ઇજાગ્રસ્ત બાળકની માતાએ કહ્યું- મારા છોકરાને સ્કૂલ મોકલતા ડર લાગે છે
વડોદરાના વાઘોડિયા રોડ, ગુરુકુલ ચાર રસ્તા પાસે
આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસ રૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આથી
ચાલુ ક્લાસ રૂમમાંથી બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ
ફ્લોર પર પટકાયા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે, જ્યારે અન્યોને
પ્રાથમિક સારવાર બાદ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ફાયર
વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં અને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જ્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ
ઘટનામાં કપૂરાઈ પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાની જાણવાજોગ ફરિયાદ લીધી છે
અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હું તો એકદમ ગભરાય ગઈ
હતીઃ ઈજાગ્રસ્ત બાળકના માતા
ઈજાગ્રસ્ત બાળકના માતા શીલાબેને જણાવ્યું હતું કે, એકદમ મેડમનો ફોન આવ્યો, અમને નહોતું કહ્યું કે, આવું બન્યું છે. મારા
દીકરાને માથામાં ત્રણ ટાંકા આવ્યા છે. હું સ્કૂલે પહોંચી ત્યારે સ્થિતિ એકદમ ગંભીર
હતી. અમે તો ગભરાય ગયા હતા. હું મારા દીકરાને સ્કૂલ મોકલીશ જ નહીં. હું મેડમને ના
જ કહીને આવી છું કે, મારા છોકરાને સ્કૂલે નહીં મોકલું. ડર તો લાગેને આખી દીવાલ પડી ગઈ. બચી ગયો...
કારણ કે, પહેલા સ્બેલ પડ્યો અને પછી એ ઉપર પડ્યો. આવી બે-ત્રણ બેગ હતી તેના ઉપર એ
પડ્યો. સાથે બેન્ચ હતી, પહેલા બેન્ચ ઉભી કરી પછી એ ઉભો થયો છે. મારો દીકરો 7માં ધોરણમાં ભણે છે.
મને બપોરે 1.15 વાગ્યે જાણ થઈ હતી. હું અને ધૈર્યના પપ્પા સ્કૂલે ગયા હતા. હું તો એકદમ ગભરાઇ
ગઈ હતી.
સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ઈજાગ્રસ્ત બાળકના ઘરે પહોંચી
સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ઈજાગ્રસ્ત બાળક
ધૈર્યના ઘરે પહોંચી છે. સિમિતિના દિપાલી શાહે જણાવ્યું હતું કે, ગઈકાલે નારાયણ સ્કૂલમાં બનાવ
બન્યો છે. જેમાં ધૈર્ય સુથાર નામના વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. એટલા માટે અમે
તેના ઘરે મળવા આવ્યા હતા. તેના માતા સાથે અમે વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું
કે, તમને સ્કૂલ તરફથી કેવો સાથ
સહકાર છે કે કેવો રિસ્પોન્સ છે. તો તેઓએ જણાવ્યું હતું કે. તેમને પૂરેપૂરો સાથ
સહકાર છે. મેડિલક સહાય પણ આપવા તૈયાર છે. સ્કૂલવાળા જ વિદ્યાર્થીને હોસ્પિટલ
સારવાર માટે લઈ ગયા હતા. આ બધો સાથ સહકાર સ્કૂલવાળાએ આપ્યો છે. અમે ધૈર્ય સુથારના
પરિવારને કહ્યું છે કે, તમને જ્યારે જરૂર પડે ત્યારે અમે મદદ કરવા તૈયાર છીએ.