• Home
  • News
  • રાજકોટમાં પ્રાચીન ગરબીમાં બાળાઓ મા મોગલના રૂપમાં રાસ રમી, હજારોની સંખ્યામાં લોકો ઊમટ્યા, માનવ મેદનીનો અદભુત નજારો
post

અહીંના પ્રખ્યાત એવા મોગલ રાસ જોવા માટે ગઇકાલે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 17:37:59

રાજકોટ: મા શક્તિની આરાધનાનુ પર્વ એટલે નવરાત્રિ. સોમવારથી શરૂ થયેલા નવરાત્રિ પર્વને જોતજોતાંમાં પાંચ દિવસ વીતી ગયા અને આજે છઠ્ઠું નોરતું છે. આમ તો માની આરાધના માટે ગમે તેટલા દિવસો હોય એ ટૂંકા જ પડે છે. અર્વાચીન ગરબાની વચ્ચે આજે પ્રાચીન ગરબીઓમાં રમતી બાળાઓના અવનવા ગરબા જોવા પણ એક અલગ લહાવો છે. બાળાઓ જાણે માતાના ખોળામાં ખૂંદતી હોય એવાં દૃશ્યો જોવા મળે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નાની-મોટી 800 જેટલી પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોરઠિયાવાડી સર્કલ નજીકની પવનપુત્ર ગરબીમાં ગઈકાલે મા મોગલના રૂપમાં બાળાઓ રાસ રમી હતી. આ રાસ જોવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. માનવ કીડિયારું ઊભરાયું એવો અદભુત નજારો જોવા મળ્યો હતો.

બાળાઓનો મોગલ રાસ જોવા લોકો દૂર દૂરથી આવ્યા
શહેરના સોરઠિયાવાડી સર્કલ નજીક આવેલી પવનપુત્ર ગરબી એ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. ગઈકાલે પાંચમા નોરતે બાળાઓએ જ્યારે મોગલમાનો રાસ રમી હતી. આ રાસ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા તેમજ રાસ દરમિયાન લોકો ગરબાની સાથે સાથે સતત તાળીઓ પાડી માતાજીની આરાધના સાથે બળાઓનો ઉત્સાહ વધારી રહ્યા હોય તેમ નજરે પડ્યા હતા.

મોગલ રાસમાં લોકો લીન થઈ માતાજીની આરાધના કરી
પવનપુત્ર ગરબીમાં 30 બાળા ગરબે રમી માતાજીની આરાધના કરે છે. અહીંના પ્રખ્યાત એવા મોગલ રાસ જોવા માટે ગઇકાલે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા. બાળાઓએ મા મોગલના પરિધાનમાં સજ્જ થઇને ઉપસ્થિત જનમેદનીને મા મોગલનાં દર્શન કરાવ્યાં હતાં. આ રાસ નિહાળનાર ઉપસ્થિત દરેક લોકોએ એક અનોખી ઊર્જાનો અનુભવ કર્યો હતો.

બાળાઓમાં મા મોગલનાં સાક્ષાત દર્શન થયાં
બાળાઓ મા મોગલની જેમ એક હાથમાં તલવાર અને એક હાથમાં સર્પ ધારણ કરી નૃત્ય નાટિકા સમાન રાસ રજૂ કરે છે. જોકે બાળાઓએ હાથમાં ધારણ કરેલો આ સર્પ પ્લાસ્ટિકનો હોય છે. તેમ છતાં બાળાઓના ભાવથી એમાં જાણે પ્રાણ પુરાયા હોય એમ આબેહૂબ માની પ્રતિકૃતિ જોઈને ઉપસ્થિત જનમેદની ભાવવિભોર બની ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ રાસની તૈયારી માટે બાળાઓ નવરાત્રિના દોઢ મહિના અગાઉથી પ્રેક્ટિસ કરતી હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post