• Home
  • News
  • રાજસ્થાનનાં 5 શહેરમાં ઠંડીનો પારો માઇનસમાં:કાશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું એલર્ટ જાહેર કરાયું, દિલ્હીમાં લઘુતમ તાપમાન 1.4 ડીગ્રી
post

મધ્યપ્રદેશમાં રવિવારે લઘુતમ તાપમાન 1.4 ડીગ્રી ઘટીને 7 ડીગ્રીએ પહોંચ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:55:02

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. સોમવારે સવારે દિલ્હીનો પારો 1.4 ડીગ્રી નોંધાયો હતો, જે આ વર્ષનું સૌથી ઓછું તાપમાન છે. વાતાવરણ વિભાગે ઠંડીના કારણે દિલ્હી, યુપી અને રાજસ્થામાં યલો એલર્ટ જાહેર કરી દીધું છે. પહાડો ઉપર થઈ રહેલી બરફવર્ષાને કારણે રાજસ્થાનનાં પાંચ શહેરમાં પારો લગભગ માઇનસ પહોંચી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે ઝાકળનાં ટીપાં પણ ઝાડ અને ખેતરોમાં બરફ બની ગયાં છે. બીજી બાજુ, વાતાવરણ વિભાગે કાશ્મીરના 12 જિલ્લામાં બરફનું તોફાન આવે એવી શક્યતા જાહેર કરી છે.

દિલ્હીમાં ઠંડી હવાઓ સાથે જ પારો ખૂબ જ નીચે ગયો છે, સોમવારે સવારે અહીં લઘુતમ તાપમાન 1.4 ડીગ્રી નોંધાયું. વાતાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજધાનીમાં 16થી 18 સુધીમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. અહીં 16થી 21 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીનું યલો અલર્ટ, જ્યારે 19થી 21 જાન્યુઆરી સુધીમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી આવનારી 13થી વધુ ટ્રેન સમય કરતાં મોડી ચાલી રહી છે.

પહાડી રાજ્યોમાં થઈ રહેલી બરફવર્ષાને કારણે રાજસ્થાનમાં ઠંડી વધી રહી છે. રવિવારે રાતે પ્રદેશમાં સીઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. 5 શહેરનું તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે. ફતેહપુરથી સાલાસર ગામમાં ઝાકળનાં ટીપાં ઝાડ અને ખેતરમાં પાક ઉપર જામી ગયાં છે. રવિવારે માઉન્ટ આબુ દેશનાં 12 હિલ સ્ટેશનમાં સૌથી ઠંડું રહ્યું. અહીં લઘુતમ તાપમાન માઇનસ 7 ડીગ્રી નોંધાયું, જે છેલ્લાં 29 વર્ષમાં સૌથી ઓછું છે. આ પહેલાં 1994માં અહીં તાપમાન માઇનસ 7.4 ડીગ્રી રહ્યું હતું. આ સિવાય ફતેહપુરમાં તાપમાન માઇનસ 4.7, જોબનેરમાં માઇનસ 4.5, ચુરુમાં માઇનસ 2.5, નાગૌરમાં માઇનસ 2.0 ડીગ્રી રહ્યું છે.

યુપીનાં મોટા ભાગનાં શહેરોમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. વાતાવરણ વિભાગ પ્રમાણે અહીં 18 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ ઘટશે નહીં. રવિવાર-સોમવારે રાતે કાનપુરમાં લઘુતમ તાપમાન 2.6°C સાથે સૌથી વધારે ઠંડીનો રેકોર્ડ નોંધવામાં આવ્યો. ત્યાં જ આગ્રામાં તાપમાન 3.8°C નોંધવામાં આવ્યું. મથુરામાં બે દિવસની રાહત પછી ફરી ઠંડી શરૂ થઈ ગઈ છે. લઘુતમ તાપમાન 4 ડીગ્રી નોંધવામાં આવ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડીને જોતાં 8મા ધોરણ સુધીની શાળાઓમાં 17 જાન્યુઆરી સુધી રજા રાખવામાં આવી છે.

ભીષણ ઠંડી વચ્ચે જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-મધ્ય ભાગમાં છેલ્લા 48 કલાકમાં 3 વખત બરફવર્ષા થઈ છે. વાતાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં કુપવાડામાં 2000 મીટરથી ઉપરના વિસ્તારમાં બરફવર્ષા થવાની શક્યતા છે.

મધ્યપ્રદેશમાં રવિવારે લઘુતમ તાપમાન 1.4 ડીગ્રી ઘટીને 7 ડીગ્રીએ પહોંચ્યું હતું. 15 વર્ષમાં મકરસંક્રાંતિની આ સૌથી ઠંડી સવાર રહી. વાતાવરણના એક્સપર્ટે જણાવ્યું હતું કે 15 વર્ષમાં 2010, 2012 અને 2019માં મકરસંક્રાંતિએ લઘુતમ તાપમાન 7.4 ડીગ્રી નોંધવામાં આવ્યું હતું. ભોપાલ, રાયસેન, રાજગઢ, ગુના, ગ્વાલિયર સહિત 9 જિલ્લામાં પારો 7 ડીગ્રી કે એનાથી નીચે રહ્યું. ઇન્દોર સહિત 20 જિલ્લામાં તાપમાન 10 ડીગ્રીથી ઓછું રહ્યું. ભોપાલમાં દિવસનું તાપમાન સામાન્યથી 5 ડીગ્રી ઓછું 20.1 ડીગ્રી નોંધાયું. આ સીઝનનો ત્રીજો કોલ્ડ ડે રહ્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post