• Home
  • News
  • ભારતીય સેનાએ ચીની સૈનિકોનાં હાડકાં તોડ્યા:અરુણાચલમાં ગલવાન જેવો હુમલો કરવા આવ્યા હતા, રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી
post

ભાજપ સાંસદે કહ્યું-બોર્ડરથી એકપણ ઈંચ પાછળ નહીં હટીએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-13 18:01:33

અરુણાચલ પ્રદેશમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(LAC) પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. એમાં ભારતના 6 જવાન ઘાયલ થયા છે, જ્યારે ચીનના સૈનિકોને હુમલાથી વધુ નુકસાન પહોંચ્યું છે. તેમાં ઘણા સૈનિકોનાં હાડકાં તૂટી ગયાં છે. ઘાયલ ભારતીય જવાનોને ગુવાહાટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અથડામણને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે બેઠક બોલાવી છે. રાજનાથ સિંહ બપોરે 12 વાગે લોકસભામાં અને 2 વાગે રાજ્યસભામાં નિવેદન આપશે. તેમના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના પ્રમુખ, NSA અજિત ડોભાલ સહિત તમામ અધિકારીઓ હાજર છે.

વાસ્તવમાં 9 ડિસેમ્બરે ભારતીય સૈનિકોએ ચીનના ઈરાદા પર પાણી ફેરવી નાખ્યું હતું. અરુણાચલના તવાંગના યાંગત્સે વિસ્તારમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ. આ ચીની સૈનિકો ભારતીય સેનાની પોસ્ટને હટાવવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ ભારતીય સેનાની બહાદુરીને કારણે તેઓ પોતાના ઈરાદામાં સફળ ન થયા.

ચીનને જડબાંતોડ જવાબ મળ્યો
બંને દેશ વચ્ચે સૈન્ય સ્તરે સમજૂતી થઈ છે, જે અંતર્ગત બંને દેશના સૈનિક એક નક્કી કરેલા વિસ્તારમાં ફાયરિંગ આર્મ્સ એટલે કે રાઈફલ અથવા આવા જ કોઈ હથિયારનો ઉપયોગ નહીં કરે. સામાન્ય રીતે બંને દેશના સૈનિકો એકબીજાને હાથ વડે પાછળ ધકેલે છે. ગલવાન અથડામણમાં ચીની સૈનિકોએ કાંટાવાળી લાકડીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી ભારતીય સૈનિકોએ પણ આ પ્રકારની ઈલેક્ટ્રિક બેટલ અને કાંટાવાળી લાકડીનો ઉપયોગ શરૂ કર્યો.

ભાજપ સાંસદે કહ્યું-બોર્ડરથી એકપણ ઈંચ પાછળ નહીં હટીએ
અરુણાચલના તવાંગમાં ભારત-ચીન સામ-સામે આવતાં અરુણાચલ પૂર્વના ભાજપ સાંસદ તાપીર ગાઓએ કહ્યું હતું કે અમારા સૈનિકો સરહદથી એક ઇંચ પણ ખસશે નહીં. જો ચીની સૈનિકો સરહદની અંદર ઘૂસવાનો પ્રયાસ કરશે તો અમે તેમને પાઠ ભણાવીશું. અમે સરહદ પર હાર નહીં માનીએ, પરંતુ જડબાંતોડ જવાબ આપીશું.

ચીને 15 જગ્યાનાં નામ બદલ્યા
ગયા વર્ષે ચીને અરુણાચલ પ્રદેશની સરહદ સાથે સંકળાયેલાં 15 સ્થળનાં નામ ચીની અને તિબેટિયન રાખ્યા. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે કહ્યું- આ અમારી સંપ્રભુતા અને ઈતિહાસના આધારે ઉઠાવવામાં આવેલું પગલું છે. આ ચીનનો અધિકાર છે.

વાસ્તવમાં ચીન દક્ષિણ તિબેટને પોતાનો વિસ્તાર ગણાવે છે. તેનો આરોપ છે કે ભારતે તેના તિબેટના પ્રદેશ પર કબજો કરી તેને અરુણાચલ પ્રદેશ બનાવી દીધો. આ પહેલાં 2017માં ચીને 6 જગ્યાનાં નામ બદલ્યા હતા. ભારતે પણ ચીનના આ પગલાનો જડબાંતોડ જવાબ આપ્યો હતો.

ઘટના પર વિપક્ષના નેતાઓએ શું કહ્યું...
ઈમેજ બનાવવા સરકાર મુદ્દાને દબાવી રહી છે:જયરામ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભારતીય સેનાની બહાદુરી પર અમને ગર્વ છે. સરહદ પર ચીનની કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અમે છેલ્લાં બે વર્ષમાં વારંવાર સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મોદી સરકાર માત્ર પોતાની રાજકીય છબિ બચાવવા માટે આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. એનાથી ચીનની હિંમત વધી રહી છે.

કેજરીવાલે કહ્યું-જવાનોની બહાદુરીને સલામ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાનોના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, 'આપણા સૈનિકો દેશનું ગૌરવ છે. હું તેમની બહાદુરીને સલામ કરું છું અને તેમની જલદી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

ઓવૈસીનો સવાલ- જો 9 તારીખે અથડામણ થઈ હતી તો સરકારે સંસદમાં માહિતી કેમ ન આપી?
તવાંગ વિસ્તારમાં અથડામણ મામલે અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત-ચીન સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે અથડામણ થઈ હતી. આ દરમિયાન સંસદ ચાલી રહી છે, તો સરકારે એ જ દિવસે તેની જાણ કેમ ન કરી? ત્રણ દિવસ પછી મીડિયા અમને કહી રહ્યું છે કે અમારા બહાદુર જવાનો ઘાયલ છે. મને દેશની સેનામાં પૂરો વિશ્વાસ છે, પરંતુ દેશમાં નબળું નેતૃત્વ છે. મોદી સરકાર ચીનનું નામ લેતા પણ ડરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post