• Home
  • News
  • કાશ્મીરમાં તહેનાત સૈનિકો માટે સ્વદેશી 40 હજાર બુલેટ પ્રૂફ જેકેટ્સ મોકલવામાં આવ્યા
post

ભારતીય સેનાને પહેલીવાર દેશમાં બનેલા 40 હજાર બુલેટ પ્રૂફ જેકેટ્સ આપવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-19 15:01:52

નવી દિલ્હી: ભારતીય સેનાને પહેલીવાર દેશમાં બનેલા 40 હજાર બુલેટ પ્રૂફ જેકેટ્સ આપવામાં આવ્યા છે. આ જેકેટ્સનો પહેલો જથ્થો જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં જોડાયેલા સૈનિકોને મળશે. જેકેટ્સ બનાવતી કંપની એસએમપીપી પ્રાઈવેટ લિમિટેડ તરફથી મેજર જનરલ અનિલ ઓબેરોયે જણાવ્યું કે, સેનાના જવાનો માટે સમય પહેલાં જ બધો ઓર્ડર પૂરો કરી દેવામાં આવશે. સરકારે આ ઓર્ડર પૂરો કરવા માટે કંપનીને 2021 સુધીનો સમય આપ્યો છે. પરંતુ 2020ના અંત સુધીમાં આખો ઓર્ડર પૂરો થઈ જશે.

મેજર ઓબેરોયના જણાવ્યા પ્રમાણે, પહેલા વર્ષે તેમને સેના માટે 36 હજાર જેકેટ્સ આપવાના હતા પરંતુ કંપની તેમના ટાર્ગેટ કરતા આગળ ચાલી રહી છે. દેશમાં બનેલા આ બુલેટપ્રૂફ જેકેટ્સ હાર્ડ સ્ટીલથી બનેલી ગોળીઓ પણ સહન કરી શકે છે. એટલે કે એકે-47 અને અન્ય ઘણાં હથિયારની આ જેકેટ્સ પર કોઈ અસર થશે નહીં. હાલ આ જેકેટ્સને કાનપુરમાં આવેલા સેન્ટ્રેલ ઓર્ડિનન્સ ડેપો પહોંચાડવામાં આવ્યા છે. અહીંથી ટૂંક સમયમાં જ તે જમ્મુ-કાશ્મીર પહોંચાડવામાં આવશે.

સેનાને આધુનિક અને હળવા વજનના બુલેટ પ્રૂફ જેકેટ્સ પૂરા પાડવા માટે રક્ષા મંત્રાલયે ગયા વર્ષે જ એસએમપીપી સાથે રૂ. 639 કરોડમાં સોદો કર્યો હતો. તેના અંતર્ગત સેનાને 1.86 લાખ ઉચ્ચ સ્તરીય જેકેટ્સ મળશે. રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, આ પ્રોજેક્ટથી સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન મળશે. તેનાથી ભારતીય સેના અને ઉદ્યોગોનો પણ આત્મવિશ્વાસ વધશે.

આ જેકેટ્સને બોરોન કાર્બાઈટ સિરામિકથી તૈયાર કરવામાં આવ્યા છે. જે સુરક્ષા માટે સૌથી ઓછા વજનનું અને ખૂબ સારુ મટીરિયલ છે. આ જેકેટ જવાનોને 360 ડિગ્રી સુરક્ષા આપશે. જેથી યુદ્ધ અને એન્ટી ટેરર ઓપરેશન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. મોડ્યુલર પાર્ટ્સથી બનેલું આ જેકેટ સોફ્ટ છે અને પહેરવામાં પણ સરળ અને સુવિધાજનક છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post