• Home
  • News
  • ઓસ્ટ્રેલિયા પ્રથમ વનડે 66 રને જીત્યું:289 દિવસ પછી મેદાન પર પરત ફરી ટીમ ઇન્ડિયા, કોહલીનું સિડનીમાં ખરાબ પ્રદર્શન જારી
post

વોર્નરની વનડેમાં 22મી ફિફટી, ફિન્ચ સાથે 156 રનની ભાગીદારી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 13:13:37

ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે ભારતને 66 રને હરાવ્યું છે. 375 રનનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ કરી શકી હતી. હાર્દિક પંડ્યા અને શિખર ધવને પોતાના કરિયરની પાંચમી અને 30મી ફિફટી ફટકારતા અનુક્રમે 90 અને 74 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (21), લોકેશ રાહુલ (12) અને શ્રેયસ ઐયરે (2) નિરાશ કર્યા. કાંગારું માટે એડમ ઝામ્પાએ 4, જોશ હેઝલવુડે 3 વિકેટ અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી.

ત્રણ મેચની સીરિઝમાં ભારત 0-1થી પાછળ છે અને વિરાટ સેનાએ હવે સીરિઝ જીતવા માટે બાકીની બંને વનડે જીતવી પડશે. કોહલીનું સિડનીમાં ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું છે. તેણે આ મેદાન પર 6 મેચમાં 57 રન બનાવ્યા છે. આ મેચ પહેલાં તેણે અહીં 5 મેચમાં 21, 3, 1, 8 અને 3 રન બનાવ્યા હતા.

IPLમાં ફ્લોપ રહેલા સ્ટાર્સ ઇન્ટરનેશનલમાં હિટ
આજની મેચમાં આરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, જોશ હેઝલવુડ અને એડમ ઝામ્પાએ ઓસ્ટ્રેલિયાની જીતમાં અગત્યની ભૂમિકા ભજવી. જોકે, તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્લોપ રહ્યા હતા. સ્મિથે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે 25ની એવરેજથી 311 રન કર્યા હતા. જ્યારે ફિન્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે 22.33ની એવરેજથી 268 રન કર્યા હતા. તેને તો બેંગલોરે ટીમમાંથી ડ્રોપ પણ કર્યો હતો. જ્યારે બોલિંગની વાત કરીએ તો એડમ ઝામ્પાએ 3 મેચમાં 8.36ની ઈકોનોમીથી રન આપતા 2 વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડને તો 3 મેચમાં માત્ર 1 વિકેટ મળી હતી.

હાર્દિકે 90 રન કર્યા
હાર્દિક પંડ્યાએ પોતાના વનડે કરિયરનો શ્રેષ્ઠ કરતા 76 બોલમાં 7 ફોર અને 4 સિક્સની મદદથી 90 રન કર્યા હતા. તે ઝામ્પાની બોલિંગમાં લોન્ગ-ઓન પર સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. આ તેની વનડે કરિયરમાં પાંચમી ફિફટી હતી.

ધવનની વનડેમાં 30મી ફિફટી
શિખર ધવન એડમ ઝામ્પાની બોલિંગમાં મીડ-ઓફ પર સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાના વનડે કરિયરની 30મી ફિફટી ફટકારતા 86 બોલમાં 10 ફોરની મદદથી 74 રન કર્યા હતા. તેમજ હાર્દિક સાથે પાંચમી વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી.

સૌથી ઓછા બોલમાં 1 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન:

·         767 બોલ: આન્દ્રે રસેલ

·         807 બોલ: લુક રોંકી

·         834 બોલ: શાહિદ આફ્રિદી

·         854 બોલ: કોરી એન્ડરસન

·         857 બોલ: હાર્દિક પંડ્યા

રાહુલ ફૂલટોસમાં આઉટ થયો!
લોકેશ રાહુલ ઝામ્પાની બોલિંગમાં ફૂલટોસ પર કવર્સમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલ આ બોલને ગમે ત્યાં મારી શકે એમ હતો પરંતુ તેણે ફિલ્ડરના હાથમાં જ શોટ માર્યો હતો. તેણે 15 બોલમાં 1 ફોરની મદદથી 12 રન કર્યા હતા.

હેઝલવુડે એક જ ઓવરમાં કોહલી અને ઐયરને આઉટ કર્યા વિરાટ કોહલી જોશ હેઝલવુડની બોલિંગમાં શોર્ટ-મિડવિકેટ પર ફિન્ચના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 21 રન કર્યા હતા. તે પછી શ્રેયસ ઐયર 2 રને હેઝલવુડના શોર્ટ બોલમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો.

કોહલીને 1 રને જીવનદાન: વિરાટ 1 રને રમી રહ્યો હતો ત્યારે કમિન્સની બોલિંગમાં ફાઈન લેગ પર એડમ ઝામ્પાએ તેનો સરળ કેચ છોડ્યો હતો.

શિખર અને મયંકની 53 રનની ભાગીદારી
મયંક અગ્રવાલ જોશ હેઝલવુડની બોલિંગમાં કવર્સ પોઇન્ટ પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા. તેમજ શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 5.2 ઓવરમાં 53 રનની ભાગીદારી કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ 375 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 374 રન કર્યા છે. આ ભારત સામે વનડેમાં રજિસ્ટર થયેલો ત્રીજો સર્વાધિક સ્કોર છે. તેમના માટે કેપ્ટન આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથે અનુક્રમે પોતાના વનડે કરિયરની 10મી અને 17મી સેન્ચુરી મારી. ફિન્ચે 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની 114 રન કર્યા, જ્યારે સ્મિથે 66 બોલમાં 11 ફોર અને 4 સિક્સની મદદથી 105 રન કર્યા. સ્મિથ માત્ર 62 બોલમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી હતો. તે સિવાય ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 3, જ્યારે જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી.

ભારત સામે વનડેમાં હાઈએસ્ટ ટોટલ:

·         438/4 સાઉથ આફ્રિકા, વાનખેડે 2015

·         411/8 શ્રીલંકા, રાજકોટ 2009

·         374/6 ઓસ્ટ્રેલિયા, સિડની 2020 *

ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સૌથી ઝડપી સદી:

·         51 બોલ: ગ્લેન મેક્સવેલ vs શ્રીલંકા, સિડની 2015

·         57 બોલ: જેમ્સ ફોકનર vs ઇન્ડિયા, બેંગ્લુરુ 2013

·         62 બોલ: સ્ટીવ સ્મિથ vs ઇન્ડિયા, સિડની 2020 *

મેક્સવેલની તોફાની ઇનિંગ્સ, 19 બોલમાં 45 રન કર્યા

માર્કસ સ્ટોઈનિસ શૂન્ય રને ચહલની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તે ગોલ્ડન ડક સાથે એટલે કે પહેલા બોલે જ આઉટ થયો. તે પછી ગ્લેન મેક્સવેલે તોફાની ઇનિંગ્સ રમતા 19 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 45 રન કર્યા હતા. તે શમીની બોલિંગમાં લોન્ગ-ઓન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

આરોન ફિન્ચની વનડેમાં 17મી સદી
આરોન ફિન્ચે કપ્તાની ઇનિંગ્સ રમતા 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની 114 રન કર્યા હતા. આ તેની વનડેમાં 17મી, કપ્તાન તરીકે છઠ્ઠી, ભારત સામે ચોથી અને સિડની ખાતેની પ્રથમ સદી છે. તે જસપ્રીત બુમરાહની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તેને સ્મિથ સાથે બીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી.

રિવ્યૂ લઈને સ્મિથ બચ્યો
સ્ટીવ સ્મિથ 15 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં અમ્પાયરે તેને LBW આઉટ આપ્યો હતો. જોકે, સ્મિથે રિવ્યૂ લીધો હતો અને રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, બોલ સ્ટમ્પને મિસ કરી રહ્યો હતો. આમ સ્મિથ રિવ્યૂ લઈને બચ્યો.

એક વનડેમાં સૌથી વધુ રન આપનાર ભારતીય સ્પિનર

·         89 રન: યુઝવેન્દ્ર ચહલ vs ઓસ્ટ્રેલિયા, સિડની 2020 *

·         88 રન: યુઝવેન્દ્ર ચહલ vs ઇંગ્લેન્ડ, એજબસ્ટન 2019

·         85 રન: પિયુષ ચાવલા vs પાકિસ્તાન, મીરપુર 2008

·         84 રન: કુલદીપ યાદવ vs ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન 2020

વનડેમાં એક ટીમ સામે સૌથી વધુ વખત 150+ રનની ભાગીદારી:

·         4 વખત: ફિન્ચ-વોર્નર vs ભારત

·         3 વખત: રોહિત-કોહલી vs શ્રીલંકા

·         3 વખત: રોહિત- શિખર vs ઓસ્ટ્રેલિયા

વોર્નરની વનડેમાં 22મી ફિફટી, ફિન્ચ સાથે 156 રનની ભાગીદારી કરી
ડેવિડ વોર્નરે ટીમને સારી શરૂઆત અપાવતા 76 બોલમાં 6 ફોરની મદદથી 69 રન કર્યા હતા. આ તેના વનડે કરિયરની 22મી ફિફટી હતી. તે શમીની બોલિંગમાં કીપર રાહુલ દ્વારા કેચ આઉટ થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે નોટઆઉટ આપતા ભારતે રિવ્યૂ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

મેચ દરમિયાન એક વ્યક્તિએ મેદાનમાં ઘુસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો. તેના હાથમાં એક પ્લે-કાર્ડ હતું, જેના પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયન (લગભગ 7389 કરોડ રૂપિયા)ની લોન ન આપે તેવું લખ્યું હતું.

ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સૌથી વધુ વખત 100 રનની ભાગીદારી:

·         16 - ગિલક્રિસ્ટ અને હેડન

·         11 - ક્લાર્ક અને પોન્ટિંગ

·         11 - ફિન્ચ અને વોર્નર

ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી 5 હજાર રન કરનાર પ્લેયર્સ:

·         115 ઇનિંગ્સ- ડેવિડ વોર્નર

·         126 ઇનિંગ્સ- આરોન ફિન્ચ*

·         128 ઇનિંગ્સ- ડીન જોન્સ