• Home
  • News
  • ભારત સીરિઝ જીવંત રાખવા અને ઓસ્ટ્રેલિયા ‘પેકઅપ’ કરવા મેદાને ઉતરશે, કિંગ કોહલીની ફરી ત્રીજા ક્રમે વાપસી થશે
post

જાધવ, સૈની અને ચહલને તક મળી શકે છે, ત્રણેય ઓપનર્સ રમશે, રાહુલ ચોથો ક્રમ સંભાળે તેવી પ્રબળ સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 10:18:20

રાજકોટ: ભારત છેલ્લી ચાર મેચથી ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે જીત્યું નથી. તેમજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ (ખંઢેરી) ખાતે પણ હજી સુધી જીતનું ખાતું ખોલાવી શક્યું નથી. ઓસ્ટ્રેલિયા જો આવતીકાલની મેચ જીતે તો ભારતને ભારતમાં પ્રથમ વાર સતત પાંચ મેચમાં હરાવશે. છેલ્લા 25 વર્ષમાં માત્ર પાકિસ્તાને 1997થી 2004 દરમિયાન સતત પાંચ મેચ જીતી હતી. મેચના એક દિવસ પહેલા મીડિયા સાથે 'કરો યા મરો'ની જંગ અંગે વાત કરવા કપ્તાન વિરાટ કોહલી અને ઉપક્પ્તાન રોહિત શર્મા આવ્યા નહોતા. પરંતુ ટીમે યુવા શ્રેયસ ઐયરને મોકલ્યો હતો. ચિત્ર સ્પષ્ટ છે કે વર્લ્ડ નંબર 2 અને વર્લ્ડ કપ સેમિફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા દબાણમાં છે અને વર્લ્ડ નંબર 4 ઓસ્ટ્રેલિયાને હંફાવવા વિરાટ સેનાને પોતાની A-ગેમ દાખવવી પડશે.

ભારતે ખંઢેરીમાં બંને વનડે ગુમાવી

ભારત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ખંઢેરી ખાતે બે મેચ રમ્યું છે. 2013માં સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચમાં એમએસ ધોનીની કપ્તાનીમાં ઇંગ્લેન્ડ સામે 326 રન ચેઝ કરતા 9 રને હાર્યું હતું. તે પછી 2015માં ધોની હેઠળ સાઉથ આફ્રિકા સામે 271 રનનો પીછો કરતા ટીમે 18 રને મેચ ગુમાવી હતી.


ભારત માધવરાવ સિંધિયા ખાતે 11માંથી 6 મેચ જીત્યું હતું, પરંતુ કાંગારું સામે હાર્યું હતું

ખંઢેરી પહેલા રાજકોટમાં ઇન્ટરનેશનલ મેચ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાતી હતી. ભારતે ત્યાં 11માંથી 6 મેચ જીતી હતી. જોકે ઓસ્ટ્રેલિયા સામે 7 ઓક્ટોબર 1986ના રોજ રમેલી એકમાત્ર વનડે 7 વિકેટે હારી હતી. કાંગારુંએ 21 બોલ બાકી રાખીને 261 રન ચેઝ કર્યા હતા.

 

ત્રણેય ઓપનર્સ રમશે, રાહુલ ચોથો ક્રમ સંભાળે તેવી પ્રબળ સંભાવના
પહેલી મેચ હાર્યા પછી કોહલીએ કહ્યું હતું કે, ‘‘લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળે તે માટે હું ચોથા ક્રમે રમવા તૈયાર થયો હતો. હું માનું છું કે ચોથા ક્રમે મારુ પ્રદર્શન સારું નથી રહ્યું. પરંતુ કપ્તાન તરીકે મને એક્સપરિમેન્ટ કરવાની છૂટ છે અને હાર પછી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’’ સીરિઝની નિર્ણાયક મેચ છે તેવામાં કિંગ કોહલી ફરી એકવાર ત્રીજા ક્રમે બેટિંગ કરશે તે લગભગ નક્કી છે. રાહુલ ઈજાગ્રસ્ત પંતની જગ્યાએ વિકેટકીપિંગ કરશે તે ઉપરાંત મિડલઓર્ડરમાં ચોથા ક્રમે યોગદાન આપશે

જાધવ, સૈની અને ચહલને તક મળી શકે છે

ઋષભ પંત ઇજાના લીધે મેચની બહાર છે. તેવામાં રાહુલ કીપિંગ કરી રહ્યો હોવાથી ઓલરાઉન્ડર કેદાર જાધવને ટીમમાં જગ્યા મળી શકે છે. જાધવ છઠ્ઠા ક્રમે બેટિંગ કરશે, તેમજ જરૂર પડે તો 4-5 ઓવર ઓફ સ્પિન પણ કરશે. કુલદીપ યાદવ પ્રથમ મેચમાં અન્ય બોલર્સ માફક વિકેટ ઝડપી શક્યો નહોતો. તેણે 10 ઓવરમાં માત્ર 55 રન આપ્યા હતા, પરંતુ કોહલી મહત્ત્વની મેચમાં યૂઝવેન્દ્ર ચહલને રમાડે છે કે નહીં તે જોવાનું રહેશે. તે ઉપરાંત ટીમમાં નવદીપ સૈનીની વાપસી નિશ્ચિત છે. શાર્દુલ ઠાકુર માટે ગઈ મેચ નિરાશાજનક રહી હતી અને તે સૈની માટે જગ્યા કરશે.

 

ભારતની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની

 

ઓસ્ટ્રેલિયા સ્ટાર્ક અથવા કમિન્સને આરામ આપી હેઝલવુડને રમાડે તેવી અટકળો

બીજી તરફ કાંગારું જોશ હેઝલવુડને રમાડશે તેવી અટકળો ચાલી રહી છે. પ્રેક્ટિસ સેશનમાં તેણે સૌથી વધુ સમય બોલિંગ કરી હતી. ફિન્ચે મુંબઈ વનડે પછી સિગ્નલ આપ્યું હતું કે સ્ટ્રાઇક બોલર પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કમાંથી કોઈ એકને આરામ આપીને હેઝલવુડને રમાડશે. તે સિવાય ઓસ્ટ્રેલિયા અન્ય કોઈ ફેરફાર કરે તેમ જણાતું નથી.

 ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી, એસ્ટન અગર, પેટ કમિન્સ/ મિચેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ


નંબર ગેમ:

1) 2003 પછી ભારત માત્ર એકવાર બાઈલેટરલ સીરિઝની પ્રથમ બે મેચ હાર્યું છે. 2012માં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે બંને મેચ ગુમાવી હતી. 17 વર્ષમાં ભારત તે સિવાય 9 વખત સીરિઝની પ્રથમ મેચ હાર્યું છે અને તમામ વખતે ટીમે બીજી મેચ જીતી લીધી હતી.

 

2) 2015થી કોહલીએ ત્રીજા ક્રમે બેટિંગ કરી હોય ત્યારે તેની એવરેજ 9.43ની રહી છે. તેણે 8 ઇનિંગ્સમાં 66 રન કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 16 (મુંબઈ) છે.