• Home
  • News
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટૂર્નામેન્ટની પહેલી મેચ, ટીમ ઇન્ડિયા પાસે પહેલીવાર ટાઇટલ જીતવાની તક
post

ઓસ્ટ્રેલિયા 4 વખત ચેમ્પિયન બન્યું છે, ભારતીય ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-21 11:54:04

મહિલા T-20 વર્લ્ડ કપના મુકાબલા આજથી શરૂ થશે. પહેલી મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમે છેલ્લા બંને વર્લ્ડ કપના તેમના ઓપનિંગ મુકાબલા જીત્યા હતા. આ મહિને બંને ટીમ વચ્ચે આ ચોથી ટક્કર છે. અગાઉની 3 મેચમાંથી ઓસ્ટ્રેલિયા 2 જ્યારે ભારત 1 મેચ જીત્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ચાર વખત વર્લ્ડ કપ જીત્યા છે જ્યારે ભારતીય ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લઇ રહી છે. ફાઇનલ 8 માર્ચે રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 3 મુકાબલા થયા છે, જેમાંથી 2 ઓસ્ટ્રેલિયા અને 1 ભારત જીત્યું છે. ઓવરઓલ બંને વચ્ચે 18 મુકાબલા રમાયા છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 13 અને ભારતે 5 જીત્યા છે.

કેપ્ટન મેગ લેનિંગના નામે સૌથી વધુ 414 રન, પેરીએ 21 વિકેટ લીધી છે
ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ભારત વિરુદ્ધ T-20માં સૌથી વધુ 414 રન કર્યા છે. બેથ મુનીએ 308 તથા એલિસા હીલીએ 230 રન કર્યા છે. પેસ બોલર એલિસ પેરીએ સૌથી વધુ 21 વિકેટ લીધી છે. ડાબોડી સ્પિનર જેસ જોનાસેને 11 વિકેટ લીધી છે. જોનાસેન સારી બેટિંગ પણ કરે છે, જેથી તે ટીમની સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ પૈકી એક છે. પેસ બોલર મેગન સ્કટને પણ 9 વિકેટ મળી છે.

ઓપનર સ્મૃતિ મંધાનાની સૌથી વધુ અર્ધસદી, સ્પિનર રાજેશ્વરીએ સૌથી વધુ વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયા સામે T-20માં ભારત તરફથી હરમનપ્રીતે 17 ઇનિંગ્સમાં 415, સ્મૃતિ મંધાનાએ 9 ઇનિંગ્સમાં 374 જ્યારે શેફાલીએ 3 ઇનિંગ્સમાં 64 રન કર્યા છે. ત્રિકોણીય શ્રેણીની એક મેચમાં ઓપનર શેફાલીએ 49 રનની આક્રમક ઇનિંગ્સ પણ રમી હતી. બોલિંગની વાત કરીએ તો ડાબોડી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડે 9 વિકેટ લીધી છે. ઓફ સ્પિનર દીપ્તિએ 8 તથા લેગ સ્પિનર પૂનમે 7 વિકેટ લીધી.

આપણે એક-બે ખેલાડી પર નિર્ભર ન રહી શકીએ, બધાએ રમવું પડશે: હરમનપ્રીત
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે આપણે એક-બે પ્લેયર પર નિર્ભર ન રહી શકીએ. બધાએ મળીને સતત સારું પ્રદર્શન કરવું પડશે. ગત ટુર્નામેન્ટમાંથી અમે આ શીખ્યા છીએ. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ જીતવા બધાએ ભેગા મળીને રમવું પડશે. શેફાલી અને જેમિમા જેવી યુવા પ્લેયર્સ કોઇ પ્રેશર વિના રમશે.

સૌથી મોટું અંતર | ઓસ્ટ્રેલિયા દરેક ઓવરમાં ભારતથી 1 રન વધુ બનાવે છે
ટી20ના છેલ્લાં 4 વર્ષના આંકડા જોઇએ તો ઓસ્ટ્રેલિયાએ દરેક ઓવરમાં 8ની સરેરાશથી રન કર્યા છે જ્યારે ભારતીય ટીમે 7ની સરેરાશથી. ટી20માં સ્ટ્રાઇક રેટ બહુ મહત્ત્વનો હોય છે. એવામાં ભારતીય ટીમને ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના પાસેથી સારી બેટિંગની આશા હશે. બંને પ્લેયર ઝડપી રન બનાવે છે. બોલિંગની વાત કરીએ તો બંને ટીમને દર 19મા બોલે એક વિકેટ મળે છે. 4 વર્ષમાં ભારતે 62માંથી 36 જ્યારે ઓસ્ટ્રેલિયાએ 50માંથી 35 T-20 મેચ જીતી છે.

ભારતે ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમવાની છે
ભારત A ગ્રુપમાં છે. લીગ સ્ટેજમાં તેને 4 મેચ રમવાની છે. તેની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેથી થશે. તે પછી ભારત 24 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ, 27 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ અને 29 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે ટકરાશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post