દુકાનોમાં પાણી ભરાયાં; હાલોલ-શામળાજી સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને
લઈને મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના
લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં
વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી 4 કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો
વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરમાં દુકાનોમાં પાણી
ઘૂસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવાં દૃશ્યો
સર્જાયાં છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
દુકાનોમાં પાણી ઘૂસ્યું
લુણાવાડાના અનેક નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર, ગોળ બજાર, વરધરી રોડ, જૂની આરટીઓ રોડ સહિતના વિસ્તારોમાં
પાણી ભરાયા છે. શહેરમાં બજારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થતાં
અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું છે. એક બાજુ વહેલી સવારે દુકાન માલિકો તેમના ઘરે ઘોર
નિદ્રામાં હતા અને બીજી બાજુ મેઘરાજાએ વહેલી સવારના ધડબડાટી બોલાવતા દુકાનોમાં
પાણી ધૂસી ગયાં હતાં. જેથી દુકાન માલિકોને માલ-સામાન સગેવગે કરવનો પણ સમય મળ્યો ન
હતો. જેને લઈ દુકાન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે
વરસાદ વિરામ લે અને દુકાનો ખૂલે પછી જ ખબર પડે કે કેટલી નુકાસાની થઈ છે.
વાહન ચાલકોને ભારે હાલાકી
અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે લુણાવાડા
શહેરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવે પર પણ પાણી ફરી વળ્યાં છે. જેના કારણે
વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે
જનજીવન પણ પ્રભાવિત થયું છે. હાલ પણ લુણાવાડા શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.