• Home
  • News
  • રોહિતે રાજકોટમાં રંગ જમાવતાં 43 બોલમાં 85 રન ફટકાર્યા, ભારત 8 વિકેટે જીત્યું, સીરિઝ 1-1થી લેવલ થઈ
post

બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 153 રન કર્યા, ભારતે 26 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 09:16:25

રાજકોટ : ભારતીય કપ્તાન રોહિત શર્માએ પોતાની 100મી ટી20માં 43 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ્સ રમીને સૌરાષ્ટ્ર ક્રિકટ એસોસિયેશન ખાતે બાંગ્લાદેશને વિકેટે હરાવ્યું હતું. 154 રનનો પીછો કરતાં ભારતે માત્ર 15.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રોહિતે પોતાની આગવી શૈલીથી બેટિંગ કરતાં 23 બોલમાં ફિફટી પૂરી કરી હતી. તેણે બાંગ્લાદેશના તમામ બોલર્સને જાણે સ્કૂલના બાળકો સામે બેટિંગ કરતો હોય તેમ ગ્રાઉન્ડની ચારેય બાજુ ફટકાર્યા હતા. આ જીત સાથે ભારતે સીરીઝને 1-1ની બરોબરી પર લાવી દીધી છે. અંતિમ મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે.


રોહિતે ઇનિંગ્સમાં 6 ફોર અને 6 સિક્સ મારી હતી. તેણે મોસદેક હુસેનની 10મી ઓવરમાં સતત ત્રણ ગગનચુંબી છગ્ગા માર્યા હતા. ટી20માં એક ઇનિંગ્સની પહેલી 10 ઓવરમાં સૌથી વધુ રન મારવાનો તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. ગેલે 2015માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 10 ઓવરના અંતે 75* રન કર્યા હતા. રોહિતે આજે તે તબક્કે 79* રન ફટકાર્યા હતા.


-શિખર-રોહિતે રેકોર્ડ ચોથી વાર 100+ રનની પાર્ટનરશીપ કરી  : 


રોહિત અને શિખર ધવને ટી20માં રેકોર્ડ ચોથી વાર 100+ રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. આ પહેલા ચાર જોડીએ ટી20માં ત્રણ વાર 100થી વધુ રનની પાર્ટનરશીપ કરી હતી. રોહિત અને શિખરે પ્રથમ વિકેટ માટે 118 રન જોડ્યા હતા. તેમણે પાવરપ્લેમાં 63 રન કર્યા હતા. ધવન 27 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો. ઇનિંગ્સના અંતે શ્રેયસ ઐયર 24 અને લોકેશ રાહુલ 8 રને રમી રહ્યા હતા. બાંગ્લાદેશ માટે અમીનુલ ઇસ્લામે બંને વિકેટ લીધી હતી.


બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 6 વિકેટે 153 રન કર્યા હતા. ઓપનર્સે વિના વિકેટે 60 રનની શરૂઆત આપ્યા પછી સ્પિન સામે આખી ટીમ ઝઝૂમતા તેઓ મોટો સ્કોર કરી શક્યા ન હતા. ભારત માટે યૂઝવેન્દ્ર ચહલે 2, જ્યારે સુંદર, ખલીલ અહેમદ અને દિપક ચહરે 1-1 વિકેટ લીધી હતી.

 

-પંતની બેઝિક ભૂલ, રોહિતનો ડ્રોપ છતાં દાસે મોટો સ્કોર ન કર્યો : 
મહેમાન ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 54 રન કર્યા હતા. નઇમે આ દરમિયાન 20 બોલમાં 27 અને દાસે 17 બોલમાં 26 રન કર્યા હતા. 6થી ઓવરમાં દાસ 17 રને રમી રહ્યો હતો ત્યારે ચહલની બોલિંગમાં પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. જોકે પંતે બોલ સ્ટમ્પને ક્રોસ કરે તે પહેલા કલેક્ટ કર્યો હતો. દાસ પાછો ફર્યો હતો અને તેને ફ્રી હીટ પણ મળી હતી. તે પછી સુંદરની બોલિંગમાં 26 રને રોહિતે સ્કવેર લેગ પર ફરીથી તેનો કેચ છોડ્યો હતો. જોકે નસીબનો જુગાર રમતો દાસ 29 રને પેવેલિયન ભેગો થયો હતો. ચહલની બીજી ઓવરમાં પંતે જ તેને રનઆઉટ કરીને રાહતનો શ્વાસ લીધો હતો. પ્રથમ વિકેટ માટે બાંગ્લા ઓપનર્સે 44 બોલમાં 60 રન કર્યા હતા.


ચહલે એક જ ઓવરમાં રહીમ અને સરકારને આઉટ કરીને બાંગ્લાની કમર તોડી :


ઓપનર મોહમ્મદ નઇમે 31 બોલમાં 5 ચોક્કાની મદદથી 36 રન કર્યા હતા. જોકે તેના આઉટ થયા પછી બાંગ્લાદેશની ટીમ મિડ ઓવર્સમાં પાણીમાં બેસી ગઈ હતી હતી. પ્રથમ મેચનો હીરો મુશફિકર રહીમ ફ્લોપ રહ્યો હતો. તેણે 6 બોલમાં 4 રન કર્યા હતા. ચહલની બોલિંગમાં કૃણાલે ડીપમાં તેનો સરળ કેચ કર્યો હતો. મહેમાન ટીમે 6થી 13 ઓવરમાં 49 રન કરીને 4 વિકેટ ગુમાવી દીધી હતી. રહીમ પછી તે જ ઓવરમાં ચહલે સરકારને પંતના હાથે સ્ટમ્પ કરાવ્યો હતો. જાઇન્ટ સ્ક્રીન પર નોટઆઉટ લખેલું આવતા રોહિત અને આખું રાજકોટ ગુસ્સે ભરાઈ ગયું હતું. જોકે પછી ખબર પડી હતી કે તે ટેક્નિકલ ફોલ્ટ હતો. સૌમ્ય સરકારે 20 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.


- ખલીલ એક્સપેન્સિવ અહેમદ : 
ગઈ મેચમાં બાંગ્લાદેશને 2 ઓવરમાં 22 રનની જરૂર હતી ત્યારે મહેમાન ટીમે ખલીલ અહેમદની પેંલ્ટીમેટ ઓવરમાં 16 રન મારીને મેચ પોતાના નામે કરી હતી. આજે પણ ખલીલની પહેલી અને ઇનિંગ્સની બીજી ઓવરમાં 14 રન લઇને તેમણે ડાબોડી પેસરને લય મેળવવા દીધી ન હતી. મોહમ્મદ નઇમે તેના પહેલા ત્રણ બોલમાં ત્રણ ચોક્કા (ડીપ મિડ વિકેટ અને ડિપ સ્કવેરલેગ) માર્યા હતા.
રોહિત શર્માએ ખલીલનો એન્ડ ચેન્જ કરતા પાંચમી ઓવરમાં પેવેલિયન એન્ડથી બોલિંગ કરાવી હતી. જોકે તેનાથી કોઈ ફર્ક પડ્યો ન હતો. નઇમે આ ઓવરમાં પણ 2 ચોક્કા (મિડ વિકેટ અને થર્ડ મેન) માર્યા હતા. ખલીલે 2 ઓવરના અંતે 24 રન આપ્યા, મોંઘવારી!
ત્રીજી ઓવરમાં ખલીલે અફીફ હોસેનને આઉટ કરીને સીરિઝમાં પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. જોકે વિકેટ લીધા છતાં તેણે આ ઓવરમાં 13 રન આપ્યા હતા.
ચોથી ઓવરમાં ખલીલે માત્ર 7 રન આપ્યા હતા અને બાંગ્લાદેશને 160 રનના સ્કોર સુધી પહોંચવા દીધું ન હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post