• Home
  • News
  • રાજકોટમાં DGFTના અધિકારીએ ઓફિસના ચોથા માળેથી ઝંપલાવતાં મોત, પરિવારજનો મૃતદેહ સ્વીકારતા નથી, ધરણા પર બેઠા
post

સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:13:06

રાજકોટ: રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે CBI દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એમાં અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. જોકે જાવરીમલ બિશ્નોઇએ વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવતાં ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જો કે, પરિવારે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં જ પરિવાજનો ધરણા પર બેસી ગયા છે.

બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા
ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.

લાંચ લેતા જ નહોતા, બહુ જ ઇમાનદાર હતા
મૃતક જાવરીમલ બિશ્નોઈના પરિવારજને જણાવ્યું હતું કે, અમને અમારા પરિવારના સભ્ય પાછા આપી દ્યો. આ ઘટનામાં અમારે ન્યાય જોઇએ છે. આ બહુ મોટું ષડયંત્ર છે, અમારા જાવરીમલ એવા વ્યક્તિ જ નહોતા, બહુ સારા હતા. બે દિવસથી તેને માર મારવામાં આવતો હતો. અમારી વ્યક્તિ લાંચ લેતા જ નહોતા, બહુ જ ઇમાનદાર હતા.

અહીં તો બધુ મજાક બનાવીને રાખી દીધું છે
જાવરીમલના ભાઈ સંજય બિશ્નોઈએ આક્ષેપ કર્યો હતો કે, આમાં પ્રધાનમંત્રીએ ખુદે હસ્તક્ષેપ કરવો જોઈએ. આ એક મોટું ષડયંત્ર છે, આવો મારો ગુજરાત અને કેન્દ્ર સરકાર પર ખુલ્લો આરોપ છે. એક હોનહાર અધિકારીનો જીવ લઈ લીધો. જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારીના કેસમાં પ્રધાનમંત્રીએ ખુદે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. અહીંના મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરવો જોઈએ, અહીં તો મજાક બનાવીને રાખી દીધું છે. બધા હળીમળીને એક હોનહાર અધિકારીનો જીવ લઈ લીધો. આ એક ષડયંત્ર છે તેવો મારો ખુલ્લો આરોપ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર છે. કલમ 302 હેઠળ તપાસ કરે તો CBI અધિકારીઓની પણ તપાસ થઈ જશે. કલમ 302 હેઠળ ગુનો નોંધાઇ તો બધી વાત સામે આવી જશે.

9 લાખની લાંચ માગવામાં આવી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી, પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્નોઇ દ્વારા આ મામલે NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માગવામાં આવી હતી.

પ્રથમ હપતા પેટે 5 લાખ નક્કી કર્યા
નોંધનીય છે કે ફરિયાદીના મતે આ NOC તેના માટે અતિઆવશ્યક હતું, કારણ કે તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા 50 લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું NOC જરૂરી હતું, પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્નોઇ દ્વારા રૂપિયા 9 લાખની માગણી કરતાં ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે તે પ્રથમ હપતા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપી દેશે.

ઓફિસ અને ઘર પર સર્ચ-ઓપરેશન શરૂ
ગઈકાલે શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જાવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા. બાદમાં CBI દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી અધિકારીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ તથા ઘર પર સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post