમા દૃશ્યો જોવા મળ્યાં હતાં. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું હતું.

સુરતમાં વરસાદનાં હળવાં ઝાપટાં સાથે ઠંડીનું પ્રમાણ વઘ્યું
સુરતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. સુરતમાં વરસાદનાં હળવાં ઝાપટાં સાથે ઠંડીનું પ્રમાણ વધવાથી લોકો થથર્યા હતા. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં માવઠાને કારણે એક જ દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ગગડ્યું છે. સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાને કારણે ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે.

દાહોદ, પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. પરંતુ એ પ્રમાણમાં વરસાદ ન થતાં ખેડૂતોની મુશ્કેલી થોડી ઓછી થઈ છે. પરંતુ હજુ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post