• Home
  • News
  • ભારતે કહ્યું- US-પાકિસ્તાનના સંબંધો બિલકુલ ફાયદાકારક નથી:F-16 પેકેજ આપવા પર જયશંકરે કહ્યું- તમે સ્પષ્ટતા આપીને કોઈને મૂર્ખ ન બનાવી શકો
post

જયશંકર આગામી 3 દિવસ વોશિંગ્ટનમાં રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-26 18:51:27

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર સવાલો ઉઠાવ્યા છે. વોશિંગ્ટનમાં યોજાયેલા ઈન્ડિયન- અમેરિકન કોમ્યુનિટીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ઈસ્લામાબાદના વોશિંગટન સાથેના સંબંધો અમેરિકાના હિતમાં નથી.

જયશંકરે કહ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોથી ન તો પાકિસ્તાનને ફાયદો થયો છે તો ન તો અમેરિકાને. હવે USએ આ બાબતે ચિંતન કરવું જોઈએ કે પાકિસ્તાન સાથે સંબંધો જાળવી રાખીને અમેરિકાને શું ફાયદો થશે. બંને દેશના સંબંધો આવનારા સમયમાં કેટલા મજબૂત અને ફાયદાકારક બની શકે છે એનો વિચાર કરવો જોઈએ. તેમનું આ નિવેદન પાકિસ્તાનને F-16 ફાઈટર જેટની જાળવણી માટે આપવામાં આવેલા પેકેજ બાદ સામે આવ્યું છે.

બાઇડને પલટાવ્યો હતો ટ્રમ્પનો નિર્ણય
અમેરિકાએ 8 સપ્ટેમ્બરે પાકિસ્તાનને F-16 ફાઇટર જેટની જાળવણી માટે 45 કરોડ ડોલર એટલે 3,581 કરોડ આપવાની મંજૂરી આપી હતી. આ છેલ્લાં ચાર વર્ષમાં ઇસ્લામાબાદને આપવામાં આવેલી સૌથી મોટી સુરક્ષા સહાયતા હતી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં પાકિસ્તાનને આપેલી બે અબજ ડોલરની નાણાકીય સહાય પર પ્રતિબંધ મૂક્યો હતો.

PAKને આપેલી ભેટ પર અમેરિકાની સ્પષ્ટતા
F-16
ફાઇટર જેટની જાળવણી માટે આપવામાં આવેલા પેકેજની ભારતમાં ભારે ટીકા થઈ હતી. એના પર અમેરિકી સરકારે કહ્યું હતું કે આવું કરીને પાકિસ્તાનને મદદ નથી કરી રહ્યા, પરંતુ અત્યારના F-16 માટે સ્પેરપાર્ટસનું વેચાણ કર્યું છે. આ કાર્ય આતંકવાદને રોકવા માટે કરવામાં આવ્યું છે. અમેરિકાના મદદનીશ વિદેશમંત્રી ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે- અમેરિકાની વર્લ્ડવાઇડ પોલિસી છે કે જયારે તે કોઈ દેશને ડિફેન્સ ઇક્વિપમેન્ટ આપે છે ત્યારે તે જાળવણીથી લઈ અંત સુધી બાકીનો સહયોગ પણ આપે છે. અમે ફાઇટર જેટની વિંગ્સ અને ઇક્વિપમેન્ટ સર્વિસિંગની વાત કરી છે. એવામાં એ એક વેચાણ છે, મદદ નથી.

સ્પષ્ટતા આપીને મૂર્ખ ન સમજો- જયશંકર
અમેરિકાએ સ્પષ્ટતા પર વિદેશમંત્રી જયશંકરે કહ્યું- જો તમે કહો છો કે આતંકવાદને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, તો તમે આવું કહીને કોઈને મૂર્ખ ન બનાવી શકો, કારણ કે તમે F-16 જેવાં શક્તિશાળી વિમાનની વાત કરી રહ્યા છો, તમે જાણો જ છો કે આ વિમાનને કયાં તહેનાત કરવામાં આવી શકે છે અને એનાથી કેટલો વિનાશ સર્જાઈ શકે છે.

જયશંકર આગામી 3 દિવસ વોશિંગ્ટનમાં રહેશે
વિદેશમંત્રી એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 77મા સત્રમાં ભાગ લેવા માટે 18 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્કમાં આયોજિત UNGAની બેઠક પૂરી થયા બાદ તેઓ 25 સપ્ટેમ્બરે વોશિંગ્ટન પહોંચ્યા હતા. જયશંકર 28 સપ્ટેમ્બર સુધી અહીં રહેશે. આ દરમિયાન તેઓ અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન સાથે વાતચીત પણ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post