• Home
  • News
  • કોરોના સામે મોટું યુદ્ધ લડી રહ્યું છે ભારત, મિત્ર દેશે 2 વિમાન ભરીને મેડિકલ મદદ મોકલી
post

સંકટકાળમાં ભારતના જૂના ભરોસાપાત્ર મિત્ર રશિયાએ એકવાર ફરીથી ગાઢ મિત્રતાનો પરચો આપી દીધો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-29 11:41:48

નવી દિલ્હી: સંકટકાળમાં ભારતના જૂના ભરોસાપાત્ર મિત્ર રશિયાએ એકવાર ફરીથી ગાઢ મિત્રતાનો પરચો આપી દીધો છે. રશિયાએ કોરોના મહામારીને પહોંચી વળવા માટે અત્યંત જરૂરી મેડિકલ ઉપકરણોથી ભરેલા બે વિમાનો ભારત મોકલ્યા છે. જે ગુરુવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા. 

મળતી માહિતી મુજબ રશિયાથી આવેલી સ્પેશિયલ ફ્લાઈટ્સમાં 20 ઓક્સિજન કન્સેન્ટ્રેટર, 75 વેન્ટિલેટર્સ, 150 બેડસાઈડ મોનિટર્સ, અને દવાઓ સામેલ છે. બધુ મળીને 22 મેટ્રિક ટન રાહત સામગ્રી ભારત મોકલાઈ છે. જેને હવે કોરોના સામે ઝઝૂમી રહેલા દેશના વિભિન્ન રાજ્યોને મોકલી આપવામાં આવશે. 

પુતિન અને મોદી વચ્ચે થઈ હતી વાતચીત
રશિયાએ આ મદદ બુધવારે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી ફોન પર વાતચીત બાદ મોકલી. બંને નેતાઓએ આ વાતચીત આમ તો ભારતમાં કોરોના મહામારીના પ્રકોપ પર કરી હતી પરંતુ તેમાં બને દેશો સંબંધિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરાઈ હતી. 

આ વાતચીત બાદ પીએમઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કોલ કરીને આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ ભારતને મદદ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. આ બાજુ રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કોરોનાને પહોંચી વળવા માટે મોદી સરકારને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું. આ સાથે જ તેમણે જણાવ્યું કે ભારતની મદદ માટે તેઓ ઈમરજન્સી હેલ્પ મોકલી રહ્યા છે. 

આગામી મહિને રશિયાની વેક્સીન ભારત પહોંચશે
વાતચીતમાં રશિયાની કોરોના રસી સ્પૂતનિક વી ઉપર પણ ચર્ચા થઈ. આ રસીની પહેલી ખેપ આગામી મહિને ભારત પહોંચવાની છે. કોવિશીલ્ડ અને કોવેક્સીન બાદ ભારત પાસે આ ત્રીજી રસી હશે. જેના કારણે ભારતમાં ચાલતા રસીકરણ અભિયાનને વેગ મળશે. સમજૂતિ હેઠળ ભારતમાં Sputnik V નું નિર્માણ કરાશે. 

આ દેશોએ પણ મદદની કરી જાહેરાત
અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્સમબર્ગ, સિંગાપુર, પોર્ટુગલ, સ્વિડન, ન્યૂઝીલેન્ડ, કુવૈત, મોરીશિયસ સહિત અનેક પ્રમુખ દેશોએ ભારતને કોરોના સામે લડવા માટે મેડિકલ મદદની જાહેરાત કરી છે. સિંગાપુરે મંગળવારે ભારતને 256 ઓક્સીજન સિલિન્ડર્સની આપૂર્તિ કરી. નોર્વે સરકારે ભારતમાં કોરોનાથી પીડિત લોકોને મેડિકલ સેવા માટે 24 લાખ અમેરિકી ડોલરની મદદની જાહેરાત કરી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post