• Home
  • News
  • ભારતને આ મહિને જ સ્વિસ બેંકોના ભારતીય ખાતેદારોની માહિતીનો ત્રીજો સેટ મળશે, પહેલી વખત ફ્લેટ-એપાર્ટમેન્ટની ડિટેલ હશે
post

છેલ્લાં 2 વર્ષમાં સ્વિસ બેંક આશરે 30 લાખ ખાતાંની જાણકારી આપી ચૂકી છે, આ વર્ષે આ આંકડો વધુ હોય શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-13 10:06:41

ભારતને આ મહિને સ્વિસ બેંક એકાઉન્ટની ડીટેઈલનો ત્રીજો સેટ મળી જશે. ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશન સમજૂતી અંતર્ગત સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેંકના ભારતીય ખાતેદારોની જાણકારી ભારત સરકારને આપશે, જેમાં પહેલી વખત ભારતીયોની માલિકી હક્કવાળી અચલ સંપત્તિનો ડેટા પણ સામેલ થશે.

અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે વિદેશોમાં કથિત રીતે જમા કાળા ધન વિરૂદ્ધ ભારત સરકારની લડાઈમાં આ માઈલસ્ટોન સમાન છે. ભારતને આ મહિને સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીયોના ફ્લેટ અને એપાર્ટમેન્ટ અંગે સંપૂર્ણ જાણકારી મળી જશે. સાથે જ એવી સંપત્તિઓથી થતી કમાણી પર ટેક્સની બાકી રકમ અંગેની પણ જાણકારી મળશે.

છબિ સુધારવા માટે સ્વિસ બેંકે ઉઠાવ્યું પગલું
સ્વિટ્ઝરલેન્ડનું આ પગલું પોતાની છબિ સુધારવા માટે પણ ઘણું જ મહત્ત્વનું છે. સ્વિસ બેંકને કાળું નાણું સંગ્રહ કરવા માટેનું સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. આ દેશ પોતાની આ છબિથી છુટકારો મેળવવા માટે પોતાને સ્પેશિયલ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે ફરી સ્થાપિત કરવા માટે ઘણી મહેનત કરી રહ્યું છે. સ્વિસ બેંકમાંથી ભારત સરકારને ત્રીજી વખત ખાતાઓની જાણકારી આપવામાં આવશે.

વિશેષજ્ઞોએ બેંકના પગલાને યોગ્ય ગણાવ્યું
સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારતની સાથે આ જાણકારી જાહેર કરવાને લઈને સહમતી દાખવી છે. આ ફીલ્ડ સાથે જોડાયેલા વિશેષજ્ઞો અને સ્વિટ્ઝરલેન્ડમાં રોકાણને આકર્ષિત કરનારા વેપારીઓએ આ પગલાંને યોગ્ય ગણાવ્યું છે.

તેઓએ કહ્યું કે વિશ્વભરમાં લોકોને લાગે છે કે સ્વિટ્ઝરલેન્ડની સંપત્તિઓમાં ગેરકાયદે રીતે પૈસાઓનું રોકાણ કરાયું છે. સ્વિસ સરકારના આ પગલાંથી ખોટી ધારણાંઓ દૂર થશે.

સ્વિસ કંપનીના માલિકોએ સ્વાગત કર્યું
સ્વિટ્ઝરલેન્ડ ફોર યૂ નામની કંપનીના ફાઉન્ડર અને CEO હિમાંશુએ સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. હિમાંશુની કંપનીનું કામ સ્વિટ્ઝરલેન્ડના સ્ટાર્ટઅપ્સ અને બીજી કંપનીઓ માટે ભારત અને બીજા દેશમાંથી રોકાણ અને બિઝનેસ લાવવાનો છે.

હિમાંશુએ જણાવ્યું કે એવું કોઈ કારણ નથી કે સ્વિસ બેંકને ખાતાધારકોની જાણકારી છુપાવવી પડે. સંપત્તિના માલિકી હક્કની ડિટેઈલમાં છુપાવવા જેવું પણ કંઈ જ નથી.

બે વખત મળી છે જાણકારીઓની વિગત
ભારતને સ્વિટ્ઝરલેન્ડથી ભારતીય ખાતાઓની જાણકારીનો પહેલો સેટ સપ્ટેમ્બર 2019માં મળ્યો હતો. ભારતની સાથે 75 દેશોને તેમના નાગરિકોની ડીટેઈલ આપવામાં આવી હતી. જે બાદ સપ્ટેમ્બર 2020માં ભારત સરકારને બીજો સેટ મળ્યો હતો. જેમાં ભારત સહિત 85 દેશોના ખાતાધારકોની જાણકારી તેમની સરકારને આપવામાં આવી.

અત્યાર સુધીમાં 30 લાખ ખાતાઓની જાણકારી જાહેર
ગત 2 વર્ષમાં સ્વિસ બેંક લગભગ 30 લાખ ખાતાઓની જાણકારી દેશને આપી ચુકી છે. આ વર્ષે આ આંકડો તેનાથી વધુ હોય શકે છે. બેંક સાથે જોડાયેલાં એક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે મોટી સંખ્યામાં નોન રેસિડન્સ ઈન્ડિયન અને ભારતીય કંપનીઓનો ડેટા જાહેર કરવામાં આવશે.

વર્ષ 2020માં 212% વધી ભારતીયોની સંપત્તિ
સ્વિસ બેન્ક તરફથી 18 જૂન 2021ના રોજ જાહેર કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીયોના સ્વિસ ખાતાઓમાં જમા રૂપિયા 20,700 કરોડ સુધી પહોંચી ગઈ છે,જે છેલ્લા 13 વર્ષમાં સૌથી વધારે છે. જ્યારે 2019ની તુલનામાં અહીં 212 ટકા અથવા 3.12 ગણી વધારે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post