• Home
  • News
  • દેશભરમાં માત્ર બે મહિનામાં જ 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું
post

ભાવ અને ટેક્સમાં વધારાને કારણે દાણચોરીમાં વધારો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-20 17:29:42

નવી દિલ્હી: ઊંચા ટેક્સ અને કિંમતોમાં તીવ્ર ગતિથી વધારાનાં કારણે દેશમાં સોનાની દાણચોરીમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કસ્ટમ એન્ડ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) વર્ષ 2023નાં પ્રથમ બે માસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ કુલ 916.37 કિલો સોનાનો જથ્થો પકડી પાડ્યો છે. 2022માં સમગ્ર વર્ષે 2283.38 કિલો સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. એટલે કે ગયા વર્ષે સોનાનો જે જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તે પૈકીનો 38.44 ટકા સોનાનો જથ્થો વિભાગની ટીમે માત્ર બે મહિનામાં પકડી પાડવામાં સફળતા મેળવી છે.

વિભાગ મુજબ દાણચોરો નવી નવી રીતથી વિદેશોથી સોનું લાવુ રહ્યા છે. કાયદેસર લવાતા સોના પર ત્રણ ટકા જીએસટી લાગે છે. આનાથી બચવા માટે છેલ્લા વર્ષોમાં સોનાનાં ગેરકાયદે કારોબારમાં વધારો થયો છે. 2021માં દેશમાં કુલ 2154.58 કિલો સોનાનો જથ્થો જપ્ત કરાયો હતો. 2022માં દાણચોરી 10.62 ટકા વધી હતી. રાજ્યસભામાં એક પ્રશ્નનાં જવાબમાં નાણાં મંત્રાલય તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. કેરળમાં સૌથી વધુ દાણચોરી મારફતે સોનુ લવાય છે. 2022માં 755.80 કિલો એટલે કે કુલ દાણચોરી કરીને લવાયેલા સોનાનાં જથ્થા પૈકી 35.07 ટકા માત્ર આ રાજ્યમાં જ જપ્ત કરાયો છે. મહારાષ્ટ્ર (535.65 કિલો) બીજા, તમિળનાડુ (519 કિલો) સાથે ત્રીજા સ્થાને છે.

આ કારણોને લીધે દાણચોરીમાં વધારો
સોના પર દેશમાં કુલ 18.45 ટકા ટેક્સ લાગે છે. જેમાં 12.5 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ સેસ 2.5 ટકા અને 3 ટકા GST લાગે છે. દેશમાં સોનાનું ઉત્પાદન નહિંવત છે.

સોનાનો વપરાશ 3 % ઘટ્યો આ વર્ષે 30 ટન વેચાણ વધશે
2022
માં ડિસેમ્બર સુધી સોનાનાં વપરાશમાં દેશમાં વાર્ષિક આધાર પર ત્રણ ટકાનો ઘટાડો થયો છે. આ ડિમાન્ડ ઘટીને 770 ટન સુધી પહોંચી ગઇ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આ વર્ષે આ વપરાશ વધીને 800 ટન સુધી પહોંચી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post