• Home
  • News
  • અધૂરી પ્રેમકહાની:અમદાવાદમાં બેંક-મેનેજર યુવતીને રિક્ષાચાલક સાથે પ્રેમ થયો, પ્રેમીએ દારૂ પીને જાહેરમાં મારઝૂડ કરી, સગાઈના 15 દિવસ પહેલાં જ સંબંધ તૂટ્યો
post

પ્રેમી શંકાશીલ હોવા છતાં પતિ બનાવવા માટે યુવતીએ માતા-પિતાને મનાવી સગાઈ નક્કી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-02 11:33:43

અમદાવાદ શહેરમાં દરરોજ નોકરીએ જવા બેન્ક-મેનેજર યુવતીને તે જે રિક્ષામાં જતી હતી તે ગરીબ રિક્ષાચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીએ તેને દરેક રીતે સાથ આપી લગ્ન કરવા પરિવારને મનાવી લીધો હતો, પરંતુ યુવકના દારૂ પીવાની ટેવ અને શંકાએ સગાઈના 15 દિવસ પહેલાં જ બંનેની પ્રેમકહાનીનો અંત લાવી દીધો છે. યુવતીએ યુવકની આ ટેવથી કંટાળી પીછો ન કરવા અને સંબંધ ન રાખવા કહ્યું છતાં પીછો કરતાં યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી અને એની ટીમે યુવકને સમજાવીને સમાધાન કરાવ્યું હતું.

રિક્ષાચાલક સાથે બેંક-મેનેજરને પ્રેમ થઈ ગયો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી સ્નેહા (નામ બદલ્યું છે) ખાનગી બેંકમાં નોકરી કરે છે. દરરોજ રિક્ષામાં નોકરી જતી હતી. તેના ઘરની પાસે જ ઉમંગ નામનો રિક્ષાચાલક ઊભો રહેતો અને તેની જ રિક્ષામાં સ્નેહા જતી હતી. સમય જતાં બંને વચ્ચે વાતચીત અને નંબરોની આપ-લે થતાં વાતો શરૂ થઈ હતી. બંનેના વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સ્નેહા પોતે સારી પોસ્ટ અને સારો પગાર ધરાવતી હોવાથી કીમતી મોબાઈલ અને ચીજવસ્તુઓ પણ ઉમંગને લઇ આપ્યાં હતાં. જોકે બંને વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ હતી. ઝઘડા દરમિયાન ઉમંગ સ્નેહાને તેના ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકી વાઇરલ કરવાની ધમકીઓ પણ આપતો હતો.

રિક્ષાચાલક નશાની ટેવ ધરાવતો હતો
ઉમંગ ધીરે ધીરે દારૂ પીવાની ટેવ ધરાવતો થઈ ગયો હતો અને ઝઘડા કરી મારઝૂડ પણ કરતો હતો. ઉમંગના આટલા ત્રાસ અને ઝઘડા છતાં પ્રેમ કરનારી સ્નેહાએ ઉમંગ લગ્ન બાદ સુધરી જશેે એવી આશા સાથે તેનાં માતા-પિતાને ઉમંગ સાથે લગ્ન કરવા માટે મનાવી લીધાં હતાં. 15 દિવસ બાદ તેમની સગાઈ પણ નક્કી હતી. દરમિયાન જ્યારે સ્નેહા નોકરીએથી ઘરે જતી હતી ત્યારે ફોન પર તેના મિત્ર સાથે વાતચીત કરતી હતી. ત્યારે ઉમંગ દારૂ પીધેલી હાલતમાં રિક્ષા લઈને આવ્યો હતો. જાહેરમાં જ તે સ્નેહાનો મોબાઈલ લઇને તોડી નાખી તેની સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો.

પ્રેમિકાએ સંબંધ તોડી નાખ્યો, પણ રિક્ષાચાલકે પીછો શરૂ કર્યો
જાહેરમાં આવા વર્તન અને શંકાથી કંટાળી સ્નેહાએ ઉમંગ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હોવાનું કહી દીધું હતું છતાં ઉમંગ તેનો અવારનવાર પીછો કરી રોકતો હતો, જેથી કંટાળી સ્નેહાએ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમ ત્યાં આવી હતી. હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને યુવકને સમજાવ્યો હતો કે જો સ્નેહા સંબંધ રાખવા નથી માગતી તો દબાણ ન કરી શકે. કોઈ યુવતીના ફોટો વાઇરલ કરવા બદલ સાયબર ક્રાઇમનો ગુનો બને છે. તેનો પીછો કરવાથી પણ છેડતીની ફરિયાદ દાખલ થઈ શકે છે. સ્નેહાએ ફરિયાદ કરવાની ના પાડતાં ઉમંગને સમજાવી લેખિત બાંયધરી લઈ હેલ્પલાઇનની ટીમે સમાધાન કરાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post