• Home
  • News
  • અમિત શાહના મત વિસ્તાર અને ભાજપના ગઢ ગણાતા નારણપુરા-ઘાટલોડિયામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 15 ટકા જ મત મળ્યા!
post

કોંગ્રેસ-આમ આદમી પાર્ટીને બંને વોર્ડમાં 3600થી વધુ મત નથી મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 11:19:39

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસની જગ્યાએ હવે પ્રજાએ આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે અપનાવી હોય એવું ચૂંટણીનાં પરિણામો પરથી જણાય છે. અમદાવાદમાં કોંગ્રેસ બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તાર અને ગઢ ગણાતા નારણપુરા અને ઘાટલોડિયાના મતદારોએ ભાજપને જિતાડી જ છે, પરંતુ કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીને સરખા જ મત આપ્યા છે. બંનેના ઉમેદવારને 15 ટકાથી વધુ મત નથી મળ્યા. ઘાટલોડિયા અને નારણપુરામાં કોંગ્રેસને 3600થી વધુ મતો નથી મળ્યા. ઘાટલોડિયામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચાર-ચાર ઉમેદવારમાંથી આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર કરતાં અને કોંગ્રેસના બે ઉમેદવારને આમ આદમી પાર્ટી કરતાં વધુ મત મળ્યા છે.

નારણપુરામાં AAPએ આપી કોંગ્રેસને ટક્કર
જ્યારે નારણપુરામાં આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોને કોંગ્રેસના ત્રણ ઉમેદવાર કરતાં વધુ મત મેળવ્યા છે. નારણપુરામાં કોંગ્રેસના એક ઉમેદવારને 3222થી એકપણ વધુ મત મળ્યો નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બંને વોર્ડના મતદારોએ સરખા જ મત આપ્યા છે. નારણપુરામાં આમ આદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર પુનયશા પાઠકને 3013, મિહિર પટેલને 3007 અને હિમાંશુ શાહને 2563 મત મળ્યા છે.

ઘાટલોડિયામાં AAPના અમિત પંચાલને 2853 મત મળ્યા
​​​​​​કોંગ્રેસમાં મહિલા ઉમેદવાર વર્ષા મેઘાવાલાને 2407, પ્રવીણ પટેલને 3222 અને સિદ્ધાર્થ સોનીને 2110 મત મળ્યા છે. ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના અમિત પંચાલને 2853, તરલયા વછેટાને 2730, ધર્મેશ પટેલને 3030 અને નેહા પટેલને 2459 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસનાં પૂજા પ્રજાપતિને 3528, રૂપેશ પટેલને 3560, લોપા શાહને 2889 અને સુનીલ ઠાકોરને 2784 મત મળ્યા છે. અપક્ષને 641 અને નોટાના 554 મત પડ્યા હતા.

શું આવ્યું અમદાવાદનું ચૂંટણી પરિણામ?
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 159 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 1987માં ભાજપે પહેલીવાર મ્યુનિ.માં સત્તા સંભાળ્યા પછી અત્યારસુધીની આ સૌથી મોટી જીત છે. ભાજપે નવા માપદંડ લાવી 100થી વધુ સિનિયર નેતાઓની ટિકિટ કાપી હોવા છતાં પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. ઓવૈસીના પક્ષે 7 બેઠક જીતી લઈ ખાતું ખોલાવ્યું છે. જોકે આપને એકપણ સીટ મળી નથી. અન્ય રસપ્રદ બાબત એ છે કે 192માંથી માત્ર એક અપક્ષ લાંભા વોર્ડમાંથી ચૂંટાયો છે. 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો વિજય છે. નારણપુરામાં એક ભાજપ, એક બેઠક બિનહરીફ જીત્યો છે, જ્યારે ચાર વોર્ડમાં કોંગ્રેસ અને એક વોર્ડમાં એઆઈએમઆઈએમની પેનલનો વિજય છે. ચાંદખેડા, અમરાઈવાડી, ઇન્ડિયા કોલોની, લાંભા અને મકતમપુરામાં ભાજપ, કોંગ્રેસની પેનલ તૂટી છે. સૌથી વધુ મત વસ્ત્રાલના 3 ઉમેદવારને મળ્યા છે, જેમાં અનિરુદ્ધસિંહ ઝાલાને 35142, ગીતાબેન પટેલને 33328 અને ચંદ્રિકા પટેલને 33260 વોટ મળ્યા છે.

નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને પાટીલની ટકોર, જીત્યા છો એટલે જનતાને ભૂલી ન જતા, નહિ તો અમે ધ્યાનમાં રાખીશું
ભાજપના જંગી વિજય પછી ખાનપુર કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. સભામાં પાટીલે પક્ષના નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ટકોર કરી હતી કે તમે જીત્યા છો એટલે જનતાને ભૂલી ન જતા.અહીં સભા પૂરી થયા બાદ સી. આર. પાટીલ સુરત પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે વિજય સરઘસ કાઢી જાહેરસભા સંબોધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post